Oct 27, 2015

શું દૂષણોએ તેમને પકડી રાખ્યા છે?


ભૂદાન આંદોલનના પ્રણેતા વિનોબા ભાવે પાસે એક દિવસ દારૂના વ્યસને ચડી ગયેલો યુવક આવ્યો અને હાથ જોડી કરગરવા લાગ્યો, ‘ગુરુજી, આ દારૂએ તો મને બરબાદ કરી નાખ્યો, મારે તેને છોડી દેવો છે, પણ કેમે કરીને છૂટતો જ નથી! આ વ્યસનથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવી મારો ઉદ્ધાર કરો.’

વિનોબાજીએ કહ્યું, ‘સારું બેટા, તું કાલે સવારે આવી મને બહારથી જ બૂમ મારજે. હું બહાર આવી તને તેમાંથી છુટકારાનો ઉપાય જણાવીશ.’

યુવક બીજે દિવસે પરત આવ્યો અને વિનોબાજીને બોલાવવા બૂમ પાડી. વિનોબાજીએ અંદરથી જ જવાબ આપ્યો, ‘બેટા, હું બહાર નહીં આવી શકું.’

પેલા યુવકે એનું કારણ પૂછતા વિનોબાજીએ

Oct 21, 2015

કબીરની આદર્શવાદિતા

સંત કબીરજી આદર્શવાદી જીવન જીવ્યા. તેમની પુત્રીનાં લગ્ન આવ્યાં. પાસે પૈસા હતા નહીં. આથી તેમણે વિચાર કર્યો કે, મારી પાસે થોડું કાપડ વણેલું પડ્યું છે તે વેચીને પૈસાની કંઈક વ્યવસ્થા કરું. કાપડ ખભા પર મૂકીને ભરબપોરે જ તેઓ કાપડ વેચવા નીકળ્યા. રસ્તામાં એક વૃક્ષ નીચે આરામ કરવા રોકાયા. ત્યાં એક મુસાફર આવ્યો. કબીરજીએ તેને પૂછ્યું, ક્યાં જાઓ છો ભાઈ? તેણે જવાબ આપ્યો, કબીરજી પાસે.

કબીરજીએ કહ્યું - એમનું શું કામ છે?

મુસાફર - મારી ધોતી ફાટી ગઈ છે, સાંભળ્યું છે કે, કબીરજી નવી ધોતી આપે છે.

કબીરજીએ સાથે લાવેલ કાપડમાંથી તે મુસાફરને ધોતી જેટલું કાપડ ફાડી આપ્યું. પેલો મુસાફર ખુશ થયો અને બોલ્યો- હવે ટુવાલની કમી છે તે કબીર પાસેથી માંગી લઈશ. કબીરજીએ તે કાપડમાંથી ટુવાલ જેટલો ટુકડો ફાડી આપ્યો. પેલા મુસાફરે કહ્યું કે, ધોતી-ટુવાલ તો તમે આપી દીધાં. હવે ખમીસનું કાપડ કબીર પાસેથી માંગી લઈશ. આ સાંભળીને કબીરજીએ બાકી વધેલો કાપડનો ટુકડો પણ તે મુસાફરને આપીને કહ્યું કે આમાંથી ખમીસ બનાવી લેજો. આમ નિ:સ્વાર્થ ભાવથી સર્વસ્વ દાન કરીને કબીરજી ખાલી હાથે પાછા ઘેર આવી ગયા.

પરોપકાર જો નિત કરે, વહ સજ્જન કહલાય

સબકા જો શુભ ચિંતન કરે, વહ સર્વત્ર પૂજાય

Sep 23, 2015

ભગિની નિવેદિતા

ઇંગ્લૅન્ડનાં એક વિદુષી મહિલા જેઓ એક વિદ્યાલયનાં આચાર્ય હતાં તથા ત્યાંની શિક્ષણ સમિતિના સદસ્ય પણ હતાં તેઓ સ્વામી વિવેકાનંદના આહ્વાનથી ભારતમાં આવ્યાં. મૂળ નામ તો માર્ગારેટ નોબલ પરંતુ સ્વામીજીએ તેમને ભગિની નિવેદિતા નવું નામ આપ્યું અને બંગાળમાં સ્ત્રીશિક્ષણની જવાબદારી સોંપી. નિવેદિતાએ અનાથ બાળાઓ માટે અનાથાશ્રમ શરૂ કર્યો અને તેમાં બ્રિટિશ સરકારની કોઈપણ પ્રકારની સહાય નહીં લેવાનો સંકલ્પ કર્યો. દેશવાસીઓ પાસેથી જ ભંડોળ મેળવી તેમણે આશ્રમ ચલાવ્યો.

સહાય માટે એકવાર તેઓ સુખી-સંપન્ન વ્યક્તિ પાસે ગયાં અને અનાથ બાળાઓ માટે સહાયની માંગણી કરી. તે વ્યક્તિએ સહાય આપવાનો ઇન્કાર કર્યો એટલું
જ નહિ ગુસ્સામાં આવીને નિવેદિતાને થપ્પડ મારી દીધી. ભગિની નિવેદિતાએ જરા પણ વિચલિત થયા વિના જણાવ્યું કે, આ થપ્પડ તો તમે મને આપી છે પરંતુ અનાથ બાળાઓ માટે તો કંઈક આપો. આ સાંભળી તે વ્યક્તિ ભોંઠો પડી ગયો.

સેવાકાર્ય માટે કેવી નિષ્ઠા અને લક્ષ્યસિદ્ધિ માટે કેવો સમર્પણભાવ હોવો જોઈએ તે ઉપરોક્ત પ્રસંગથી સ્પષ્ટ થાય છે.

સામાજિક કાર્યકર્તાએ પોતાના માન-અપમાનની ચિંતા છોડીને સેવાકાર્યમાં પ્રવૃત્ત રહેવું જોઈએ.

Sep 18, 2015

ભારતનું મીડિયા નકારાત્મક કેમ ?

પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીને તાજેતરમાં કોઈએ પ્રશ્ર્ન પૂછ્યો કે, "ભારતનું મીડિયા આટલું બધું નકારાત્મક કેમ છે ? ત્યારે તેમણે આપેલો ઉત્તર નીચે પ્રમાણે હતો.

"નકારાત્મકતા આપણને વારસામાં મળી છે. અહીં વિદેશીઓનું રાજ્ય હતું તેથી વિદેશી સામ્રાજ્યની ટીકા કરવી, ભૂલો કાઢવી એ મીડિયા માટે તે સમયે જરૂરી હતું, પરંતુ ધીમે ધીમે મીડિયાને તે ટેવ પડી ગઈ, તેનો સ્વભાવ બની ગયો. તે ટેવ અંગ્રેજોના ગયા પછી પણ ચાલુ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોણ જાણે કેમ આપણા જ દેશનું નિરાશાજનક ચિત્ર રજૂ કરવામાં

Sep 10, 2015

ઈશ્ર્વરનું અસ્તિત્વ

એક યુવા બાળકે પોતાના પિતાને કહ્યું કે ભગવાન આ જગતમાં છે જ નહિ. જો ઈશ્ર્વર હોત તો આપણને દેખાત. પિતાએ એને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમજાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમજાવવાનું છોડી દીધું.

એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ર્ન કર્યો, ‘અરે પિતાજી!

Aug 24, 2015

કાર્ય પ્રત્યેની સમર્પણભાવના

દેશમાં સાયકલના જનક શ્રી ઓમપ્રકાશ મુંજાલનું ગત ૧૩ ઑગસ્ટના રોજ નિધન થયું. સાયકલ ઉત્પાદન માટેની હીરો કંપની પ્રસ્થાપિત કરી, ‘હીરો’ ગરીબ અને મધ્યમવર્ગના હીરો બની ગયેલા ઓમપ્રકાશની નેતૃત્વક્ષમતા અને કાર્ય પ્રત્યેની સમર્પણભાવનાને ઉજાગર કરતો એક સુંદર અને પ્રેરણાદાયી પ્રસંગ તેમની આત્મકથામાંથી મળી આવે છે. એક દિવસ તેમના કારખાનામાં કામદારોએ હડતાળ પાડી, કામકાજ ઠપ્પ થઈ ગયું; ત્યારે ઓમપ્રકાશજી ખૂબ જ શાંતિથી પોતાના કાર્યાલયમાંથી બહાર આવ્યા અને કામદારોને કહ્યું, ‘જો તમારે આજે કામ ન જ કરવું હોય અને ઘરે જ જવું હોય તો જાઓ, પરંતુ કારખાનું તો ચાલુ જ રહેશે; તમે નહીં તો હું ખુદ કામે ચડીશ.’ કેટલાક ઉપરીઓ-સિનિયરોએ તેઓને રોક્યા અને કહ્યું, ‘સાહેબ તમે રહેવા દો, અમે વેપારીઓને સમજાવી દઈશું’. ત્યારે તેઓએ કહ્યું, ‘મોટા વેપારીઓ તો સમજી જશે કે, હડતાળને કારણે કામ નથી થયું, પરંતુ એ બાળકોનું શું? જેમનાં માતા-પિતાએ તેમના જન્મ-દિવસે તેમને સાયકલ લાવી આપવાનું વચન આપ્યું છે! કામદારો અને કારખાનાની લડાઈમાં તે નિર્દોષ ભૂલકાંનો શો વાંક...? તેથી હું જેટલી સાયકલો બનાવી શકીશ, તેટલી બનાવીશ અને વ્યાપરીઓને જે વચન આપ્યાં છે, તે બને તેટલાં પૂરાં કરવાનો પ્રયત્ન કરીશ.’ આટલું કહી તેઓએ જાતે જ સાયકલ ઉત્પાદનનું ઠપ્પ થઈ ગયેલું કાર્ય પુન: શરૂ કરી દીધું. તેમની કામ સ્વકર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણભાવનાની વાત કામદારો સુધી પહોંચતાં જ તેઓ દોડતાં આવ્યાં અને ઉપ્દાન કાર્ય પુન: શરૂ કરી દીધું અને તે દિવસે જેટલા ઑર્ડર હતા તે બધું કામ પૂરું કરી દેવામાં આવ્યું. આવી હતી ઓ. પી. મુંજાલજીની કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણભાવના અને કર્મચારીઓ પાસે કામ લેવાનું કૌશલ્ય! આવા દૃષ્ટિવંત, સંનિષ્ઠ, કર્તવ્યપરાયણ અને વ્યવહારુ સુઝબુઝ ધરાવતા ઉદ્યોગશ્રેષ્ઠીને ચિર-વિદાય વેળાએ આદરાંજલિ રૂપે શ્રદ્ધા સુમન...!

Jul 21, 2015

કચ્છના સુપ્રસિદ્ધ સંત દાદા મેકરણ

કચ્છના સુપ્રસિદ્ધ સંત દાદા મેકરણ એક વખત તીર્થયાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેકરણથી આ કરુણતા જોવાઈ નહીં, આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટ્યું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘા સાફ કર્યા. આમ કરવાથી ગધેડાને પીડામાં થોડી રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેકરણે જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું, ‘પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?’

અર્થાત્ જો પીપળામાં જે પ્રાણ છે તે બાવળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહીં? આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયા અને દાદાના ચરણે પડી ગયા. આ પછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો, જેનું નામ દાદાએ ‘લાલિયો’ રાખ્યું હતું.

Jul 13, 2015

જામરણજીતસિંહની રાષ્ટ્રભક્તિ અને સ્વદેશાભિમાન

એક સમય હતો જ્યારે મોગલ સલ્તનતના આક્રમણોને કારણે નવાનગર પર ઈસ્લામિક ધ્વજ ફરકતાં હતાં. સામાન્યથી માંડી સરકારી કામકાજમાં પણ ઈસ્લામની અસર અને દખલ વર્તાતી હતી. તે સમયે અહીંના રાજ્યતંત્રની કેટલીક વિધિઓ કાજીઓના હાથમાં હતી. કેટલાક સરકારી કામોમાં ખતપત્રો પર કાજી ચકલામાં વસતાં કાજીઓની ‘મહોર’ ફરજિયાત હતી અને કાજીઓ વહિવટી મહોર મારવા માટે એક કોરી લાગો લેતાં. આ લાગાથી સમગ્ર હિન્દુ અને મુસ્લિમ પ્રજા ત્રાસી ગઈ હતી, પરંતુ કાજીના વર્ચસ્વને પડકારવાની હિંમત કોઈનામાં ન હતી. પણ કાજીઓની આ દૂષીત નીતિને ૧૯૩૬માં એક ગૌરવશાળી વ્યક્તિએ જબરદસ્ત પડકાર ફેંક્યો. એ હતા જામનગરનાં રાજા રણજીતસિંહ. તેમણે કડક શબ્દોમાં હાક મારી, "અમારા રાજમાં કામ કરવા માટે વિધર્મી-વિદેશી સંસ્કૃતિના લોકોની મહોરની કોઈ જરૂર નથી. આમ કહી તેના એક ઝાટકે એ પ્રથા નાબૂદ કરી દીધી હતી. જામનગરનાં જામરણજીતસિંહની રાષ્ટ્રભક્તિ અને સ્વદેશાભિમાન માટે આજે પણ સૌને ગર્વ છે.

Jun 23, 2015

પ્રમુખસ્વામીનો પ્રભાવ મારા જીવન માં આધ્યાત્મિક ઉન્નતિનું સર્વોચ્ચ સોપાન - ડો એ પી જે અબ્દુલ કલામ

પ્રમુખસ્વામીનો પ્રભાવ મારા જીવન માં આધ્યાત્મિક ઉન્નતિનું સર્વોચ્ચ સોપાન - ડો એ પી જે અબ્દુલ કલામ

સાચો યોગી

એક યુવકના મનમાં યોગ-સાધનાને લઈને જિજ્ઞાસા ઉત્પન્ન થતાં એ એક તેજસ્વી યોગી-મહાત્મા પાસે ગયો અને કહ્યું, ‘સ્વામીજી મારે યોગ વિદ્યા થકી મારામાં છુપાયેલ રહસ્યમયી શક્તિઓને જાણવી છે, મને તમારાં શિષ્ય તરીકે દિક્ષા આપો!’

યોગીએ કહ્યું, ‘યોગ-સાધનામાં દિક્ષા આપવાનો અધિકાર માત્ર સદ્ગુરુનો છે. હું તને એ સદ્ગુરુની કેટલાક નિશાનીઓ આપું છું, તારે તેમની શોધ કરવી પડશે.’

યોગીએ આપેલી નિશાનીઓ પ્રમાણે પેલા યુવાને વર્ષો સુધી શોધ આદરી, આખરે એક દિવસ તેણે એક વૃક્ષ નીચે બેઠેલા દિવ્ય વ્યક્તિત્વધારી યોગી જોયા, ચારે તરફ દિવ્ય પ્રકાશ અને એવો જ તેજસ્વી ચહેરો. તેમને જોતાં જ એમનો એ ચહેરો જોતા આશ્ર્ચર્યમાં પડી ગયો. એ તેજપૂંજ ધરાવનારા યોગી એ જ સાધુ હતા જેમને તે વરસો પહેલાં મળ્યો હતો. આશ્ર્ચર્ય સાથે એણે યોગીને પૂછ્યું, ‘બાબા તમે મને આટલો ભટકાવ્યો શું કામ?’

યોગીએ જવાબ આપ્યો બેટા, ‘પહેલાં તારામાં યોગ વિશે માત્ર કૌતુક હતું અને આજે શિષ્યભાવ છે, અને યોગ માટે માત્ર કૌતુક હોવાથી જ કોઈ યોગી ના બની શકે, તેના માટે ધીરજ હોવી જોઈએ અને યોગને ગુરુ માની પોતાનામાં તેના પ્રત્યે શિષ્યભાવ પ્રગટ કરે તે વ્યક્તિ જ સાચો યોગી બની શકે.

Jun 3, 2015

તો ગંગાજળ માનવને મુક્તિ કેવી રીતે અપાવી શકવાનું...?

યુવા કબીર એક વખત પોતાના દૈનિક ક્રમ મુજબ ગંગાસ્નાન માટે જઈ રહ્યા હતા. વારાણસીની તંગ ગલીઓમાં તેમની નજર જીવનની અંતિમ ઘડીઓ ગણી રહેલા એક વિદ્વાન બ્રાહ્મણ પર પડી. કબીરે તેઓની પાસે જઈ ખૂબ જ આદરપૂર્વક કહ્યું, મહારાજ, મારા લાયક કાંઈ કામ...? બ્રાહ્મણે કહ્યું, બેટા, મારો અંતિમ સમય આવી ગયો લાગે છે અને હું આ દુનિયામાં એકલો છું અને મૃત્યુ પહેલાં ગંગાજળ પીવાની ઇચ્છા છે, તું લાવી આપીશ...? કબીર તત્કાળ ગંગાઘાટે જઈ પોતાની પાસેના પાત્રમાં ગંગાજળ ભરી લાવ્યા અને બ્રાહ્મણને પીવાનો આગ્રહ કરવા લાગ્યા. ત્યાં જ બ્રાહ્મણે તેઓને રોકતાં કહ્યું... પણ અરે... તું તો ગંગાજળ તારા આ પાત્રમાં લઈ આવ્યો. અને તું તો અમારાથી નીચી જાતિનો છે. તારે મને અપવિત્ર કરવો છે...? આ સાંભળી કબીરે ખૂબ જ શાલીનતાપૂર્વક કહ્યું... મહારાજ, શું તમને આ ગંગાજળ પર એટલી પણ શ્રદ્ધા નથી કે તે મારા આ પાત્રને પવિત્ર કરી શકે...? તો પછી આ ગંગાજળ તમને પવિત્ર કરી મુક્તિ ક્યાંથી આપી શકવાનું? કબીરની આ વાણીથી પેલા બ્રાહ્મણની આંખો ખૂલી ગઈ અને કહ્યું, બેટા, તેં મને સાચો ધર્મ શીખવ્યો છે. હવે તું જ તારા હાથે ગંગાજળ પીવડાવી મને મુક્તિ આપ. ગંગાજળ પીધાની થોડીક જ ક્ષણોમાં બ્રાહ્મણે પોતાના પ્રાણ ત્યજી દીધા.

May 7, 2015

પાઘડી એ તો ગુજરાતનું ગૌરવ છે

અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને ફિલ્મો પ્રત્યે ઊંડી લાગણી ધરાવતા. ગુજરાતી ફિલ્મો વિશે તોછડું બોલતા લોકોને તે ફિલ્મના ચાલુ શૂટિંગે જ રોકડું પરખાવી દેતા. એક વાર કોઈકે ગુજરાતી ફિલ્મોની ફાળિયાવાળી ફિલ્મો કહી મજાક કરી. ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીએ તત્કાળ પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘અરે પાઘડી એ તો ગુજરાતનું ગૌરવ છે. ગૌરવ માટે જ અમે ગુજરાતની અલગ અલગ સંસ્કૃતિમાં પહેરાતી પાઘડીઓને ફિલ્મમાં દર્શાવવી એટલે ગુજરાતની લોકસંસ્કૃતિનો પ્રચાર.’ પોતાની માતૃભૂમિની ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિ અંગે કેટલી હદનું સ્વાભિમાન હોવું જોઈએ એ વાત આપણને સ્વર્ગસ્થ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના આ પ્રસંગ પરથી શીખવા મળે છે.

Apr 18, 2015

પરાજયનું પ્રથમ પગથિયું

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ અર્જુન હતો, જેના સારથિ ભગવાન શ્રીકૃષ્ણ હતા. બીજી તરફ કર્ણ તેના સારથિ ‘શલ્ય’ સાથે હતો. ભગવાન શ્રીકૃષ્ણે કર્ણના સારથિ શલ્યને કહ્યું, તું અમારા વિરુદ્ધ જરૂરથી લડજે પરંતુ મારી એક વાત માનજે. જ્યારે કર્ણ કોઈ પ્રહાર કરે ત્યારે તારે કહેવાનું કે આ તો કંઈ પ્રહાર છે, તમને તો પ્રહાર કરતાં જ નથી આવડતું. બસ, તારે યુદ્ધ દરમિયાન સતત આ વાક્યો જ રટતા રહેવાનું છે. શલ્યે કૃષ્ણની વાત માની લીધી. યુદ્ધ શરૂ થયું અને કર્ણના પ્રત્યેક પ્રહાર સાથે શલ્ય કૃષ્ણે કહ્યા પ્રમાણેનું બોલતો જ્યારે અર્જુનના પ્રત્યેક પ્રહાર બાદ શ્રીકૃષ્ણ કહેતા, વાહ, શું પ્રહાર છે! શું નિશાન તાક્યું છે! એક તરફ શલ્યની સતત ટીકાથી કર્ણ હતોત્સાહિત થતો ગયો અને પાંડવો વધુ ને વધુ શક્તિશાળી બનતા ગયા. અર્થાત્ પ્રોત્સાહન મન માટે અમૃત સમાન છે જ્યારે હતોત્સાહિત મન પરાજયનું પ્રથમ પગથિયું છે.

Apr 9, 2015

પારસથી પણ મૂલ્યવાન

પોતાની નિર્ધનતાથી ત્રસ્ત એક વ્યક્તિ સંન્યાસી પાસે પહોંચ્યો અને કરગરવા લાગ્યો - સ્વામીજી, હું ખૂબ જ દરિદ્ર છું. મને કંઈક આપો. સંન્યાસીએ હસીને કહ્યું, ભાઈ, હું ખુદ આ પહેરે લૂગડે છું. તને શું આપવાનો...? છતાં તારે જોઈતું હોય તો થોડા દિવસ પહેલાં હું નદીએ સ્નાન કરતો હતો ત્યારે મારા હાથમાં પારસ આવ્યો હતો, પરંતુ મારે એનું શું કામ, કહી મેં તેને ત્યાં જ છોડી દીધો હતો. તું તે લઈ શકે છે. સંન્યાસીની વાત સાંભળતાં જ પેલો નિર્ધન માણસ દોડીને નદીકિનારે પહોંચ્યો અને પારસ ઉઠાવી ખુશ થતાં ઘર તરફ જવા લાગ્યો... ત્યાં જ તેના મનમાં એક ઝબકાર થયો અને સંન્યાસી પાસે પરત દોડી ગયો અને ગળગળો થઈ

Apr 2, 2015

ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ કટ્ટર હિન્દુ હતા - ન્યૂઝ વોચ - સંજય વોરા

ને હરુ-ગાંધી પરિવાર સિવાયના કોંગ્રેસી વડા પ્રધાનોને કોંગ્રેસીઓ કદી યાદ રાખવાની કોશિષ કરતા નથી. ઇ.સ. ૧૯૯૧-૯૬ વચ્ચે ભારતના વડા પ્રધાન રહી ચૂકેલા પી.વી. નરસિંહ રાવ તેમાંના એક છે. ઇ.સ. ૨૦૦૪માં ૮૩ વર્ષની ઉંમરે નરસિંહ રાવનું દિલ્હીમાં અવસાન થયું ત્યારે તેમના મૃતદેહને કોંગ્રેસના કાર્યાલયમાં દર્શન માટે રાખવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. જો દિલ્હીમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે તો યમુનાકિનારે તેમનું સ્મારક બનાવવું પડે તેવા ડરથી તેમના અંતિમસંસ્કાર હૈદરાબાદમાં કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી નેતાઓ જેમને ભૂલવા માગે છે તે નરસિંહ રાવનું સ્મારક દિલ્હીમાં બનાવવાનો નિર્ણય કરીને

દેશનું સન્માન

સ્વામી રામતીર્થ એક વખત જાપાનના પ્રવાસે ગયા હતા. ત્યારે રેલયાત્રા દરમિયાન તેમને ફળો ખાવાની ઇચ્છા થઈ. રેલગાડી એક સ્ટેશન પર ઊભી રહેતાં તેઓ ફળ લેવા નીચે ઊતર્યા, પરંતુ અનેક પ્રયત્નો છતાં સ્ટેશન પર તેમને ખાવા લાયક ફળ મળ્યાં નહીં, આથી વ્યથિત થઈ તેઓ બોલી ઊઠ્યા, ‘શું જાપાનમાં ક્યાંય સારાં ફળો જ નથી મળતાં!’ એક જાપાની યુવકે તેમના આ શબ્દો સાંભળી લીધા. બીજા સ્ટેશન પર તે યુવક ઝડપથી ટ્રેનમાંથી નીચે ઊતર્યો અને તાજાં ફળોની એક ટોકરી લાવી રામતીર્થ સામે ધરતાં બોલ્યો, ‘લો સજ્જન, કદાચ તમને આની જરૂર હતી.’ સ્વામીજીએ તેને ફેરિયો સમજી ફળોની કિંંમત પૂછી, પરંતુ પેલા યુવાને પૈસા લેવાની ના પાડી દીધી. સ્વામીજીના ખૂબ આગ્રહ બાદ પેલા યુવકે કહ્યું, ‘સજ્જન, આ ફળની ટોકરીની કિંંમત એટલી જ છે કે, તમે તમારા દેશમાં જઈને કોઈને કહેતા નહીં કે, જાપાનમાં સારાં ફળો નથી મળતાં.’ સ્વામી રામતીર્થ એ યુવકની દેશભક્તિ જોઈ મુગ્ધ થઈ ગયા. ભારત પરત ફર્યા બાદ તેઓએ આ વાત અનેક યુવકોને વારંવાર સંભળાવી અને જાપાની લોકોની દેશભક્તિમાંથી પ્રેરણા લેવાની કહેતાં શિખામણ આપતા હતા.

Mar 20, 2015

અમૂલ્ય ઘરેણું

19મી સદીનો એક પ્રસંગ છે. મેદિનીપુર નામના એક ગામમાં એક માતા પોતાના પુત્ર સાથે રહેતી હતી. માતા અત્યંત સાદગીથી રહેતી પણ તેના વિચારો ખૂબ જ ઉચ્ચ રહેતા. તે પોતાના પુત્રને પણ આ જ સંસ્કારોની શીખ આપતી હતી. પુત્ર પણ ખૂબ જ આજ્ઞાકારી હતો. માતા ખૂબ જ મહેનત કરીને દીકરાનું પાલનપોષણ કરતી હતી. પુત્ર પોતાની માતાનાં દુ:ખ અને મુશ્કેલીને જોતો હતો અને તેથી તેના મનમાં એ જ ભાવના રહેતી કે મોટા થયા પછી તે માતાને તમામ પ્રકારનાં સુખ આપશે. એક દિવસ તે પુત્રએ તેની માતાને કહ્યું કે, ‘માતા, મારી એક ઇચ્છા છે કે તમારા માટે ઘરેણાં બનાવું, તમારી પાસે એક પણ ઘરેણું નથી.

આ સાંભળીને માતા બોલ્યાં, ‘બેટા આ ગામમાં એક પણ સારી શાળા નથી, તો તું એક સારી શાળા બનાવ. એક દવાખાનું બનાવી દે અને ગરીબ તથા અનાથ બાળકો માટે રહેવા-ખાવાની વ્યવસ્થા કરાવી દે. મારા માટે તો તે જ ઘરેણા સમાન છે.’ તે ગામમાં આ પુત્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલું વિશ્ર્વવિદ્યાલય આજે પણ તે અમૂલ્ય ઘરેણાની કથા સંભળાવે છે. કથાનો સાર એટલો જ છે કે પોતાની જાતનો શણગાર કરાવાની જગ્યાએ સમાજને સુધારવાનું કામ મનુષ્યને માનવતા અર્પે છે અને એવી માનવતાથી ભરેલો સમાજ એક સુસંસ્કૃત રાષ્ટ્રની પરિકલ્પ્નાને સાકાર કરે છે.

આ પુત્ર હતા પંડિત ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર અને માતા હતાં ભગવતી દેવી.

Mar 4, 2015

કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે

મહાભારતના યુદ્ધ દરમિયાન પોતાનાં પરાક્રમોથી અર્જુને કૌરવસેનામાં હાહાકાર મચાવી દીધો હતો. પરિણામે ક્યાંક ને ક્યાંક તેનામાં અભિમાન આવી ગયું હતું. યુદ્ધ દરમિયાન દરરોજ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ સૌપ્રથમ રથમાંથી ઊતરી સારથિભાવે અર્જુનને ઉતારતા, પરંતુ યુદ્ધના અંતિમ દિવસે તેઓએ અર્જુનને પહેલાં રથમાંથી ઊતરી દૂર ચાલ્યા જવાનું કહ્યું. અર્જુને કચવાટ સાથે તેમ કર્યું. શ્રીકૃષ્ણ જેવા રથમાંથી નીચે ઊતર્યા કે તરત જ આખે-આખો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ જોઈ અર્જુન તો આશ્ર્ચર્યચકિત થઈ ગયો, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, પાર્થ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણનાં દિવ્યાસ્ત્રોથી તારો રથ તો ક્યારનોય બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ મારા સંકલ્પે તેને યુદ્ધ પૂરું થતાં સુધી જીવંત રાખ્યો હતો. થોડી ક્ષણો પહેલાં પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાચતો અર્જુન નતમસ્તક થઈ શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયો અને પોતાના મિથ્યાભિમાન પર પસ્તાવો કરવા લાગ્યો. આપણે પણ સફળતા બાદ ક્યારેક ‘બધું જ મેં કર્યું છે’ના અભિમાનમાં રાચતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છીએ. કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે. કાશ! આપણી અંદરનો અર્જુન આ સત્યને સમજી જાય.

Feb 20, 2015

વાણી હંમેશાં સમજી - વિચારી કુનેહથી વાપરવી.

બારડોલી સત્યાગ્રહ પ્રસંગે સુરત સ્ટેશન પર સલૂનમાં ગવર્નર સાથે સુલેહ કરી પછી સરદાર પટેલ સહીઓ કરવાની વિધિ પૂરી થાય તેની રાહ જોતાં પ્લેટફોર્મ પર આંટા મારતા ફરતા હતા.

બીજી તરફ એક સ્થાને જમીનદાર ખેડૂતો પાસે સહી કરાવી રહ્યાં હતા. આવામાં ખેડૂતોની જમીન પાણીના મૂલે વેચાતી રાખનાર એક અક્કડ માણસે આવીને કહ્યું કે, ‘‘વલ્લભભાઈ પટેલે મને બહુ ગાળો આપી છે, તે મારી માફી માગે તો જ હું જમીન પાછી આપવાના પત્ર પર સહી કરીશ.’’

હવે સરદારને માફી માગવાનું કોણ કહી શકે ? હવે આ અક્કડ માણસને કોણ સમજાવે ? કોઈને કંઈ સૂજતું ન હતું. સરદાર રાહ જોઈ રહ્યાં હતા. આખરે ઘણી વાર થતાં સરદારે જ પૂછ્યું. ઘણીવાર થઈ.... ‘‘ગાડું ક્યાં ખોટકાયું છે ?’’

ત્યારે કોઈએ હિંમત રાખી સરદારને પેલા અક્કડ જમીનદારની શરત કહી.

ત્યારે સરદારે કહ્યું, ‘‘તો તમે ક્યારના કહેતા કેમ નથી ?’’

જમીનદાર બેઠેલા હતાં ત્યાં જઈને સરદારે તેને કહ્યું, ‘કેમ ? મેં તમને બહુ ગાળો દીધી છે ?’

પેલાએ કહ્યું, ‘‘હા’’.

સરદારે કહ્યું, ‘‘ચાલો સહી કરી દો. કાલથી હું તમારા વખાણ કરીશ.’’ પેલા અક્કડ જમીનદારે તરત જ કાગળ પર સહી કરી દીધી. માફીની વાત ત્યાં જ રહી. ‘માફી’ના બદલે ‘વખાણ’ શબ્દ વાપરી સરદારે કુનેહથી કામ કઢાવી લીધું.

બોધ એ છે કે ઘણીવાર માણસની વાણી પણ કઠીનમાં કઠીન કાર્ય પાર પાડી દે છે. માટે વાણી હંમેશાં સમજી - વિચારી કુનેહથી વાપરવી.

Feb 10, 2015

પાંજરામાં શેં પુરાય?

કાકાસાહેબ કાલેલકરનું નામ છે, દત્તાત્રય. ઘરમાં એમને દત્તુ કહીને બોલાવતા. નાનપણના એમના કેટલાક પ્રેરણા આપે એવા પ્રસંગ છે. એક પ્રસંગ તેઓ પોતાની મોટી બહેનનો યાદ કરે છે. મહારાષ્ટ્રમાં મોટી બહેનને આક્કા કહે. એક વાર એ સાસરેથી પિયર આવેલી. દત્તાના ઘરમાં તે વખતે એક પોપટ હતો. પાંજરામાં તેને રાખેલો. પણ આક્કા કહે કે, ‘આ પોપટને આપણે ઉડાડી દઈએ.’

દત્તુએ પૂછ્યું કે : ‘કેમ? એ તો બધાનો માનીતો છે.’

ત્યારે આક્કાએ નળ-દમયંતીનું આખ્યાન સંભળાવ્યું. તેમાં રાજાના હાથમાં સપડાયેલો હંસ છૂટી જવા માટે તરફડિયાં મારે છે, પોતાને છોડી દેવા રાજાને અનેક રીતે કરગરીને વીનવે છે, પણ રાજા તેને છોડતા નથી. તેથી નિરાશ થઈને વિલાપ કરે છે. એ પ્રસંગ આવ્યો ત્યારે આક્કા રડી પડી! પછી દરેક કડીનો એણે અર્થ કરી બતાવ્યો. આથી સહુનાં હૈયાં પીગળી ગયાં અને નક્કી થયું કે પોપટને છોડી દઈએ.

એટલે એક ઝાડ પર પાંજરું ટીંગાડ્યું અને ધીમે રહીને તેનું બારણું ખોલ્યું. એક ક્ષણ સુધી તો બહાર ઊડી જવાનું પોપટને સૂઝ્યું પણ નહીં. એ તો હેબતાઈ જ ગયો હશે. બીજી ક્ષણે ફરરર... આકાશમાં ઊડી ગયો. આક્કાની આંખમાં આનંદનાં ઝળઝળિયાં આવ્યાં. આ પ્રસંગ દત્તુના ચિત્ત પર અમીટ છાપ મૂકતો ગયો.

Feb 6, 2015

એ તારો ગુલામ છે!

બાળપણમાં વિનોબાને ભૂતનો બહુ ડર લાગતો. ત્યારે મા તેને સમજાવતી કે ભૂત-બૂત તો નરી કલ્પ્ના છે. ભગવાનના ભક્તોને ભૂત-પ્રેત કદી નથી સતાવી શકતાં. રામનામ લેવું એટલે બધાં ભૂત-પ્રેત ભાગી જશે. દીકરાને મા પર શ્રદ્ધા હતી એટલે એ ડર તો ઘણો ખરો ગયો. પણ એક દિવસ એવું થયું કે રાતે ઓરડામાં એક બાજુ ફાનસ હતું, એટલે સામેની દીવાલ ઉપર વિન્યાનો જ લાંબો-મોટો પડછાયો દેખાતો હતો. વિન્યો એકદમ ગભરાઈ ગયો કે સામે કેવડો મોટો માણસ ઊભો છે! એ તુરત મા પાસે દોડીને એની સોડમાં લપાઈ ગયો. ત્યારે માએ તેને પ્રેમથી સમજાવ્યું કે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એ જે દેખાય છે તે તો તારો ગુલામ છે. તું કરીશ તેમ જ તેણે કરવું પડશે. તું બેસીશ. તું બેસીશ, તો એ પણ બેસશે, તું ઊભો થઈશ, તો એ પણ ઊભો થશે.

વિન્યાએ તો એમ કરી જોયું. એ બેઠો હતો પડછાયો પણ બેઠો. એ ઊભો થયો તો પડછાયો પણ ઊભો થયો, એ ચાલવા લાગ્યો તો પડછાયો પણ ચાલવા લાગ્યો. એટલે એને ખાતરી થઈ ગઈ કે આ તો આપણો ગુલામ છે, તેનાથી ડરવાનું હોય નહીં, આમ માએ બુદ્ધિપૂર્વક બાળકના મનમાંથી પડછાયાનો ડર કાઢ્યો.

Jan 25, 2015

શબ્દ ખોટો, પણ મોહન સાચો

હાઈસ્કૂલના પહેલા વરસનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર આવેલા,. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો : Kettle. મોહને તેની જોડણી ખોટી લખી. માસ્તરે તેને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ મોહન સમજ્યો જ નહીં કે માસ્તર તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કાંઈ સામે ઊઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે ? મોહનના મનમાં આવી પાકી છાપ. તેથી પરિણામ એ આવ્યું, બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન ઠોઠ ઠર્યો ! તેની ‘મૂર્ખાઈ’ કે ‘બાઘાઈ’ તેને માસ્તરે પાછળથી સમજાવી. પણ તોયે મોહનના મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી આવડ્યું જ નહીં ! આથી જ મોહન મોટો બનતાં સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરૂદ પામ્યો. આ મોહન તે મહાત્મા ગાંધી.

Jan 10, 2015

વિવેકાનંદજીની પ્રેરક વાણી

સ્વામી વિવેકાનંદજી અમેરિકા - શિકાગો વિશ્ર્વધર્મ પરિષદમાંથી સ્વદેશ પાછા ફર્યા 1897માં... કોલંબો થઈ મદ્રાસ પહોંચ્યા..... 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી - નવ દિવસ દરમિયાન મદ્રાસમાં પાંચ ઐતિહાસિક ઉદ્બોધન કર્યાં, જેમાં 14 ફેબ્રુઆરીએ સ્વામી વિવેકાનંદજીએ સંપૂર્ણપણે ભારતમાતાને સમર્પિત થવાની પ્રેરક વાણી ઉચ્ચારી...

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું : ‘‘ગુલામોએ હવે માલિક બનવું પડશે. આવતાં પચાસ વર્ષ અન્ય ક્ષુલ્લક-દેવદેવીઓને ભૂલી, કેવળ ભારતમાતાની ઉપાસના કરીએ. આ એક જ દેવ જાગ્રત છે. ચારેય તરફ તેની ભુજાઓ, કર્ણો, ચરણો વ્યાપ્ત છે. આપણો આ વિરાટ સમાજ... તેના મનુષ્યો - પશુઓ સુધ્ધાં આપણા આરાધ્યદેવ છે. એ વિરાટ રૂપ પરમાત્માને ભૂલી, આપણે કયા અન્ય દેવની ઉપાસના કરીશું?!’’

સાનંદાશ્ર્ચર્ય એ વાતનું છે કે, 14 ફેબ્રુઆરી, 1897ના આ આર્ષદ્ષ્ટિયુક્ત ઉદ્બોધનના પ્રારંભમાં સ્વામી વિવેકાનંદજીએ ‘‘આવતાં પચાસ વર્ષ’’ શબ્દપ્રયોગ કર્યો હતો અને ત્યારબાદ બરાબર પચાસ વર્ષ પછી - 1947માં ભારતવર્ષને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આ વર્ષે 12 જાન્યુઆરી, 2015 એ સ્વામી વિવેકાનંદજીની 153મી જન્મજયંતી છે. વળી આ વખતે એ જ દિવસે - સોમવારે પોષ વદ સાતમ પણ છે, જે ભારતીય પંચાંગ પ્રમાણે પણ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે. આવાં વર્ષો પછી આવતા બેવડા યોગના શુભ અવસરે આપણે સ્વામી વિવેકાનંદજીના સર્વસમર્પિત થવાના આહ્વાનને; હૃદયમાં નિષ્ઠાપૂર્વક ધારણ કરી, તેને કૃતિમાં ચરિતાર્થ કરીને જ; સાચા અને પૂરા અર્થમાં ‘‘વિવેકાનંદ જયંતી’’ સાર્થક રીતે ઊજવી શકીશું...!