May 31, 2013

ઈશ્ર્વરેચ્છા

ભારતના પ્રાચીન ઇતિહાસમાં સુંદ અને ઉપસુંદ નામે બે રાક્ષસ ભાઈઓની વાત આવે છે. આ બે ભાઈઓ બહુ બળવાન હતા. તેમને એવું વરદાન હતું કે આ દુનિયામાં કોઈ તેમને મારી શકે નહિ. હજારો વર્ષ પહેલાં આ બનેલું છે. તેમની પાસે ઘણાં ઘાતક શસ્ત્રો હતાં અને તેના વડે તે ભાઈઓ જે કોઈ સામે મળે તેને મારતા, લૂંટી લેતા અને મારી પણ નાખતા. લોકો અને દેવતાઓ તેમનાથી બહુ ત્રાસી ગયા એટલે બધાએ ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરવા માંડી. આને પરિણામે તેમની સામે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. લોકોએ તેમને પોતાના દુ:ખોની કથની કહી સંભળાવી, વિષ્ણુએ કહ્યું, ‘ચિંતા કરશો નહિ. હું તેમને જોઈ લઈશ.’

વિષ્ણુ ભગવાને અત્યંત સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને મોહિત કરી નાખે તેવી અત્યંત સુંદર તિલોત્તમા બની ગયા. આ તિલોત્તમા તે બંને ભાઈઓ પાસે ગઈ અને તે બંનેની વચ્ચે બેસી ગઈ. તેણે પ્રથમ એક ભાઈ તરફ જોયું પછી બીજા ભાઈ તરફ જોયું. પછી બંનેની વચ્ચે ઊભી રહી. હવે આ બે ભાઈઓએ બીજાઓને મારવા પીટવાનું બંધ કરી દીધું અને બંનેએ તે પરમ સુંદરી તિલોત્તમાને પરણવાની ઇચ્છા પ્રદર્શિત કરી. તિલોત્તમાએ પ્રત્યુત્તરમાં કહ્યું, ‘હું તમને બંનેને એક સાથે ન પરણી શકું. તમારામાંથી ગમે તે એકને પરણીશ.’

સુંદે કહ્યું, ‘હું તેને પરણીશ.’
ઉપસુંદે કહ્યું, ‘ના હું તેને પરણીશ.’

આમ કહીને તે બંને લડવા માંડ્યા અને અંતે બંનેએ એકબીજાને મારી નાંખ્યા. તિલોત્તમા જતી રહી.

ઈશ્ર્વરની ઇચ્છાને કોણ સમજી શકે? તે ક્યારે અને શું કરવાનો છે તે કોણ જાણી શકે ? માણસે તો શાંતિમય જીવન જીવતાં પરમ સત્ય રૂપ પરમાત્માને યાદ કરવાના છે.

May 16, 2013

કર્મના ચક્રની અનિવાર્યતા

ગણેશપુરીના મુક્તાનંદ બાબા મુંબઈમાં સાધના કરતા હતા ત્યારથી સાચી બનેલી ઘટના છે.

રામદાસ નામનું વહાણ એક દિવસ સવારે અગિયાર વાગે ઊપડવાનું હતું. બાબાએ આ વાત કરેલી. મારા રહેઠાણની બહાર મેં તે દિવસે વહેલી સવારે મોટો કોલાહલ થતો સાંભળ્યો, તેથી શું થયું છે તે જોવા હું બહાર નીકળ્યો. મેં જોયું તો એક બાઈ એક પુરુષને પકડીને ઊંચા સાદે ગાળો દેતી હતી. તે કહેતી હતી કે આ માણસે તેને ત્રણ મહિનાથી એક પૈસો પણ આપ્યો ન હતો. અને હવે એને મૂકીને નાસી જતો હતો. બાઈનો આ આક્ષેપ સદંતર જૂઠો હતો. પેલો માણસ સદ્ગૃહસ્થ હતો અને તે મારી પડોશમાં જ રહેતો હતો, પરંતુ તેના દુશ્મનોએ તેને અપમાનિત કરવા માટે આવું કાવતરું રચ્યું હતું. પોલીસે આવી તે બંને જણને પકડીને જેલમાં પૂરી દીધાં. પરિણામે પેલો માણસ વહાણમાં જવાનો હતો પણ જઈ ન શક્યો. તે સાંજે તે મને મળવા આવ્યો અને મારી પાસે ખૂબ રડીને શોક વ્યક્ત કર્યો. મેં તેને આશ્ર્વાસન આપ્યું, ‘ભાઈ, રડીશ નહીં. આમાં ઈશ્ર્વરનો જ કોઈ સંકેત હશે.’ ત્યાર પછી સાંજના પાંચ વાગતાં સમાચાર આવ્યા કે જે વહાણમાં તે જવાનો હતો તે વહાણ ઊંધું વળી ગયું હતું અને તેમાંના બધા માણસો ડૂબીને મરી ગયા હતા. ફક્ત આ માણસ જ તેમાં ગયો નહિ એટલે જીવતો રહ્યો. તે દોડતો મારી પાસે આવ્યો અને મને ભેટી પડ્યો. આ ઉપરથી જોઈ શકાશે કે કર્મની અસરોમાંથી કોઈ છટકી શકતું નથી, ભલે તેેં સારાં કર્મો હોય કે બૂરાં, આ માણસની મૃત્યુની ઘડી હજી આવી ન હતી. જ્યારે બીજાઓની ઘડી આવી ગઈ હતી તેથી જ આ દુર્ઘટના બની.

May 6, 2013

અપ્રતિમ સાધનશુદ્ધિ...!

વાત છે એક દેશી રજવાડાના સંનિષ્ઠ દીવાનની. એક વખત રાતને સમયે દીવાનને મળવા એમના અંગત સ્નેહીમિત્ર આવ્યા. દીવાન રાજ્યની વહીવટી બાબતોનું લખાણ કરતા હતા. એક મોટી મીણબત્તીના પ્રકાશમાં દીવાન લેખનકાર્ય કરતા હતા. સ્નેહીમિત્રને આવકાર્યા બાદ દીવાને સળગતી મીણબત્તી પાસે રહેલી બીજી મીણબત્તી લઈને તેને પ્રજ્વલિત કરી અને અગાઉની સળગતી મીણબત્તી બુઝાવી દીધી. સ્નેહીમિત્ર સાથે અંગત વાતચીત પૂરી કરી. સ્નેહીમિત્ર વિદાય થવા ઊઠ્યા કે તુરત જ દીવાને ફરીથી અગાઉની મીણબત્તી પ્રજ્વલિત કરી અને બીજી વખતની મીણબત્તી બુઝાવીને ઠેકાણે મૂકી ! પેલા સ્નેહીમિત્રને વારંવાર મીણબત્તીઓ બદલવાના અને પ્રજ્વલિત કરવાના દીવાનના કાર્ય વિશે કૌતુક થયું ! દીવાનને કારણ પૂછ્યું. પ્રત્યુત્તરમાં દીવાને કહ્યું, ‘જુઓ ભાઈ, તમે આવ્યા તે પહેલાં હું રાજ્યનું કામ કરતો હતો. એટલે રાજની મીણબત્તીના સહારે લખતો હતો. તમે આવ્યા. આપણી મુલાકાત અંગત હતી. એટલે મેં મારા ઘરની મીણબત્તી પ્રજ્વલિત કરી. હવે તમે વિદાય લેશો એટલે ફરીથી રાજ્યના કામ માટે રાજ્યની મીણબત્તી વાપરીશ. મારાથી અંગત કામે રાજ્યની મીણબત્તી વાપરી ન શકાય !’

આપણી ભારતભૂમિ પર થઈ ગયેલા સાધનશુદ્ધિની પ્રતિમૂર્તિ સમા આવા અનેક નામી-અનામી શાસકો-પ્રશાસકો આપણા સહુ માટે - વિશેષ કરીને શાસકો-પ્રશાસકો માટે દીવાદાંડી સમાન બની રહે તેમ છે. તેમની આ મીણબત્તીનો અલ્પ પ્રકાશ પણ આપણા સૌ માટે પ્રેરક પાથેય બની રહેશે !