Dec 28, 2016

સફળતાના હસ્તાક્ષર

અંગ્રેજીના સુપ્રસિદ્ધ લેખક જ્યોર્જ બર્નાડ શો એક દિવસ કોઈ કૉલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે ગયા. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે તેમના હસ્તાક્ષર લેવા માટે લોકોની ભીડ ઊમટી પડી. એ ભીડમાં એક નવયુવાન જેમ-તેમ કરી તેમની પાસે પહોંચ્યો અને તેમનું અભિવાદન કરી હસ્તાક્ષર માટે ડાયરી ધરતાં કહ્યું, ‘સર, મને સાહિત્યનો ઘણો શોખ છે. મેં તમારાં તમામ પુસ્તકો વાંચ્યાં છે. તમે મારા મનગમતા સાહિત્યકાર છો. હું મારા જીવનમાં હાલ સુધી વિશેષ ઓળખ બનાવી શક્યો નથી, પરંતુ બનાવવા માગું છું. માટે તમે મને એક સંદેશ લખી એમાં તમારા હસ્તાક્ષર કરો તો તે મારા જીવનનું સંભારણું બની રહેશે.’
જ્યોર્જે આછું હસી ડાયરીમાં કંઈક લખ્યું, પોતાના હસ્તાક્ષર કરી પેલા યુવાનને ડાયરી પાછી આપી. નવયુવાને પુસ્તક ખોલી વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે, પોતાનો સમય અન્યના હસ્તાક્ષર લેવામાં ક્યારેય ન બગાડો, ખુદ એ યોગ્ય બનો કે લોકો તમારા હસ્તાક્ષર લેવા પડાપડી કરે.
પેલો નવયુવાન જ્યોર્જ બર્નાર્ડ શોને જતા જોઈ રહ્યો. તેને જીવનમાં સફળ થવાનો મહામંત્ર મળી ચૂક્યો હતો અને એ હતો ખુદ પર વિશ્ર્વાસ અને સખત પરિશ્રમ.