Jan 25, 2017

મુક્તિનો મારગ

પોતાનાં કુકર્મોથી ત્રસ્ત એક ડાકુ ગુરુ નાનકજી પાસે ગયો, તેમના કદમોમાં પડી જઈ કહેવા લાગ્યો, ‘મહારાજ, હું મારા લૂંટ-ફાટ અને હિંસાભર્યા જીવનથી ત્રસ્ત થઈ ગયો છું. હવે તમે જ મને કોઈ રસ્તો બતાવો. મારે આ બૂરાઈનો રસ્તો ત્યજવો જ છે.’ નાનકજીએ કહ્યું, ‘એમાં શી મોટી વાત છે ? તુ ખરાબ કર્મો કરવાનું છોડી દે, આપોઆપ તું તે જીવનમાંથી બહાર આવી જઈશ.’ ડાકુ ખુશ થતો ગયો. થોડા દિવસ પછી તે પાછો આવ્યો. ‘ગુરુદેવ, મેં ખૂબ જ કોશિશ કરી પરંતુ મારાથી એ માર્ગ છૂટતો જ નથી. હું મારી આદતથી લાચાર છું. કૃપા કરી મને કોઈ અન્ય માર્ગ બતાવો.’ આ સાંભળી ગુરુ નાનકજીએ કહ્યું, ‘એમ કર.’ તને જે કરવાનું મન થાય એ કહી દે, પરંતુ એ કર્યા બાદ તરત જ સામે તેની કબૂલાત કરી લે.’ ડાકુ ખૂબ જ ખુશ થયો કે, પોતે બેધડક ધાડ, લૂંટ પાડશે અને બીજા સમક્ષ કબૂલ કરી પોતાનું મન હલકું કરી લેશે. થોડા દિવસ બાદ વળી પાછો તે ગુરુ નાનકજી પાસે આવી કરગરી પડ્યો. ગુરુજી, ખરાબ કર્મ કરવું જેટલું મુશ્કેલ છે તેનીથી મુશ્કેલ તો તેનો સ્વીકાર કરવાનું છે. માટે મેં સરળ રસ્તો પસંદ કરી ચોરી અને લૂંટ કરવાનું જ છોડી દીધું છે. પોતાની બૂરાઈઓનો સ્વીકાર કરવા કરતાં તેનો ત્યાગ કરવો એ જ સાચી મહાનતા છે. બૂરાઈઓનો સ્વીકાર કરવાથી મન તો હલકું થઈ શકે છે, પરંતુ અપરાધભાવથી પૂર્ણ રૂ‚પે મુક્તિ મળી શકતી નથી, પૂર્ણ મુક્તિ તો ત્યાગથી શક્ય છે.’

Jan 3, 2017

સફળતાનું સોપાન

જીવવિજ્ઞાનના એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને સાથે રાખીને એક પ્રયોગ કર્યો. પાણીની એક ટાંકીમાં એણે શાર્ક માછલી રાખી અને તેની સાથે બીજી કેટલીક નાની-નાની માછલીઓ પણ ટાંકીમાં મૂકી. બધા વિદ્યાર્થીઓએ પણ જોયું કે થોડી જ વારમાં શાર્કે નાની-નાની બધી જ માછલીઓનો સફાયો કરી દીધો. આ પ્રયોગ જોઈને વિદ્યાર્થીઓએ કહ્યું, ‘સર, આ પરિણામની તો ખબર જ હતી. આમાં નવીનતા શું છે ?’ પ્રોફેસરે કહ્યું, ‘મિત્રો, પ્રયોગની સાચી શરૂ‚આત હવે જ થાય છે. હવે ધ્યાનથી જોજો કે શું થાય છે.’ પ્રોફેસરે હવે પાણીની આ મોટી ટાંકીમાં બરાબર વચ્ચે એક ફાઈબર ગ્લાસ મૂકી દીધો. એક ભાગમાં શાર્ક રાખી અને ફાઈબર ગ્લાસથી જુદા થયેલા બીજા ભાગમાં નાની-નાની માછલીઓ મૂકી. નાની માછલીઓને જોતાં જ શાર્કે એમને પકડવા માટે તરાપ મારી પણ વચ્ચે ફાઈબર ગ્લાસ હોવાથી એ એની સાથે અથડાઈ અને પાછી પડી. ફરીથી હિંમત કરીને એણે નાની માછલીઓ પર હુમલો કર્યો, પણ વચ્ચેની પારદર્શક દીવાલને લીધે એ માછલીઓને પકડી શકતી ન હતી. એકાદ કલાકની મહેનત પછી એ થાકી ગઈ અને ધીમે ધીમે પ્રયાસો ઓછા કરી દીધા.
પ્રોફેસરે થોડા દિવસો સુધી વિદ્યાર્થીઓને બની રહેલી ઘટનાનું નિરીક્ષણ કરવા માટે કહ્યું. વિદ્યાર્થીઓએ જોયું કે જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ નાની માછલીઓને પકડવાના પ્રયાસો શાર્કે ઓછા કરી દીધા અને પછી તો પ્રયાસ સાવ બંધ જ કરી દીધા. થોડા દિવસ એમ જ જવા દઈને પછી બંને માછલીઓ વચ્ચે રહેલા ફાઈબર ગ્લાસને લઈ લેવામાં આવ્યો. હવે શાર્ક ઇચ્છે તો બીજી માછલીઓને આરામથી પકડી શકે તેમ હતી. આમ છતાં એણે નાની માછલીઓને પકડવાનો કોઈ પ્રયાસ જ ન કર્યો. આપણે જોયેલાં સપનાંઓને સાકાર કરવા માટે પૂરી મહેનત સાથેના પ્રયાસો કરીએ છીએ અને આમ છતાંય ઘણી વખત સફળતા મળતી નથી. વારંવારની નિષ્ફળતા બાદ શાર્કની જેમ હાર માનીને બેસી જઈએ છીએ કે હવે આપણાથી આ નહીં થઈ શકે. યાર, કોને ખબર ભગવાને આપણી ધીરજની પરીક્ષા કરવા માટે મૂકેલો ફાઈબર ગ્લાસ લઈ લીધો હોય અને હવે માત્ર એક જ પ્રયાસની જરૂર હોય !