Aug 25, 2013

કલ્પવૃક્ષ

એક વાર બનવાકાળ એવું બન્યું કે એક વટેમાર્ગુ થાક્યોપાક્યો એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. વૃક્ષ કલ્પવૃક્ષનું હતું. વટેમાર્ગુ ભૂખતરસથી વ્યાકુળ હતો. એને થયું : ‘અહીં કોઈ માનો લાલ પાણી લાવી આપે તો કેવું!’

વિચાર આવતાં વાર જ સામે ચાંદીની ઝારીમાં પાણી આવીને હાજર ! પાણી પીને તૃપ્ત થયો એટલે વિચાર આગળ ચાલ્યો : ‘પાણી તો મળ્યું, પણ જો ખાવાનું મળી જાય તો કેવી મજા !’

ત્યાં તો સોનાની થાળીમાં ખાવાનું પણ હાજર.

પેટભર ખાધું કે વિચાર આવ્યો, જરા આડા પડવા ફક્કડ આરામદાયક બિછાનું મળી જાય તો ભયો ભયો !

ત્યાં તો સુંદર મચ્છરદાનીવાળું હવાથી ફરફરતું બિછાનું હાજર થઈ ગયું. આડો પડ્યો એટલે દિમાગમાં શેતાની ચરખો ચાલુ થયો. કહેવતમાં કહ્યું છે ને કે, ‘ખાલી મગજ શેતાનનું કારખાનું !’ આને વિચાર આવ્યો કે નક્કી કોઈ ભૂતની કરામત લાગે છે. ક્યાંક એ આવી ચડે તો ! અને વિચાર આવવાની જ વાર હતી, ભૂતમહાશય હાજર થઈ ગયા. વિકરાળ દાંતવાળો ને ઠેઠ આકાશ સુધી પહોંચતો લાંબો ને પહોળો. પેલો ગભરાયો.

‘અરે બાપ રે ! ક્યાંક મને કોળિયો કરી ગયો તો !’

બસ એટલી જ વાર હતી, ભૂત એનો કોળિયો કરી ગયો. વટેમાર્ગુની જીવનવાટ પળમાં પૂરી થઈ ગઈ.

આમેય ભોગવિલાસ ને સમૃદ્ધિ મગજમાં શેતાનનો ચરખો ચાલુ કરે છે, પણ પરસેવો પાડ્યા વગરની સુખસાહ્યબી ને ભોગવિલાસ તો એના ભોગવનારને જ ભરખી જાય છે. માટે શ્રમ ને સાદું જીવન એ આધ્યાત્મિક અને ઉન્નતિકારક મૂલ્યો કહેવાયાં છે, વિલાસિતા નહીં. માફકસરનું સુખ જ માનવ હજમ કરી શકે છે, સમાજના સ્વાસ્થ્ય માટે પણ એ જ જરૂરી છે.

Aug 21, 2013

જીવનનું સત્ય

સિકંદર જે દિવસે મર્યો તે દિવસે રાજધાનીમાં તેની શબવાહિની જે રીતે નીકળી એ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા.

તેના બંને હાથ ઠાઠડીની બહાર લટકેલા હતા. લોકો પૂછવા લાગ્યા કે સિકંદરના હાથ બહાર કેમ લટકેલા છે ? કારણ કે, કદીય કોઈના હાથ ઠાઠડીની બહાર લટકેલા જોવામાં નથી આવ્યા. સિકંદરની આ અર્થી સાથે કંઈ ભૂલ થઈ ગઈ છે ? પરંતુ આ કંઈ કોઈ ભિખારીની અર્થી ન હતી કે ભૂલ થઈ જાય ! આ તો સિકંદરની અર્થી હતી ! હજારો સમ્રાટ આવ્યા હતા. મોટા મોટા સેનાપતિઓ આવ્યા હતા. મોટા મોટા સમ્રાટોએ કાંધ આપી હતી. સૌના મનમાં પ્રશ્ર્ન હતો કે હાથ બહાર કેમ લટકે છે ? પછી દરેક માણસ એ જ પૂછવા લાગ્યો. છેક સાંજ પડતાં લોકોને ખબર પડી કે સિકંદરે મરતાં પહેલાં પોતાના મિત્રોને પોતાની અર્થી નીકળે ત્યારે પોતાના હાથોને બહાર લટકતા રાખી દેવા માટે કહ્યું હતું. ત્યારે મિત્રોએ પૂછ્યું હતું :

‘કેવી વિચિત્ર વાત કરો છો ! કોઈનાય હાથ ક્યારેય અર્થીની બહાર લટકેલા જોયા છે ?’

સિકંદરે જવાબમાં કહ્યું હતું : ‘પણ હું એમ ઇચ્છું છું કે બધા લોકો જોઈ લે કે સિકંદરના હાથ પણ ખાલી છે. જિંદગીભર દોટ મૂકીને, બહાર બધું શોધીને પણ હાથ ભરી શક્યો નથી. હાથ ખાલી જ રહી ગયા છે. સિકંદર જેવા સિકંદરના હાથ પણ ખાલી ને ખાલી જ જાય છે.’

આપણા બધાના હાથ પણ ખાલી જ રહી જશે. બહાર કોઈ કંઈપણ નથી મેળવી શક્યો. આશા વધતી જાય છે કે બહાર કંઈક મળી જશે. જીવન વીતી જાય છે, અને આશા નિરાશા બની જાય છે. એક પણ વ્યક્તિએ એમ નથી કહ્યું કે આજ સુધી મેં શોધ્યું અને બહાર મળી ગયું. અને જેમણે અંદર શોધ કરી છે તેમાંના કોઈએ એમ નથી કહ્યું કે મેં અંદર શોધ્યું અને મને ન મળ્યું.