Jan 25, 2015

શબ્દ ખોટો, પણ મોહન સાચો

હાઈસ્કૂલના પહેલા વરસનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર આવેલા,. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો : Kettle. મોહને તેની જોડણી ખોટી લખી. માસ્તરે તેને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ મોહન સમજ્યો જ નહીં કે માસ્તર તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કાંઈ સામે ઊઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે ? મોહનના મનમાં આવી પાકી છાપ. તેથી પરિણામ એ આવ્યું, બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન ઠોઠ ઠર્યો ! તેની ‘મૂર્ખાઈ’ કે ‘બાઘાઈ’ તેને માસ્તરે પાછળથી સમજાવી. પણ તોયે મોહનના મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી આવડ્યું જ નહીં ! આથી જ મોહન મોટો બનતાં સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરૂદ પામ્યો. આ મોહન તે મહાત્મા ગાંધી.

Jan 10, 2015

વિવેકાનંદજીની પ્રેરક વાણી

સ્વામી વિવેકાનંદજી અમેરિકા - શિકાગો વિશ્ર્વધર્મ પરિષદમાંથી સ્વદેશ પાછા ફર્યા 1897માં... કોલંબો થઈ મદ્રાસ પહોંચ્યા..... 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી - નવ દિવસ દરમિયાન મદ્રાસમાં પાંચ ઐતિહાસિક ઉદ્બોધન કર્યાં, જેમાં 14 ફેબ્રુઆરીએ સ્વામી વિવેકાનંદજીએ સંપૂર્ણપણે ભારતમાતાને સમર્પિત થવાની પ્રેરક વાણી ઉચ્ચારી...

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું : ‘‘ગુલામોએ હવે માલિક બનવું પડશે. આવતાં પચાસ વર્ષ અન્ય ક્ષુલ્લક-દેવદેવીઓને ભૂલી, કેવળ ભારતમાતાની ઉપાસના કરીએ. આ એક જ દેવ જાગ્રત છે. ચારેય તરફ તેની ભુજાઓ, કર્ણો, ચરણો વ્યાપ્ત છે. આપણો આ વિરાટ સમાજ... તેના મનુષ્યો - પશુઓ સુધ્ધાં આપણા આરાધ્યદેવ છે. એ વિરાટ રૂપ પરમાત્માને ભૂલી, આપણે કયા અન્ય દેવની ઉપાસના કરીશું?!’’

સાનંદાશ્ર્ચર્ય એ વાતનું છે કે, 14 ફેબ્રુઆરી, 1897ના આ આર્ષદ્ષ્ટિયુક્ત ઉદ્બોધનના પ્રારંભમાં સ્વામી વિવેકાનંદજીએ ‘‘આવતાં પચાસ વર્ષ’’ શબ્દપ્રયોગ કર્યો હતો અને ત્યારબાદ બરાબર પચાસ વર્ષ પછી - 1947માં ભારતવર્ષને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આ વર્ષે 12 જાન્યુઆરી, 2015 એ સ્વામી વિવેકાનંદજીની 153મી જન્મજયંતી છે. વળી આ વખતે એ જ દિવસે - સોમવારે પોષ વદ સાતમ પણ છે, જે ભારતીય પંચાંગ પ્રમાણે પણ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે. આવાં વર્ષો પછી આવતા બેવડા યોગના શુભ અવસરે આપણે સ્વામી વિવેકાનંદજીના સર્વસમર્પિત થવાના આહ્વાનને; હૃદયમાં નિષ્ઠાપૂર્વક ધારણ કરી, તેને કૃતિમાં ચરિતાર્થ કરીને જ; સાચા અને પૂરા અર્થમાં ‘‘વિવેકાનંદ જયંતી’’ સાર્થક રીતે ઊજવી શકીશું...!