Jun 3, 2015

તો ગંગાજળ માનવને મુક્તિ કેવી રીતે અપાવી શકવાનું...?

યુવા કબીર એક વખત પોતાના દૈનિક ક્રમ મુજબ ગંગાસ્નાન માટે જઈ રહ્યા હતા. વારાણસીની તંગ ગલીઓમાં તેમની નજર જીવનની અંતિમ ઘડીઓ ગણી રહેલા એક વિદ્વાન બ્રાહ્મણ પર પડી. કબીરે તેઓની પાસે જઈ ખૂબ જ આદરપૂર્વક કહ્યું, મહારાજ, મારા લાયક કાંઈ કામ...? બ્રાહ્મણે કહ્યું, બેટા, મારો અંતિમ સમય આવી ગયો લાગે છે અને હું આ દુનિયામાં એકલો છું અને મૃત્યુ પહેલાં ગંગાજળ પીવાની ઇચ્છા છે, તું લાવી આપીશ...? કબીર તત્કાળ ગંગાઘાટે જઈ પોતાની પાસેના પાત્રમાં ગંગાજળ ભરી લાવ્યા અને બ્રાહ્મણને પીવાનો આગ્રહ કરવા લાગ્યા. ત્યાં જ બ્રાહ્મણે તેઓને રોકતાં કહ્યું... પણ અરે... તું તો ગંગાજળ તારા આ પાત્રમાં લઈ આવ્યો. અને તું તો અમારાથી નીચી જાતિનો છે. તારે મને અપવિત્ર કરવો છે...? આ સાંભળી કબીરે ખૂબ જ શાલીનતાપૂર્વક કહ્યું... મહારાજ, શું તમને આ ગંગાજળ પર એટલી પણ શ્રદ્ધા નથી કે તે મારા આ પાત્રને પવિત્ર કરી શકે...? તો પછી આ ગંગાજળ તમને પવિત્ર કરી મુક્તિ ક્યાંથી આપી શકવાનું? કબીરની આ વાણીથી પેલા બ્રાહ્મણની આંખો ખૂલી ગઈ અને કહ્યું, બેટા, તેં મને સાચો ધર્મ શીખવ્યો છે. હવે તું જ તારા હાથે ગંગાજળ પીવડાવી મને મુક્તિ આપ. ગંગાજળ પીધાની થોડીક જ ક્ષણોમાં બ્રાહ્મણે પોતાના પ્રાણ ત્યજી દીધા.

No comments:

Post a Comment