Feb 24, 2014

સાચી અહિંસા

ભગવાન બુદ્ધ અહિંસાના સર્વશ્રેષ્ઠ પૂજારી હતા. એમણે અહિંસાનો સ્પષ્ટ અર્થ કર્યો છે. એક વખત રાજાને ખબર પડી કે શત્રુનું આક્રમણ થયું છે તો એમણે સેનાપતિને બોલાવી કહ્યું, ‘લશ્કર લઈ જાવ અને આક્રમણનો સામનો કરો.’

સેનાપતિએ હિંસાના ડરથી ભગવાન બુદ્ધનું શરણું શોધ્યું. ભગવાનને પૂછ્યું, ‘આક્રમણ રોકવા લડાઈ કરવી પડશે અને એમાં શત્રુના લોકો માર્યા જશે. હિંસા થશે. આવી હિંસા કરવી યોગ્ય છે ખરી ?

ભગવાન બુદ્ધે સેનાપતિને પૂછ્યું, ‘તમારી સેના આક્રમણને રોકશે નહિ, તો એ આક્રમકો પાછા ફરશે ?’

‘ના.’

‘આક્રમકો આપણા રાજ્યમાં આવી વિધ્વંસ નહિ કરે ? નિરપરાધ સ્ત્રી - પુરુષો માર્યા નહિ જાય ?’

‘એ તો ચોક્કસ માર્યા જશે.’ સેનાપતિએ જવાબ આપ્યો.

‘આપણી સેના આક્રમણ રોકવા સમર્થ છે કે નહિ ?’ ભગવાન બુદ્ધે ફરી પૂછ્યું.

સેનાપતિએ કહ્યું, ‘ચોક્કસ સમર્થ છે. સેનાને હુકમ આપવામાં આવશે તો એ લડશે અને આક્રમકોને રોકવા સફળ થશે.’

ભગવાને નિર્ણય સંભળાવ્યો : ‘તમે આક્રમકોને સૈન્યની મદદથી રોકશો નહિ તો અસંખ્ય નિર્દોષ લોકોની હત્યાનું પાપ તમને લાગશે. આથી યુદ્ધ કરો. આક્રમકોને ભગાડો. આવા યુદ્ધમાં જે મરશે એનું પાપ તમને નહિ લાગે.’

Feb 16, 2014

સાતત્યની મહત્તા

આજકાલ લોકોનું જીવન એટલું બધું અસ્તવ્યસ્ત અને અનુશાસનહીન થઈ ગયું છે કે નિયમપૂર્વક કામ કરવાની યોગ્યતા ઓછી થઈ ગઈ છે. લોકો સામે કોઈ લક્ષ્ય નહીં હોવાથી નિયમિત કામ કરવાની રુચિ રહેતી નથી. એમને એ દુ:ખદ લાગે છે.

જે મકાનમાં શ્રી ગુરુજી રોકાયા હતા, એમાં એક પરીક્ષાર્થી વિદ્યાર્થી પણ રહેતો હતો. એણે આખું વર્ષ વાંચ્યું જ ન હતું. ગુરુજીની દાઢી જોઈ એને લાગ્યું કે આ કોઈ બાબા હશે. એ એમની પાસે ગયો અને એણે કહ્યું, ‘મારું મન અભ્યાસમાં લાગતું નથી. મનને એકાગ્ર કરવા શું કરું ?’

ગુરુજીએ એને કેટલીક વિધિ બતાવી. એણે તરત જ પૂછ્યું, ‘મારે આ બધું કેટલા દિવસ કરવું પડશે ?’

ગુરુજી કહે, ‘આનાથી ફાયદો થાય તો કાયમ કરતા રહો.’

‘એ તો મારાથી નહિ બને,’ વિદ્યાર્થીએ કહ્યું, ‘કોઈ પણ કામ નિત્ય નિરંતર કરવું નહિ એવો મારો જીવનસિદ્ધાંત છે.’

‘આ નિયમ પણ તું નિત્ય નિરંતર પાળીશ ?’ ગુરુજીએ પૂછ્યું અને કહ્યું, ‘જો તારી આવી જ નીતિરીતિ હશે તો તને ક્યારેય સફળતા નહિ મળે. જાવ, મોજમજા કરો.’

Feb 7, 2014

વર્તમાનનો આનંદ

એક વર્ગમાં પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવીને તેના હાથમાં એક પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને કહ્યું કે તારે આ ગ્લાસને પકડીને ઊભા રહેવાનું છે. વિદ્યાર્થીને આ કામ તો બહુ જ આસાન લાગ્યું. એ ગ્લાસ પકડીને ઊભો રહ્યો. થોડો સમય થયો એટલે વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, હવે હાથ થોડો થોડો દુ:ખે છે આ ગ્લાસને પકડી રાખવાથી. પ્રોફેસરે કહ્યું ભલે દુ:ખે, તું એમ જ પકડી રાખ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિદ્યાર્થીની દુખાવાની ફરિયાદ વધતી ગઈ અને એક સમય તો એવો આવ્યો કે સાહેબની મંજૂરી મેળવ્યા વગર જ પેલો ગ્લાસ ધડામ કરતો નીચે મૂકી દીધો.

પ્રોફેસરે વિદ્યાર્થીને પૂછ્યું કે બેટા, હવે કેવું લાગે છે ?

વિદ્યાર્થીએ કહ્યું, અરે સાહેબ, વાત જ કરો મા. બહુ મોટો ભાર હળવો થયો હોય એમ લાગે છે, બહુ જ રિલેક્ષ ફિલ કરું છું.

મિત્રો, આપણે બધા પણ આપણા ભૂતકાળની કેટલીક એવી ઘટનાને પકડી રાખીએ છીએ. એને જેટલી વાર યાદ કરીએ એટલી વાર વધુ ને વધુ દુ:ખી થઈએ છીએ. એ ભૂતકાળની આવી યાદો વર્તમાનનો આનંદ પણ લેવા દેતી નથી. પેલા પાણીના ગ્લાસની જેમ આવી યાદોને પણ છોડતાં શીખીએ તો કેવા હળવા થઈ જઈએ.....

Feb 1, 2014

પિતાજીની સલાહ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ તે દિવસોમાં રામેશ્ર્વરની શાળામાં ભણતા હતા. તેમના પિતાજી જૈનુલાબદ્દીન રામેશ્ર્વર પંચાયત મંડળના પ્રમુખ હતા. એક માણસ તેમના ઓરડામાં આવ્યો અને પૂછ્યું તમારા પિતાજી ક્યાં છે ? તેમણે કહ્યું કે તેઓ નમાઝ પઢવા માટે ગયા છે. તે વ્યક્તિએ એક પેકેટ પકડાવતાં કહ્યું, ‘આ તમારા પિતાજીને આપી દેજો. આ પુસ્તક તેમને ભેટ આપવા માટે જ આવ્યો હતો.’

પિતાજી પાછા આવ્યા તો તેમણે ખાટલા પરનું પેકેટ જોઈને પૂછ્યું, ‘પેકેટ કોણ આપી ગયું ?’ પુત્રે જવાબ આપ્યો, ‘કોઈ ભેટ આપવા માટે આવ્યા હતા, તે મૂકીને ગયા છે.’ પિતાજીએ પેકેટ ખોલ્યું તો તેમાંથી ધોતી, ઉપવસ્ત્ર અને મીઠાઈ નીકળ્યાં. તેઓ ગુસ્સે થયા અને પુત્રના ગાલ પર લાફો મારતાં કહ્યું, ‘એક વાત બરોબર સમજી લે કે અમુક સ્થાન પર પહોંચ્યા પછી કોઈ ભેટ આપે છે તો તેની પાછળ જરૂર કોઈ ને કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે. તે તમારી પાસે ખોટું કરાવવાની અપેક્ષા રાખે છે, જો ભવિષ્યમાં તને પણ કોઈ હોદ્દો મળે અને આ પ્રમાણે કોઈ લાભ-લાલચ આપવાનો પ્રયાસ કરે તો તેને કદી પણ સ્વીકારતો નહીં.’ અબ્દુલ કલામે તે જ વખતે સંકલ્પ કર્યો કે તેઓ જીવનમાં ક્યારેય પણ કોઈની ભેટનો સ્વીકાર નહીં કરે.