Jul 21, 2015

કચ્છના સુપ્રસિદ્ધ સંત દાદા મેકરણ

કચ્છના સુપ્રસિદ્ધ સંત દાદા મેકરણ એક વખત તીર્થયાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેકરણથી આ કરુણતા જોવાઈ નહીં, આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટ્યું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘા સાફ કર્યા. આમ કરવાથી ગધેડાને પીડામાં થોડી રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેકરણે જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું, ‘પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?’

અર્થાત્ જો પીપળામાં જે પ્રાણ છે તે બાવળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહીં? આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયા અને દાદાના ચરણે પડી ગયા. આ પછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો, જેનું નામ દાદાએ ‘લાલિયો’ રાખ્યું હતું.

No comments:

Post a Comment