Apr 27, 2014

ચૂંટણી સ્વયંવરમાં સાચા ‘નળરાજા’ને વરમાળા પહેરાવીએ...!

એક રાજા હતો. તેની રાજકુમારીનું નામ દમયંતી હતું. તેના માટે સ્વયંવર સમારંભ યોજાયો. દમયંતીએ તેની ચતુર અને બુદ્ધિમાન સખી દ્વારા અગાઉથી બધી માહિતી મેળવી લીધી હતી. કયા દેશમાંથી - પ્રદેશમાંથી કયા રાજકુમાર સ્વયંવરમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે, તે તમામ રાજકુમારોની યોગ્યતા, રાજા તરીકેના સામર્થ્ય, સદ્ગુણો, બુદ્ધિપ્રતિભા, વ્યક્તિત્વ, નેતૃત્વ ક્ષમતા અને એ ઉપરાંત એક ભાવિ પતિ તરીકેની સંવેદનશીલતા અને ક્ષમતા વગેરે પણ દમયંતીએ અગાઉથી જાણી લીધેલ. નિશ્ર્ચિત દિવસે સ્વયંવર સમારંભનો પ્રારંભ થયો.

રાજાએ સ્વયંવર વિધીના પ્રારંભની ઉદ્ઘોષણા કરાવી. દમયંતી મંદસ્મિત અને કમનીય ચાલથી એક પછી એક રાજકુમારોની નજીક જઈને, તેઓ વિશે પ્રત્યક્ષ મૂલ્યાંકનના પ્રયાસોમાં કાર્યરત બની. સમગ્ર સભામંડપ્નો ચકરાવો લેતા... અંત ભાગમાં દમયંતી નળરાજા સમક્ષ આવી પહોંચી.

પરંતુ સહસા દમયંતીને એ જોઈ અત્યંત આશ્ર્ચર્ય સાથે આંચકો લાગ્યો કે, સિંહાસના‚ઢ એ નળરાજા એકલા નહોતા. તદ્દન એક સરખા - જોડિયા ભાઈઓ જેવા ત્યાં એક સાથે પાંચ નળરાજા હતા !

દમયંતીએ તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને નીરક્ષીર વિવેકયુક્ત હંસમતિથી શાંત અને ઊંડી વિચારણા કરી, અંતે એ પાંચ એક સરખા જણાતા નવરાજાઓમાંથી સાચો નળરાજા શોધી કાઢ્યો. હકીકત એ હતી કે, સ્વર્ગના દેવતાઓ દમયંતીનો મનોભાવ અગાઉથી જાણી લઈને નળરાજાના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા. તેઓએ દમયંતીને છલવાનો દુષ્પ્રયાસ કર્યો, પરંતુ પોતાની વિવેકબુદ્ધિ અને નિરક્ષિર વિવેકદ્ષ્ટિથી દમયંતી સાચા નળને ઓળખી શકી. સ્વયંવર સભામાં દમયંતીની વરમાળા સાચા - માનવીય નળરાજાના કંઠમાં શોભી રહી. સર્વત્ર જયજયકાર ધ્વની ગુંજી રહ્યો....

16મી લોકસભા ચૂંટણીઓમાં પણ આ સ્વયંવરસભામાં નકલી નળરાજાઓની છલના જ્યારે પુરબહારમાં છે, ત્યારે મતદાતા‚પ ‘દમયંતી’ માટે યક્ષપ્રશ્ર્ન છે : સાચો નળરાજા કોણ ?

ભારતની પ્રબુદ્ધ, સુજ્ઞ અને કોઠાસુઝવાળી મતદાતા‚પ દમયંતી આ ચૂંટણી સ્વયંવરમાં અસલી નળરાજાને ઓળખી - પહેચાનીને સ્વયંવરની વરમાળા માનવીય સદ્ગુણોયુક્ત અને સંવેદનક્ષમ નળરાજાને પહેરાવશે...?

અધૂરું નહીં પણ સંપૂર્ણ દર્શન જરૂરી

એકવાર એક ગામમાં એક હાથી આવ્યો. એને જોવા નાના મોટા સૌ ભેગા મળ્યા. બધા જ હાથીની ચર્ચા કરતા રહ્યા. એ ગામમાં દસ આંધળા રહેતા હતા. તેમણે વિચાર્યું કે ચાલો, આપણે પણ હાથી જોવા જઈએ. લોકો એમને હાથી પાસે લઈ ગયા. એમણે હાથીના શરીરને સ્પર્શ કર્યો. જેણે પગ પર હાથ ફેરવ્યો એણે કહ્યું કે હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં હાથીની પૂંછડી હતી તે બોલ્યો, ‘અરે ! હાથી તો મોટા દોરડા જેવો છે.’ ત્રીજાએ હાથીના કાન પકડ્યા હતા. તે કહે : ‘હાથી શું છે ? એને એક જાતનું સૂપડું જ માની લો ને !’ જેનો હાથ હાથીની પીઠ પર ર્ફ્યો હતો એણે જાહેર કર્યું કે, ‘હાથી દીવાલ જેવો છે.’ આ રીતે સૌ પોતપોતાની અનુભૂતિ પ્રમાણે આવેગપૂર્વક પોતાની વાત કહેવા લાગ્યા. એમનામાં મોટો વિવાદ થઈ ગયો. આખરે એક દેખતા માણસે એમને સમજાવ્યું, ‘અરે ! તમે તો કેવળ હાથીના એક જ અંગને સ્પર્શ કર્યો છે. એને જ તમે સંપૂર્ણ હાથી માની બેઠા છો. આ બધું ભેગું કરી એમાં બીજી બાબતો ઉમેરીશું ત્યારે હાથીનું વર્ણન પૂરું થશે.’

સાર એ છે કે કોઈપણ ચીજ વસ્તુ કે વ્યક્તિનું અધુરૂ નહીં પણ સંપૂર્ણ દર્શન અત્યંત જરૂરી બને છે. એકાંગી અને મર્યાદિત વૃત્તિ નષ્ટ થાય અને સમાજની દ્ષ્ટિ સાર્વભૌમ, સાર્વદેશિક, સાર્વજનિક અને સર્વહિતકારી બને એ જ કાર્ય મહત્ત્વનું છે.