Nov 8, 2018

નુતન વર્ષાભિનંદન


પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક સ્વ. એપીજે અબ્દુલ કલામ

એક વખત હૈદરાબાદમાં ૧૪ વર્ષની એક કિશોરી પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક સ્વ. એપીજે અબ્દુલ કલામને મળી તેણે કહ્યું, તે વિકસિત ભારતમાં રહેવા ઇચ્છે છે. આ પ્રસંગને ટાંકીને અબ્દુલ કલામ અનેક વખત પોતાના ભાષણમાં કહી ચૂક્યા છે કે, એ કિશોરી જેવી દેશની આગામી પેઢીના સ્વપ્નના ભારત માટે આપણે ભેગા મળી આ દેશને વિકસિત કરી શકીએ છીએ. બસ જરૂર છે, સ્વ-અનુશાસનની આપણે ઘણીવાર કહીએ છીએ કે, સરકાર સાવ બેકાર છે. કાયદા જૂના-પુરાણા છે. ચારેય તરફ ગંદકી છે. આપણને આ બધી ફરિયાદો છે, પરંતુ આપણે તેના ઉકેલ માટે શું કર્યું?


આપણે વિદેશમાં જવાબદાર નાગરિક બની શકીએ   
આપણે સિંગાપોર જઈએ છીએ. ત્યા રસ્તા પર ગંદકી નહીં જ ફેલાવીએ, ત્યાંની સ્વચ્છતા અને ટ્રાફિક પાલનનાં ગુણગાન ગાઈશું. લંડનમાં કોઈ કામ કઢાવવા લાંચ આપવાની હિમ્મત ક્યારેય નહીં કરીએ, ત્યાં તમે ટ્રાફિક પોલીસને ક્યારેય નહીં કહો કે, મારી ઓળખ છેક ઊંચે સુધી છે કે હું ફલાણા નેતાનો, અધિકારીનો સંબંધી છું.. આમ બીજા દેશોની વ્યવસ્થામાં આપણે સરળતાથી જોડાઈ જઈએ છીએ ત્યાંના નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ, પરંતુ આપણા દેશમાં હોઈએ ત્યારે ? રસ્તા પર ગંદકી ફેલાવીએ છીએ. નિયમોની ઐસી-તૈસી કરવા લાગીએ છીએ, આપણે વિદેશમાં જવાબદાર નાગરિક બની શકીએ છીએ તો ખુદના દેશમાં કેમ નથી બની શકતા ? આપણા દેશની વ્યવસ્થા સુધારવી હશે તો શરૂઆત ખુદથી કરવી પડશે. એક બહેતર દેશમાં જીવવા માટે આપણે બહેતર નાગરિક બનવું પડશે.

Jul 5, 2018

ભીષ્મ પિતામહની આ વાત આજે પણ એટલી જ પ્રાસંગિક છે.

સત્યનું મુખ સોનાના આવરણથી બંધ થાય છે!!

મહાભારતનો જાણીતો પ્રસંગ છે. ભીષ્મ પિતામહ બાણશય્યા પર પોઢ્યા છે. એમને ઇચ્છા મૃત્યુનું વરદાન છે, સૂર્ય ઉત્તર તરફ ગમન કરે - ઉત્તરાયણ થાય તે પછી જ દેહ છોડવાનો સંકલ્પ છે. શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું કે શુદ્ધ રાજનીતિના પાઠ ભણવાનો આ અવસર છે. પિતામહને વિનંતી કરો.

પાંડવો અને દ્રૌપદી ભીષ્મ પાસે ગયાં. કહે છે કે ભીષ્મના કહેવાથી અર્જુને બાણ મારીને જમીનમાંથી પાણીનો ફુવારો કાઢી તેમને જળ પાયું. પછી યુધિષ્ઠિરે ઉપદેશની વિનંતી કરી. પિતામહ રાજનીતિનો બોધ આપવા લાગ્યા, સારા-ખોટાનો ભેદ સમજાવવા લાગ્યા. દ્રૌપદી હસી પડી. ધર્મરાજ નારાજ થયા. પણ પિતામહે કહ્યું કે દ્રૌપદી શાણી છે, અકારણ ન હસે. તેમણે તેને કારણ પૂછ્યું. દ્રૌપદી બોલી : ‘ક્ષમા કરજો પિતામહ, પણ મને વિચાર આવ્યો કે ભરી સભામાં મારાં વસ્ત્ર ખેંચાતાં હતાં ત્યારે આપ્ની આ સુબુદ્ધિ ક્યાં હતી?’

પિતામહે કહ્યું : ‘પુત્રી, મારા પેટમાં તેમનું અન્ન હતું. સાદી ગુજરાતીમાં તેમનું લૂણ ખાધું હતું. તેથી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. આજે લોહી વહી જતાં શુદ્ધ થઈ છે.’

ભીષ્મના શબ્દો હતા,सुवर्णमयेन पात्रेण सत्यस्य विहितं मुखम्
એટલે કે સત્યનું મુખ સોનાના આવરણથી બંધ થાય છે. આ સોનાનું આવરણ એટલે અનૈતિક રીતે પ્રાપ્ત કરેલી ધન-સંપત્તિ. કાળું નાણું કાળાં કામ કરાવે છે. ભીષ્મ પિતામહની વાત આજે પણ એટલી જ પ્રાસંગિક છે.

Feb 20, 2018

સેવા પરમો ધર્મ

પંદર વર્ષીય તરુણ સુહૃદયચંદ્ર નામનો તરુણ પોતાના પાડોશમાં રહેવા આવેલા સંબંધીને ત્યાં મળવા જાય છે. જ્યાં તેની નજરસ્વામી વિવેકાનંદ ગ્રંથાવલી પર પડે છે. અમુક ગ્રંથ હાથમાં લઈ થોડાં પાનાં વાંચતાં જ તેને લાગે છે - ‘આ તો એ જ વ્યક્તિછે, જેની હું વ્યાકુળતાથી શોધ કરી રહ્યો છું.’ પુસ્તકો વાંચવા માંગી, ઘેર લાવે છે.

દિવસો-સપ્તાહો-મહિનાઓ આ પુસ્તકના વાચનમાં રમમાણ થઈ જાય છે. એ કહે છે. મને સર્વાધિક પ્રેરણા ‘સ્વામીવિવેકાનંદના પત્રો’ તથા ‘ભારતમાં આપેલાં ભાષણો’ એ પુસ્તકોથી મળી.

મારા શિક્ષકોએ પહેલેથી જ મારામાં સંવેદનશીલતા તથા નૈતિક ભાવનાને જાગૃત કરી દીધી હતી, પરંતુ તેઓ મને એવો કોઈઆદર્શ ન દઈ શક્યા જેને હું મારું સમગ્ર જીવન સમર્પિત કરી શકું. એ તો મને વિવેકાનંદજીના વિચારોના વાચનથી જ સમજાયું.મને સ્પષ્ટ થયું કે જીવનનો ઉચ્ચતમ આદર્શ છે. આત્માનો મોક્ષાર્થં જગતહિતાયમ્ - જગતના કલ્યાણ થકી, આત્મકલ્યાણસેવા પરમો ધર્મ.

એ તરુણ બીજું કોઈ નહીં, પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેમણે આત્મકથામાં આ વાત લખી છે.

Jan 8, 2018

નાનકડું કામ પણ સુઘડતાથી કરો

વેદાંતના અભ્યાસુ યુવકે થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ પાસે જઈ યોગ, યોગાભ્યાસ અંગે જાણકારી અને માર્ગદર્શન મેળવવાની ઇચ્છા પ્રગટ કરી. પેલા સજ્જન કાંઈક કામ કરતા હતા. આ યુવાન નાની નાની વાતો પાર પાડવા કેટલો તત્પર છે એ જોવા-જાણવા એમણે એને કહ્યું, ‘હું અત્યારે ખૂબ જરૂરી કામમાં છું. તમે ત્યાં સુધીમાં સામી ભીંતે આ કેલેન્ડરને યોગ્ય સ્થાને લટકાવી દો.’ તેમણે ખીલી અને હથોડી આપ્યા. આ યુવક શું કરે છે એનું બારીકાઈથી ધ્યાન રાખવા લાગ્યા.
પેલા યુવકે એક ઠેકાણે ખીલી મૂકી તેના પર હથોડી મારી. ખીલી વાંકી વળી ગઈ. ખીલી લાગી નહીં. પ્રમુખ આ બધુ જોતા હતા. પેલા યુવકે ખીલી મારી નહીં શકાય એમ કહ્યું. તે ઊઠ્યા. વાંકી ખીલી સીધી કરી. નાનકડી ટિપોય પર ચડી બારણાના સીધાણમાં ભીંતની લગભગ વચ્ચે જ્યાંથી સૌને કેલેન્ડર જોવામાં સરળ પડે ચૂંક મૂકી અને હથોડીના એક જ ફટકાથી ખીલી ઠોકી દીધી અને કેલેન્ડર લટકાવી દીધું.
પ્રમુખે યુવકને કહ્યું, ‘કેલેન્ડર ક્યાં ભરાવવું, ભીંતમાં ખીલી ક્યાં મારવી, આવી સીધી સરળ બાબતો પણ તને આવડતી નથી. તો પછી તારાથી યોગ કેવી રીતે શીખાશે ?’
મન આમ તેમ ભટકતું હોય તો નાનું કામ પણ સારી રીતે થઈ શકતું નથી. એકાગ્રતા અને કાર્યનિષ્ઠા જરૂરી છે.
- શ્રી ગુરુજી

જેવો ભાવ તેવી સફળતા

મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુનને પોતાની પ્રયોગશાળામાં તેમની સાથે મળી રસાયણ તૈયાર કરી શકે એવા યુવાનની જરૂર હતી. બે નવયુવક તેમને મળવા આવ્યા. બન્નેને બે દિવસમાં એક રસાયણ (દવા) બનાવી લાવવા જણાવ્યું. બન્ને નવયુવકો બે દિવસ પછી નાગાર્જુન પાસે આવ્યા. તેઓએ પેલા યુવકોને પૂછ્યું, તમને આ દવા બનાવવામાં કોઈ મુશ્કેલી તો નથી પડીને ? એક યુવકે કહ્યું, મુશ્કેલીઓ તો આવી. પિતાજીને પેટમાં દુખાવો ઊપડ્યો. માતા પણ બીમાર પડી ગયાં હતાં. તે જ વખતે ગામમાં આગ લાગી ગઈ, પરંતુ મેં તમામની પરવા કર્યા વગર રસાયણ બનાવવાનું ચાલુ રાખ્યું. અને તેને બનાવીને જ જંપ્યો. બીજા યુવાનને પૂછ્યું અને તેં બનાવેલ રસાયણ ક્યાં છે ? પેલા યુવકે કીધું, ગામમાં જ્યારે આગ લાગી કે તરત જ હું રસાયણ બનાવવાનું છોડી ઘાયલોની મદદે દોડી ગયો અને તેમને બચાવી મલમપટ્ટી કરી. માટે રસાયણ બનાવી શક્યો નથી. માટે મને બે દિવસનો વધુ સમય આપો. નાગાર્જુન હસ્યા અને કહ્યું, ‘તું કાલથી મારી રસાયણશાળામાં કામે આવી જા.’ આ સાંભળી પ્રથમ યુવકને આશ્ર્ચર્ય થયું, ત્યારે નાગાર્જુને કહ્યું, ‘મિત્ર, તું કામ તો કરી શકે છે, પરંતુ તારા કામ પાછળના ઉદ્દેશ્યની તને ખબર નથી. રસાયણશાસ્ત્રનું કામ રોગીઓના રોગનિવારણનું હોય છે. જેને રોગી પ્રત્યે સંવેદના નથી હોતી તેની દવા ક્યારેય કારગર સાબિત થતી નથી. માટે હાલ તારા માટે રસાયણશાસ્ત્રમાં કોઈ સ્થાન નથી.

બંધનમુક્તિ

રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવતાં રાજા પરીક્ષિતને છ દિવસ થઈ ગયા. હવે ભવિષ્યવાણી મુજબ સાપના કરડવાથી તેમના મૃત્યુનો એક જ દિવસ બાકી હતો. ત્યારે પણ રાજા પોતાના નિશ્ર્ચિત મૃત્યુના ભય અને શોકમાં ડૂબેલા હતા. દરેક ક્ષણે કાલે તો મારું મૃત્યુ થવાનું છે એમ વિચારી દુ:ખી - બેચેન રહેતા.
સુખદેવજીએ પરીક્ષિતને એક વાર્તા સંભળાવી. રાજા, સાંભળ. ખૂબ જ જૂની વાત છે. એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. સંયોગવશ તે માર્ગ ભૂલ્યો અને જંગલમાં ખોવાઈ ગયો. રાત થઈ હતી, ઉપરથી વરસાદ અને જાનવરોની ભયાનક ત્રાડો તેને ડરાવી રહી હતી. કોઈપણ પ્રકારે રાત્રિ પસાર કરવા ગમે તેવું સ્થાન મળી જાય તેવા વિચારમાં તેની નજર એક ઝૂંપડી પર પડી. ઝૂંપડીમાં ખૂબ ગંદો બીમાર વ્યક્તિ રહેતો હતો. બીમારી અને ગંદકીને કારણે ભયંકર દુર્ગંધ પ્રસરેલી હતી. પહેલાં તો તે અચકાયો પરંતુ અન્ય કોઈ ઠેકાણું ન હોવાથી તે પેલા બીમાર વૃદ્ધને આશરો આપવા વિનંતી કરવા લાગ્યો. પેલા વૃદ્ધે કહ્યું, રાજા, આ જગ્યા તમારા લાયક નથી. રાજા ન માન્યો અને કહ્યું કે મારી મજબૂરી છે માટે અહીં રહેવું પડશે. સવાર થતાં જ ચાલ્યો જઈશ, પરંતુ સવાર થતાં રાજા ત્યાંથી ગયો નહીં.’ આ સાંભળી પરીક્ષિત રાજા બોલ્યો, કેવો મૂર્ખ રાજા કહેવાય ? એવી ગંદી જગ્યાએ તો કંઈ રહેવાય ? સુખદેવજીએ કહ્યું, ‘પરીક્ષિત, એ મૂર્ખ તું જ છે. મળમૂત્રભર્યા શરીરરૂપી આ કોટડીને છોડવાથી ડરી રહ્યો છે. તારું આયુષ્ય પૂરું થવા છતાં પણ શરીર છોડવામાં આનાકાની કરી રહ્યો છે.’ પરીક્ષિતને ગીતાજ્ઞાન થયું અને બંધનમુક્તિ માટે સહર્ષ તૈયાર થઈ ગયા.