Sep 21, 2013

ગોત્રનો ગર્વ

એક વાર મુનિઓમાં ચર્ચા ચાલી કે મુનિ હોવા છતાં શરીર છૂટતું નથી, તો પછી ગોત્ર કેવી રીતે છૂટી શકે ?

આ વાત ભગવાન મહાવીર સુધી પહોંચી.

ભગવાને મુનિકુળને બોલાવી કહ્યું : ‘આર્યો ! તમે સર્પની કાંચળી જોઈ છે ?’

‘હા, ભગવન્, જોઈ છે.’

‘આર્યો ! તમે જાણો છો, એથી શું થાય ?’

‘ભગવન્, કાંચળી આવવાથી સર્પ અંધ બની જાય છે.’

‘આર્યો ! કાંચળી છૂટી જવાથી શું થાય છે ?’

‘ભંતે ! એ દેખવા લાગે છે.’

‘આર્યો ! આ ગોત્ર પણ મનુષ્યના શરીર પર લાગેલી કાંચળી છે. એથી માણસ અંધ બની જાય છે. સારાસારનો વિવેક એ કરી શકતો નથી. એ છૂટી જવાથી માણસ ફરી દેખતો થાય છે. આ કારણે હું કહું છું કે, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ, મુનિએ ગોત્રનો ત્યાગ કરવો. એ ગોત્રનો મદ ન કરે, ન કોઈનો તિરસ્કાર કરે.’

Samay, Satta, Sampatti ane Sharir

Samay, Satta, Sampatti ane Sharir...
sada saath aapta Nathi,
pan Swabhav, Samajdari, Sneh ane Shacho DOST sada sath aape 6e

Sep 5, 2013

પ્રમાણપત્ર

એક વખત પ્રખ્યાત રૂસી લેખક ટાલ્સ્ટાયને એમના એક મિત્રે પૂછ્યું : ‘મેં તારી પાસે માણસ મોકલ્યો’તો, તેની પાસે ઘણાં પ્રમાણપત્ર હતાં, પરંતુ તેં એને નાપસંદ કર્યો. મેં એવું જાણ્યું છે કે તેં એક એવા માણસની પસંદગી કરી છે, જેની પાસે એકે પ્રમાણપત્ર નહોતું. એવો તે કયો મોટો ગુણ એનામાં હતો કે તેં મારી વાતની અવગણના કરીને એની નિમણૂક કરી ?’

ટાલ્સ્ટાયે કહ્યું : ‘દોસ્ત, જેની મેં નિમણૂક કરી છે એની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એણે મારા ઓરડામાં પ્રવેશતાં પહેલાં પરવાનગી માગી. પછી એના પગને એણે બાજુમાં પડેલા પગલૂછણિયા પર સાફ કર્યા. એનાં કપડાં સામાન્ય હોવા છતાં ચોખ્ખાં હતાં. બેસતા પહેલાં એ ખુરશી સાફ કરીને બેઠો. એનામાં આત્મવિશ્ર્વાસ હતો. મારા દરેક સવાલનો એણે સાચો અને ધૈર્યપૂર્વક જવાબ આપ્યો. મારા સવાલો પૂરા થયા પછી શાંતિથી મારી સંમતિ માગી, તે ઊઠીને ચાલ્યો ગયો. એણે કોઈપણ પ્રકારની ચાપલૂસી કે ભલામણની કોશિશ નહોતી કરી. આ ગુણોને કારણે મેં એને પસંદ કર્યો. આ એવાં પ્રમાણપત્રો હતાં જે બહુ થોડા માણસો પાસે જોવા મળે છે. આવા ગુણવાન માણસો પાસે લેખિત પ્રમાણપત્રો ન પણ હોય તોયે કંઈ વાંધો નહિ !’