Jan 30, 2012

સિલિકોન વેલીમાં ઝળહળતું ગુજરાતી નામ ધર્મેશ શાહ


અત્યારે ચારેકોર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની જ વાતો ચાલે છે. દોસ્તો સાથે ગપસપ હોય કે વિવિધ કંપ્નીઓ દ્વારા કરાતું પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિગ હોય, વાત હરીફરીને ટ્વિટર અને ફેસબૂક પર આવીને અટકે છે. આ સાઇટ્સ પર રહેલી સેલિબ્રિટિઝ અને કંપ્નીઓ પોતાના કેટલા લાખ ફાલોઅર્સ છે અને અમુકતમુક સંખ્યામાં ફન છે, એના આંકડા બહાર પાડીને પોતાની પીઠ થાબડતા જોવા મળે છે. ઇન્ટરનેટની દુનિયાનો અક્સ-રે પાડીએ તો ખ્યાલ આવે છે કે તેના પર કોઈ ચોક્કસ સાઇટની પોપ્યુલારિટી કેવીક છે, ટ્રાફિકની બાબતમાં અને વબ વર્લ્ડની અન્ય સાઇટ્સની સરખામણીમાં કઈ સાઇટનો કેટલામો ક્રમ આવે છે, એવી માહિતી શોધી આપતી એક ‘એલેક્ઝા’ નામે સર્વિસ ચાલે છે. આ જ રીતે ઇન્ટરનેટ પર માર્કેટિગ અને વબ એનાલિસિસ કરી આપતી કંપ્નીઓ પણ ઘણી છે. એમાંની એક છે, ‘હબસ્પાટ’. આ કંપ્નીના સ્થાપક છે મૂળ મુંબઈના 42 વર્ષના યુવા ગુજરાતી આંત્રપ્રેન્યોર ધર્મેશ શાહ.
ટેક્નોલોજીની દુનિયાની સર્વોચ્ચ ઇન્સ્ટિટ્યૂટ ગણાતી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ આફ ટેક્નોલોજી (એમ. આઈ. ટી.)માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને યુનિવર્સિટી આફ અલાબામામાંથી ગ્રેજ્યુએશન કરનારા ધર્મેશ શાહે બોસ્ટનમાં આ કંપ્ની સ્થાપી છે (ધર્મેશ શાહને મળો અહીં : http://twitter.com/dharmesh, www.dharmesh.com). આ અત્યંત તેજસ્વી સાફ્ટવેર આંત્રપ્રેન્યોરે આમ તો દસેક જેટલી કામર્શિયલ સર્વિસીઝ બનાવીને વેચી છે, પરંતુ એને સૌથી વધુ ખ્યાતિ મળી ‘ટ્વિટર ગ્રેડર’ નામે સુવિધા થકી. આ ટ્વિટર ગ્રેડરની મદદથી ટ્વિટર પર તમે કે કોઈ પણ વ્યક્તિ, કંપ્ની કે પ્રોડક્ટ કેટલી પોપ્યુલર છે તેનું માપ કાઢી શકે છે. આપણને સવાલ એ થાય કે આવું માપ કાઢીને આપણે શું કરવાનું છે, રાઇટ? જે કંપ્નીઓને સોશિયલ મીડિયા જગતના સૌથી પાવરફુલ પ્રોફાઇલ શોધીને એડ્સ આપવાની હોય, તેમને પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિગ ક્યાં અને કેવી રીતે કરવું તેનો બરાબર ખ્યાલ મળી જાય છે.
ટ્વિટર ગ્રેડર (http://twitter.grader.com) પર સૌથી પાવરફુલ એક હજાર યુઝર્સ, એક હજાર સ્ત્રીઓ, એક હજાર બ્રાન્ડ્સ અને એક હજાર શહેરોનાં લિસ્ટ આપ્યાં છે. તેમાં ટાપ 100 યુઝર્સમાં એક પણ ભારતીય નામ જોવા મળતું નથી.  ધર્મેશ શાહની આ ગ્રેડર સિસ્ટમમાં જે તે યુઝરના ફાલોઅર્સની સંખ્યા, ફાલોઅર્સ કેવા પાવરફુલ (ઊંચા ગ્રેડવાળા) છે, કેટલી તીવ્રતાથી પોતાનો પ્રોફાઇલ અપડેટ કરે છે-ટ્વિટ મૂકે છે વગેરે પરિબળોથી કોઈ પણ યુઝરનો ગ્રેડ નક્કી થાય છે. એકથી વધુ નવીનતમ કંપ્નીઓના સ્થાપક હોવા છતાં આજે પણ તેઓ સાફ્ટવેરના ક્ષેત્રમાં માથાકૂટિયું ગણાતું ‘કોડિગ’નું (સાફ્ટવેર લખવાનું) કામ કરે છે.
ટેક્નોલોજીની દુનિયામાં ખાસ્સું જાણીતું ગુજરાતી નામ હોવા છતાં આપણને એના વિશે ઝાઝી માહિતી નથી, એટલું જ નહીં, એમણે પોતે પણ પોતાના વિશે ડિટેઇલમાં પોતાની વેબસાઇટ પર માહિતી મૂકી નથી. ટેક્નો-આંત્રપ્રેન્યોરશિપ ઉપરાંત ધર્મેશ ‘આનસ્ટાર્ટઅપ્સ’ નામનો અત્યંત પોપ્યુલર બ્લાગ પણ ચલાવે છે. આંત્રપ્રેન્યોર્સને મહામૂલી અને ઇનોવેટિવ સલાહો આપતો એનો આ બ્લાગ આ પ્રકારના ટાપ ટેન બ્લોગ્સમાં સ્થાન પામે છે. ઇન્ટરનેટની મદદથી આપણું અને આપણી પ્રોડક્ટનું સફળતાપૂર્વક માર્કેટિગ કઈ રીતે કરવું તે માટે ધર્મેશ શાહે ‘ઇનબાઉન્ડ માર્કેટિગ : ગેટ ફાઉન્ડ યુઝિંગ ગૂગલ, સોશિયલ મીડિયા અન્ડ બ્લાગ્સ’ નામે પુસ્તક પણ લખ્યું છે. ધર્મેશ શાહ આંત્રપ્રેન્યોર્સ માટે મદદ‚પ થાય એવાં પ્રવચનો પણ આપે છે.
- જયસુખ જોશી

Jan 27, 2012

ફુલને જ્ઞાન થયું

ફુલે કહ્યું `મારી સુગંધનો હું એકલો માલિક. હું તે કોઈને નહિ આપું.' ફુલે પાંખડીઓ દ્વારા સુગંધને પૂરી રાખી. પણ સુગંધ રોકી રોકાઈ નહીં. એ તો પવન પર સવાર થઈને ચાલી.
ફુલે કહ્યું `સુગંધ - મારી દીકરી તું પાછી આવ તને હું ખૂબ સારી રીતે સાચવીશ'. ફુલ બુમો પાડતું રહ્યું પણ સુગંધે સાંભળ્યું જ નહિ.
પવને ફુલને કહ્યું,
`અરે ભાઈ જે સુગંધ તારું ઘર મેલીને બહાર નીકળી તેને જગત તારી સુગંધ કહે છે તેને તું ઘરમાં પૂરી રાખીશ તો તેને કોઈ સુગંધ કહેવાનું નથી.'
ફુલને જ્ઞાન થયું. એ બોલ્યું
`જા બેટા જા. મા-બાપ્નું નામ રોશન કર.'

- રવીન્દ્રનાથ ઠાકુર

Jan 24, 2012

સોનાનું આવરણ સત્યનું મોઢું બંધ કરે


ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા હતા. ત્યારે પાંડવો એમની પાસે રાજનીતિ શીખવા ગયા. ભીષ્મે રાજનીતિનાં ઉત્તમોત્તમ તત્ત્વો વિશે વાત કરી. અન્યાયી વર્તન પાપ છે એવું કહ્યું.
દ્રૌપદી હસી પડી. ધર્મરાજે એને ધમકાવી. પણ, પિતામહે કહ્યું કે દ્રૌપદી વિના કારણ હસે નહિ, એ સૌજન્યશીલ છે, તેને બોલવા દો. દ્રૌપદીએ કહ્યું કે ‘મને વિચાર આવ્યો કે પાંડવો સાથે આટલો બધો અન્યાય થયો, ભર સભામાં મારું અપમાન થયું ત્યારે આ નીતિમત્તા ક્યાં ગઈ હતી? તેથી હસી પડી.’
ભીષ્મે આપેલો જવાબ આજના યુગમાં, ખાસ કરીને ભારતની વર્તમાન સ્થિતિમાં સૌએ યાદ રાખવા જેવો છે. એમણે કહ્યું, "सुवर्णमयेन पात्रेण सत्यस्य निहितं मुखम्" સોનાના આવરણથી સત્યનું મોઢું બંધ થઈ જાય છે. મેં અનાચારીઓનું અન્ન ખાધું તેની અસરથી સત્ય બોલી ન શક્યો, આચરી ન શક્યો. આજે એ દૂષિત લોહી વહી ગયું છે, તેથી...
એક જૂનું સૂત્ર છે : ‘परान्नं विषभोजनम्। કદાચ આ કારણે જ આમ કહેવાયું હશે. પારકાનું ખાવાની ટેવમાંથી સ્વમાન, સત્ય પ્રત્યેની નિષ્ઠા કદાચ નબળાં પડતાં હશે. એ સંજોગોમાં અન્યોના હક્કનું ખાઈ જવું એ તો ઘાતક બને, પતન વહોરે. આ સંદેશ જ ભીષ્મ પિતામહનો છે. ભ્રષ્ટ કામગીરી અને ભ્રષ્ટ વ્યક્તિથી દૂર રહેવામાં જ કલ્યાણ છે.

Jan 4, 2012

મધુર સંબંધો એ જ સાચા સ્વાસ્થ્યની જડીબુટ્ટી


સ્વાસ્થ્ય તરફનો અભિગમ :  ભારતમાં સ્વાસ્થ્ય તરફનો અભિગમ જેટલો પરિપૂર્ણ છે અને વૈજ્ઞાનિક છે તેટલો ક્યાંય નથી. સ્વાસ્થ્યને વ્યક્તિત્વની સમગ્રતામાં જોયું છે. શરીર-મન-બુદ્ધિ અને આત્માનું સંતુલન હોય તો જ સ્વાસ્થ્ય સારું રહી શકે. સ્વાસ્થ્યને માત્ર શરીરની યંત્રણાના સંદર્ભમાં જોવું એક મોટી ભૂલ છે. આપણા પૂર્વજોએ જ્યારે સ્વાસ્થ્યનો વિચાર કર્યો ત્યારે શરીરની યંત્રણાનો વિચાર તો કર્યો જ, પરંતુ સાથે સાથે મનની શુદ્ધતા અને સ્વસ્થતા, વિચારોની પવિત્રતા અને અધ્યાત્મ વગેરે બધાનો વિચાર કર્યો. માનવ શરીરને સમજવું એટલે માનવને સમગ્રતામાં સમજવો એવો આપણે ત્યાં આયુર્વેદ સહિત તમામ વૈદ્યકીય શાસ્ત્રોનો અભિગમ રહ્યો.
જીવનશૈલી : આવા અભિગમના પરિણામે ભારતમાં જીવનશૈલી પણ સારા સ્વાસ્થ્યને સુસંગત છે અને તેની પૂરક છે. આપણે ત્યાં મનને શાંત, સ્વસ્થ, સંતુલિત રાખવા પર ભાર મુકાયો. તેથી અધ્યાત્મ, ભજન, પ્રભુનામ, પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, અનાસક્તિ, સંયમ, સાદગી, પ્રેમ, કરુણા, સેવા, સમષ્ટિપ્રેમ... એવી બાબતો પર ભાર મુકાયો.
પરંપરાને લાગેલી બ્રેક : પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પશ્ર્ચિમીકરણ, ઉપભોગવાદ, ઔદ્યોગીકરણ... એ બધાની અસરને લીધે ભારતમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોની જીવનશૈલી બદલાવા લાગી છે. શરીર, મન, બુદ્ધિ અને આત્માનું સંતુલન તૂટવા માંડ્યું છે, જેના પરિણામે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કમરનો દુખાવો, હૃદયરોગ... જેવી બીમારીઓ વધવા માંડી છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડની ટેવો વધતી જાય છે, બહાર ખાવાના પ્રસંગો વધવા માંડ્યા જેના પરિણામે સ્વાસ્થ્યચક્ર બદલાવા લાગ્યું છે.
માનવસંબંધો : સામાન્ય રીતે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કેટલીક જાણીતી વાતોનો સંદર્ભ આવે, જેમ કે વ્યાયામ, ચાલવું, આસનો, ધ્યાન-યોગ, આહાર, ઔષધિ... વગેરે. પરંતુ સ્વાસ્થ્ય પર સીધી પ્રબળ અસર કરનારાં કેટલાંક પરિબળો સ્વાભાવિક રીતે નજરઅંદાજ થઈ જતાં હોય છે.
શરીરનો સીધો સંબંધ પ્રેમ-આત્મીયતા - લાગણી - હૂંફ સાથે છે તે હકીકત વારંવાર ભુલાઈ જતી હોય છે. પ્રેમભૂખ્યો માણસ સારા સ્વાસ્થ્યનો લાભ ગુમાવે છે. ભારતમાં સંયુક્ત કુટુંબો હતાં, ગામના લોકો સાથે સંબંધો હતા, માતા-પિતા તો શું દૂર-દૂરના સંબંધીઓ સાથે સંબંધો હતા, ગામનો જમાઈ પોતાનો જમાઈ કહેવાતો, ગામનો મહેમાન પોતાનો મહેમાન કહેવાતો... આ વાતો બહુ દૂરની નથી. સારા માનવસંબંધો એ સ્વસ્થ માનવજીવનનો પાયો ગણાતો. મધુર માનવસંબંધો લાગણી, ભાવના, હૂંફ અને આત્મીયતા લાવે છે; આ લાગણીઓ મનને તાજગીભર્યું અને સ્વસ્થ રાખે છે અને આખરે સ્વસ્થ મન શરીરને સ્વસ્થ રાખે છે. આ વૈજ્ઞાનિક સત્ય પશ્ર્ચિમની જીવનશૈલીએ ભુલાવી દીધું. કુટુંબો તૂટ્યાં, માણસ પોતાના ગામ, સમાજ, દેશથી દૂર થયો. આવક વધવા લાગી તેથી માણસ પોતાના પૈસાના જોરે કૂદવા લાગ્યો, પરિણામે સંબંધો તેને માટે ગૌણ બની ગયા. તેને માતા-પિતા વગર, ભાઈ-બહેનો વગર, મિત્રો વગર, સ્વજનો વગર રહેવામાં વાંધો નથી આવતો. ઘણાં કુટુંબો એવાં છે જેમના ચાર સભ્યોમાંથી એકાદ બે ભારતમાં હોય અને એકાદ બે અમેરિકા-કેનેડામાં હોય. કોણ, ક્યારે, ક્યાં હોય.. તે પણ કહી શકાય નહીં.
ટાપુ બની ગયેલ માનવી : પરિણામ એ આવ્યું કે માનવ-માનવથી વિખૂટો પડી ગયો છે, ટાપુ બની ગયો છે, એકલવાયો બની ગયો છે. ઘણી બધી બીમારીઓ આજકાલ આ એકલતામાંથી જન્મી છે. કેટલીક વાર તો એવું પણ બને છે કે માણસ પોતે એકલવાયો બની ગયો છે તેની તેને સભાનતા પણ નથી હોતી. જાણીતી ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ વિશે તાજેતરમાં સમાચાર હતા કે તેને એકલતા સતાવી રહી છે, બેચેન બનાવી રહી છે. સફળતા અને ઐશ્ર્વર્યના ટોચ પર બેઠેલી વ્યક્તિ સુખી નથી.
એકલતા શા માટે ઘાતક? : માણસ એકલો હોય તો તેને પર્યાપ્ત ઊંઘ નથી આવતી, પર્યાપ્ત રીતે ખાઈ શકતો નથી (કારણ કે ભાવતું નથી), ગમે તે ખાઈ લે છે, કોઈ તેની ચિંતા કરતું નથી જેને લીધે દવા લેવામાં પણ અનિયમિતતા આવે છે. એકલતા ડીપ્રેશન લાવે છે અને ડીપ્રેશન જાતજાતના રોગો લાવે છે. આ સંપૂર્ણ પણે વૈજ્ઞાનિક બાબત છે.
સારા સ્વાસ્થ્ય માટે વિપુલ પ્રમાણમાં સારા, સ્વસ્થ અને મધુર સંબંધો જ‚રી છે. સંબંધો જ સાચી જડીબુટ્ટી છે, જેટલું આપણે જેટલું વહેલા સમજી લઈએ તેટલો લાભ છે.
એક યુનિવર્સિટીના અભ્યાસનું તારણ જણાવે છે સ્વસ્થ લોકો પણ જો એકલતામાં ફસાઈ જાય તો બ્લડપ્રેશર વધે અને હૃદયની ક્ષમતા ઘટે તેવી સંભાવના છે.
જો કે ભારતના લોકો હજુ પણ મૂળભૂત સંબંધો આધારિત ભારતની સંસ્કૃતિના આધારે એકલતાના શાપમાંથી ધારે ત્યારે બહાર નીકળી શકે છે. સમાજને એક તાંતણે બાંધવો એમાં જ કલ્યાણ રહેલું છે - શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક.

પ્રામાણિકતાનો કોઈ વિકલ્પ નથી


દક્ષિણ ગુજરાતનું એક શહેર. કાપડના એક વેપારીની જબરી શાખ. લોકો તેની દુકાનમાં ભાવતાલ કરવાનો સમય ન બગાડે.
એકવાર શેઠ કંઈક કામસર બહાર ગયેલા, ત્યારે ગુમાસ્તાએ કોઈ ઘરાકને ‚. 165ની સાડીઓ, ‚. 195માં આપી. શેઠે આવીને હિસાબ જોયો, બીલબુક ચકાસી.
શેઠે ગુમાસ્તાને ખખડાવતાં કહ્યું, ‘આ સાડી તો ‚. 165ની છે, ઘરાકને ‚. 195માં કેમ આપી? ત્રીસ ‚પિયા વધારે ખંખેરી લીધા?’
ગુમાસ્તાએ માથું ઝુકાવીને કહ્યું, ‘શેઠ છાપેલી કિંમત વાંચવામાં મારી ગેરસમજ થઈ, માફ કરો.’
બીલમાં લખેલા સરનામે માણસ મોકલીને ગ્રાહકને દુકાને બોલાવ્યો, ગુમાસ્તાની ભૂલ બદલ માફી માગી, અને વધારાના પૈસા પાછા આપ્યા. આ છે વ્યવહારમાં પારદર્શીતા.
પ્રામાણિકતાનો કોઈ વિકલ્પ નથી. એક સંતે કહ્યું છે કે પ્રામાણિકતા ખોટનો ધંધો પણ નથી. પ્રામાણિક વ્યક્તિની શાખને કારણે ગ્રાહકોની ભીડ જામે છે, બહોળો વેપાર બહોળો નફો પણ આપે છે.

Jan 2, 2012

આપણે જે વિચારો કરીએ છીએ તેવી આપણી દુનિયા બને છે


તાજા લગાડેલા છોડને ઉખાડી નાખવો સહેલો છે. પરંતુ તે છોડ વૃક્ષ બની જાય છે ત્યારે તેને મૂળથી ઉખાડી ફેંકી દેવો એ મનુષ્યના ગજા બહારની વાત છે. તેવી રીતે મનમાં અશુભ - દુષ્ટ સંકલ્પ આવતાં જ તેનું ઉચ્છેદન કરી તેની જગ્યાએ શુદ્ધ, પવિત્ર - કલ્યાણકારી સંકલ્પોનું સંયોજન કરી દેવું જોઈએ.
માર્કોનીએ ટેલિગ્રાફ મશીનની શોધ કરી તે વખતના તેના કથન મુજબ ‘જેમ તળાવના સ્થિર પાણીમાં એકાદ કાંકરો ફેંકો ને તરંગ ઉત્પ્ન્ન થાય છે, તે રીતે વાયુમંડળમાં બોલાયેલો શબ્દ યા સ્વર ગતિ ઉત્પ્ન્ન કરે છે. શબ્દના તરંગો દૂર સુધી - ગમે તેટલું અંતર કેમ ન હોય ત્યાં સુધી - પહોંચે છે અને ટેલિગ્રાફ મશીનને તે શબ્દો પોતાના અસ્તિત્વનો અનુભવ કરાવે છે. આકાશના સૂક્ષ્મ મંડલ (ઇથર) પર સંકલ્પોના તરંગો દોડે છે, કામ કરે છે અને દૂર સુધી પહોંચે છે. આકાશમાં ઇથરની શક્તિ વિદ્યમાન છે. તેના ઉપર જેમ સંકલ્પોના તરંગો દૂર સુધી પહોંચાડી શકાય છે તેમ આપણા મગજમાં નિરંતર વિચારથી ગતિ ઉત્પ્ન્ન થાય છે અને જે રીતે વિદ્યુતનો પ્રવાહ વહે છે તે રીતે મસ્તકમાંથી તે વહે છે. જો વિચારો અનિચ્છિત હોય - સહજ આવી જતા હોય તો તેની પાછળ સંકલ્પશક્તિનું બળ નથી હોતું. તે તરત જ નષ્ટ થાય છે, પરંતુ વિચારશક્તિના તરંગો કે જેની પાછળ સંકલ્પશક્તિનું બળ છે તે મનુષ્યના મસ્તકમાંથી નીકળી કોઈ જાતની રુકાવટ અથવા વિરોધ છતાં પણ દોડતું રહે છે. જ્યાં સુધી એવી કોઈ વ્યક્તિ મતલબ, એવું કોઈ મન મળી જાય જે તેના વિચારોને અનુકૂળ થાય અથવા તો સહાનુભૂતિ રાખતું હોય છે.
આકાશમાં અનેક પ્રકારના વિચારો ચક્કર લેતા હોય છે. જે પ્રકારના વિચારો ગ્રહણ કરવાની મનુષ્યમાં શક્તિ હોય છે તે પ્રમાણે વિચારોને આકાશમાંથી તે પોતાની તરફ ખેંચે છે. તેથી જો કોઈ ખરાબ વિચાર મનમાં ઉત્પ્ન્ન થઈ જાય તો તે પ્રકારના વિચારોનો પ્રવાહ મનમાં આવી જાય છે અને ત્યાં સુધી બંધ નથી થતો જ્યાં સુધી મનુષ્ય પોતાની પ્રબળ સંકલ્પશક્તિથી મનમાં આવતા એ વિચાર પ્રવાહોને રોકતો નથી. આકાશમાં ઉત્તમમાં ઉત્તમ અને નિષ્કૃષ્ટ વિચારો અસ્તિત્વમાં છે તેથી મનુષ્યે તો એવા વિચારો જ ગ્રહણ કરવા જોઈએ કે તેના વિકાસ માટે અનુકૂળ હોય, નહીં કે તેનું અધ:પતન નોતરે. સારા વિચારો ગ્રહણ કરે.
જો તમે કોઈના માટે ખરાબ ભાવના કરશો તો જેના માટે એ ભાવના કરી છે તેને દુ:ખ અને વ્યથા પહોંચાડ્યા પછી તેઓ તેવા જ વિચારો તમારા માટે ઉત્પ્ન્ન કરશે. મતલબ, જેટલી ઘૃણાથી તમે બીજા તરફ જોશો તેનાથી અધિક માત્રામાં તેવા વિચારો તમારી પાસે પાછા આવશે.
પ્રબળ સંકલ્પશક્તિના જોરે માણસ રાષ્ટ્ર માટે આત્મસમર્પણ કરે છે અને આપણા પ્રેરણામૂર્તિ શ્રી ગુરુજી તથા સંઘના જનક ડા. હેડગેવારના દાખલા આપણી સમક્ષ છે જ ને! તેમની દ્ઢ સંકલ્પશક્તિના બળે તો બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સંઘે ઊંડાં મૂળિયાં ઘાલ્યાં હતાં તેથી તો આજે પણ સંઘ યથાશક્તિ કાર્યરત છે.
ગુરુજીની સંકલ્પશક્તિ તેમના વિદ્યાર્થીકાળથી જ પ્રબળ હતી.
ઈ.સ. 1928માં કાશી વિશ્ર્વ વિદ્યાલયમાં હતા ત્યારે એમ.એસસી.ની પરીક્ષા નજીક આવી ત્યારે ધ્યાનધારણામાંથી તે સફાળા જાગ્યા અને પૂરી હિંમતથી અને સંકલ્પશક્તિથી પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ તે સંનિપાતની બીમારીમાં પટકાઈ પડ્યા. પરીક્ષાના નજીકના દિવસોમાં જ ત્રણ અઠવાડિયાં બગડ્યાં. નબળાઈ પણ ખૂબ આવી ગઈ હતી. તેમણે મામાને બધી વિગતથી વાકેફ કર્યા. પત્ર વાંચતાં મામા નારાજ થઈ ગયા અને તેમણે તરત કહેવરાવ્યું કે પાસ થવાય કે ન થવાય પણ પરીક્ષા આપવી જ પડશે. ગુરુજીના મનમાં વાત બેસી ગઈ અને એવી તબિયતે પણ તેમણે પરીક્ષાની તૈયારી શ‚ કરી. ત્યાર પછી તેમના કક્ષ નં. 309નો દીવો રાત્રે ક્યારેય ઓલવાયો ન હતો. નિત્ય ક્રિયાઓનો સમય બાદ કરતાં તે અભ્યાસમાં જ વ્યસ્ત રહેતા. ઓછામાં પૂરું તેમને પગે વીંછી કરડ્યો. જરા પણ વિચલિત થયા વગર ઊઠ્યા અને ઠંડા પાણીની ડોલમાં રસાયણયુક્ત ક્ષાર નાખી તેમાં પગ રાખી અભ્યાસ કરવા લાગી ગયા. હોસ્ટેલમાં સહજ રીતે આ સમાચાર ફેલાઈ ગયા તેથી મિત્રોએ તેમને આરામ કરવાની સલાહ આપી ત્યારે ખૂબ જ સ્વસ્થતાથી તેમણે કહ્યું, ‘વીંછી પગે કરડ્યો છે અને અભ્યાસ તો મગજથી કરવાનો છે. બંનેને પોતપોતાનું કામ કરવા દો.’ અને તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને એમએસ.સી.ની પરીક્ષામાં પ્રથમ કક્ષામાં ઉત્તીર્ણ થયા. ટૂંકમાં, વિદ્યાર્થી અવસ્થામાંથી જ તેમની પ્રબળ સંકલ્પશક્તિ કામે લાગી હતી અને તેમની રાષ્ટ્રસમર્પણની ભાવનાનાં મૂળ તેમની આ દ્ઢ પ્રબળ શક્તિમાં હતા. તેમની રાષ્ટ્રસેવાને,
તેમની આ દ્ઢ શક્તિને નમસ્કાર કરી આપણામાં આવી શક્તિ આવે તેવા આશીર્વાદ માગીએ.C