Nov 11, 2013

સરહદની સુરક્ષા

વાત છે પાંચ દાયકાઓ પહેલાંની. સંસદ-લોકસભામાં સરહદી વિસ્તાર લદ્દાખમાં ચીની આક્રામક કારવાઈ સામે સજગ અને સંન્નધ રહેવા માટેની મથામણરૂપ ચર્ચા ચાલી રહી હતી. પ્રધાનમંત્રી પં. જવાહરલાલજીએ ચર્ચામાં દરમિયાન થતાં કહ્યું કે, "લદ્દાખના એ બર્ફીલા નિર્જન વિસ્તારમાં ઘાસનું એક તણખલું પણ ઊગતું નથી. એના માટે ચર્ચાની કોઈ જરૂર નથી. મને સમજાતું નથી કે તમે બધા એના માટે આટલો બધો ઉહાપોહ શા માટે કરી રહ્યા છો ?

લોકસભામાં કોંગ્રેસના જ વરિષ્ઠ સાંસદ મહાવીર ત્યાગી પણ હાજર હતા. તેમને પંડિતજીની વાત બિલકુલ ન ગમી. એ તરત જ ઊભા થયા. પોતાને માથે પહેરેલી ટોપી કાઢીને બોલ્યા, "પંડિતજી, મારા માથે ટાલ છે. ત્યાં એક પણ વાળ ઊગતો નથી. તો એનો અર્થ એવો કે મારે મારુ મસ્તક કપાવીને ફેંકી દેવાનું ?

મતલબ સ્પષ્ટ છે... સરહદ એ ગમે તે હોય, ગમે તેવી હોય. તેના ઉપર ચર્ચા ન હોઈ શકે - તેની તો હિફાજત અને સુરક્ષા જ કરવાની હોય. ‘બાઉન્ડ્રીઝ આર નોટ ડિબેટેડ, ઇટ્સ ઓન્લી ડિફેન્ડેડ !’

Nov 7, 2013

અંધકાર અને અજવાસ

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે, હું ક્યાંય શાંતીથી રહી જ શકતો નથી.’

પ્રભુએ જોયું - અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડીવારમાં પ્રકાશનો ઉદય થાય છે. અંધકાર સ્થિર થાય, ન થાય એ પૂર્વે જ પ્રકાશ તેને હાંકી કાઢે છે. હજારો, લાખો, વરસોથી આમ પ્રકાશે, અંધકારને ક્યાંય સ્થિર થવા નથી દીધો.

‘વત્સ ! તારી વાત સાચી છે.’ પ્રભુએ કરુણાભર્યંુ હસીને કહ્યું : ‘જા, તું પ્રકાશને મારી પાસે લઈ આવ. હું એને જરૂર કહીશ.’ પ્રભુએ પોતાની વાત સાંભળી છે એ જાણીને પ્રસન્ન થયેલા અંધકારે પ્રકાશને પકડીને પ્રભુ પાસે રજૂ કરવા હર્ષભેર દોટ મૂકી. પણ પ્રકાશના સામ્રાજ્યના સીમાડે પગ દેતા વેંત ખુદ અંધકારનું વિલોપ્ન થઈ ગયું. અંધકાર ઓગળી ગયો.

હારેલા, થાકેલા અંધકારે પ્રકાશને પકડવા માટે બીજી દિશામાંથી દોટ મૂકી. બીજી દિશામાંય એના તો એ જ હાલહવાલ થયા. જેવો પ્રકાશનો પ્રદેશ આરંભાય કે સ્વયં અંધકાર પ્રકાશમય બની જાય. જેવું અંધકારનું આત્મવિલોપ્ન થાય કે તરત જ પેલી ફરિયાદ, પ્રકાશ પ્રત્યેની અસૂયા અદ્શ્ય થઈ જાય. પ્રકાશના પ્રદેશમાં ન તો કોઈ ફરિયાદ રહે, ન કોઈ અસૂયા. આવું વર્ષોથી ચાલ્યું આવે છે, જે પ્રકાશ પાસે જાય એ પ્રકાશમય બની જાય છે. ખુદ અંધકાર પણ.

કથાનો સાર સ્વયંસ્ફૂટ છે. મુશ્કેલીઓ, આફત, અડચણોનાં અંધારા ગમે તેટલા હોય. એક વખત પ્રકાશની પાસે પહોંચીશું તો બધું જ અજવાળાસભર બની જશે. દીપોત્સવ પ્રકાશનું પર્વ છે. ભીતર - બહાર બધે જ પ્રેમ, કરુણા અને મમતાના દીપ પ્રગટાવી અંધારા પર વિજય મેળવીએ... અજવાસનો ઉલ્લાસ વેરીએ.