Apr 30, 2013

ગહન છે કર્મની ગતિ

આદિ શંકરાચાર્યનો આશ્રમ શૃંગેરીમાં હતો. એક વાર વિજયનગરના રાજા તેમને મળવા ગયા. શંકરાચાર્યને તે વખતે ખૂબ ટાઢ ચઢી હતી અને તેઓ ધ્રૂજતા હતા. તેથી આશ્રમના એક મોટા અધિકારીએ રાજાને કહ્યું, ‘હમણાં આપ શંકરાચાર્યને મળી નહિ શકો. તેમને સખત તાવ ચઢ્યો છે.’ પરંતુ શંકરાચાર્યને રાજાના આગમનની ખબર પડી એટલે એમણે એક શિષ્યને કહ્યું, ‘રાજાને અહીં બોલાવો.’

તે જમાનામાં ખુરશીઓ ન હતી, પણ લોકો લાકડાનાં નીચાં આસનો ઉપર બેસતા. શંકરાચાર્યે રાજાને આવા એક આસન ઉપર બેસવા કહ્યું અને પછી પોતાના તાવને પણ બીજા એક આસન ઉપર બેસી જવા કહ્યું, કારણ કે તેમને રાજા સાથે વાત કરવી હતી. શંકરાચાર્યે પોતાના તાવને આસન ઉપર બેસાડી દીધો. તે પછી આસન જોરથી ધ્રૂજવા લાગ્યું. આ જોઈને રાજા અત્યંત વિસ્મય પામ્યા. તેમણે શંકરાચાર્યને પૂછ્યું, ‘જો તમે તમારા તાવને આસન ઉપર બેસાડી શકો છો તો પછી તેને સદંતર રીતે દૂર કેમ નથી કરી દેતા ?’

શંકરાચાર્ય બોલ્યા : ‘હું સાધુ થઈ ગયો છું પછી શું મારે ચોર થવું ? મેં કોઈ કર્મો કરેલાં હશે તે મારે ભોગવવાનાં છે. જો હું તેને ભોગવ્યા સિવાય ફેંકી દઉં તો હું મારી ફરજમાંથી ચૂક્યો ગણાઉં. કર્મો ગમે તે હોય - સારાં, ખરાબ, આનંદદાયક કે દુ:ખદાયક પણ તેને ભોગવવામાંથી તમે છટકી શકો નહીં. હા તમે જ્ઞાનાગ્નિમાં તેને બાળી શકો. જો તમે ધ્યાન કરો તો તમારામાં તે અગ્નિ પ્રગટ થશે અને તમારાં કર્મોને બાળી નાંખશે.’

Apr 23, 2013

ખુદ પ્રગટી અન્યના જીવનમાં પ્રકાશ પાથરો

બજારમાં કુંભારની દુકાન પર ચાર દીપક વાતો કરી રહ્યા હતા. એક બોલ્યો હતો, હમેશાંથી એક સુંદર અને આકર્ષક ઘડો બનવા માંગતો હતો, પરંતુ હાય મારું નસીબ, હું એક નાનો અમથો દીપક બની રહી ગયો. બીજાએ કહ્યું, હું પણ એક ભવ્ય સુંદર મૂર્તિ બની કોઈ અમીરના આલિશાન ઘરમાં રહેવા માંગતો હતો, પરંતુ કુંભારે મને નાનોઅમથો દીવડો બનાવી દીધો. ત્રીજાએ નિસાસો નાખતાં કહ્યું, મને તો પહેલેથી જ પૈસા પ્રત્યે ભારે આકર્ષણ. હું હમેશાં પૈસા સાથે રહેવા મળે માટે ગલ્લો બનવા માગતો હતો, પરંતુ મારા નસીબમાં નાનોઅમથો દીપક બની ધૂળ ખાવાનું લખ્યું હોય ત્યાં... આ ત્રણેય દીપકની મૂર્ખામીભરી વાતો સાંભળી ચોથા દીપકે હલકા હાસ્ય સાથે ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું, આપણે કાંઈક મેળવવાનું ધ્યેય રાખી તેને પ્રાપ્ત કરવાના પ્રયાસ જરૂર કરવા જ જોઈએ, પરંતુ એમાં જો અસફળ થઈએ તો આપણે ક્યારેય પણ આપણા નસીબને કે ઈશ્ર્વરને દોષ ન જ દેવો જોઈએ, કારણ કે જીવનમાં તકોની કમી નથી. આપણને એક જગ્યાએ અસફળતા મળશે તો બીજા અનેક દરવાજા પણ ખૂલી જ જશે અને તમે એમ કેમ નથી વિચારતા કે થોડાક જ સમયમાં દિવાળી આવશે અને લોકો આપણને ખરીદી તેઓના ઘરે લઈ જશે. આપણને તેમના પૂજાઘરમાં સ્થાન આપશે, કેટકેટલાંય ઘરોની આપણે શોભા વધારીશું. માટે આપણે જ્યાં પણ રહીએ, જે હાલમાં પણ હોઈએ, ખુશ રહેવું જોઈએ. મનમાં ઈશ્ર્વર અને નસીબ પ્રત્યેનો દ્વેષ કાઢી, પોતે પ્રગટી બીજાની જિંદગીમાં પ્રકાશ ફેલાવવો જોઈએ. આપણાં ધર્મશાસ્ત્રો પણ આપણને આ જ શિખામણ આપે છે.

Apr 14, 2013

જીવનમાં અર્થનું સ્થાન

વર્ષો પહેલા ભારતીય જનસંઘ પક્ષ (ભાજપ્ની પૂર્વપાર્ટી)ના મેધાવી પ્રતિભાયુક્ત મહામંત્રી પંડિત દીનદયાલજી ઉપાધ્યાય અમદાવાદ -ના એક સભાગૃહમાં કાર્યકર્તા સંમેલનને ઉદ્બોધન કરી રહ્યા હતા. પં. દીનદયાલજી પ્રખર અર્થશાસ્ત્રી, ચિંતક અને ભારતીય દર્શનના પ્રકાંડ પંડિત હતા. સંઘ પરિવારની ‘થીંક ટેંક’ હતા... શ્રી અટલજીના શબ્દોમાં : ‘અમારામાં તેઓ જ (પંડિત દીનદયાલજી) એક માત્ર વિચારક હતા... અમે તો માત્ર તેમના વિચારોના પ્રચારકો જ છીએ!

કાર્યકર્તા સંમેલનમાં પંડિતજીને પ્રશ્ર્ન પૂછ્યો : ‘‘જીવનમાં ‘અર્થ’નું શું સ્થાન છે?’’

પંડિતજીનો પ્રત્યુત્તર એકદમ સૂત્રાત્મક અને વિચારોત્તેજક હતો... તેમણે કહ્યું : ‘જીવનમાં અર્થનો અભાવ કાર્યક્ષમતાને હાનિ પહોંચાડે; જ્યારે અર્થનો પ્રભાવ ગુણવત્તાને હાનિકર્તા છે!’

પંડિતજીએ તેમની મૌલિક સૂત્રાત્મક શૈલીથી આપણા માટે કેવી પ્રેરક શિખામણ આપી?! આજના વૈશ્ર્વીકરણ અને ઉપભોક્તાવાદ - માર્કેટ ઇકોનોમીના યુગમાં ભારતીય દર્શનમાં અર્થ - સંપત્તિ - ભોગવિલાસનું શું સ્થાન છે અને કેવી રીતે ધર્મને હાનિકર્તા થયા વિના અને ગુણવત્તાને કેન્દ્રમાં રાખી અર્થોપાર્જન કરવું અને સંપત્તિનો ઉપયોગ કરવો? - તેનું શાસ્ત્રીય દર્શન આપણને પંડિત દીનદયાલજીમાંથી મળી રહે છે.

Apr 11, 2013

સાધકની વિશેષતા...!

સામાન્ય મનુષ્ય અને સાધક વચ્ચે શું તફાવત? સામાન્ય મનુષ્ય સાદી માખી જેવો. અહીંતહીં ઊડ્યા કરે... મીઠાઈ ઉપર પણ બેસે અને ગંદકી ઉપર પણ બેસી પડે! તેનામાં વિવેક અને પસંદગીની સમજ જોવા ન જ મળે... માખીને મન મનુષ્ય, પશુ, પંખી, વૃક્ષ, છોડ, ફૂલ, ફળ, માટી, કચરો, ઉકરડો, બગીચો સર્વ સમાન!

સાધક મનુષ્ય એ પેલી મધમાખી જેવો! મધમાખી કેવળ સુવાસિત અને પુષ્પપરાગથી મ્હેંકતાં ફૂલો ઉપર જ બેસે. ફૂલોનો અમૃતતુલ્ય રસ ચૂસીને મધમાખી તેની પ્રાકૃતિક શક્તિ-મતિથી અકળ આયોજનાથી મધ ઉત્પ્ન્ન કરી, અવનીનું અમૃત સર્જે છે! જો મધમાખીમાં આવો વિવેક અને વિસ્મયકારી સર્જકપ્રતિભા હોય તો પછી પરમાત્માએ આપેલ જન્મદત્ત શારીરિક સૌષ્ઠવ અને જ્ઞાન-સમજ-વિવેકનો સુપેરે વિનિયોગ કરી, સાધક મનુષ્યે આ સંસારમાં અમૃતમય મધપૂડો સર્જવાનો છે અને મધની મધુમય મીઠાશ સર્વત્ર પ્રસારવાની છે!

- શ્રી રામકૃષ્ણ પરમહંસ