Dec 19, 2012

જો ફલ કારન સેવા કરે

કરે ન મન સે કામકહે કબીર સેવક નહીં,
ચાહે ચૌગુના દામ ॥


જે લોકો ફળને કારણે સેવા કરે અને મનથી કામ ન કરે, સંત કબીર તેને સેવક નથી કહેતા. ભલે તેને ચાર ગણા દામ મળતા હોય. જે લોકો ફળના કારણે સેવા કરે તેમાં સેવાનો ભાવ નહીં, પણ સ્વાર્થનો ભાવ હોય છે. મને આ સેવા કરવાથી અમુક પ્રકારના લાભ મળશે, એવી લાલચથી પ્રેરાઈને જે લોકો સેવા કરવા આવે છે તે સેવક નથી. સેવા તો એક એવી સાધના છે જેમાં નિ:સ્વાર્થભાવે કાર્ય કરવાનું હોય છે. સેવાના બદલામાં શું મળશે તેવો ભાવ ન હોય તે જ સેવા કહેવાય. અહીં સંત કબીરનું કહેવાનું તાત્પર્ય એ છે કે સેવામાં પામવાની ઝંખના નથી હોતી. સેવામાં આપવાનો જ ભાવ સમાયેલો હોય છે. સેવામાં સ્વનો વિચાર નથી હોતો. સેવામાં સમર્પણનો ભાવ હોય છે. કંઈ ન પામવાના ભાવ સાથે સેવા કરવામાં આવે છે. તેમાં જે આત્મિક સુખ, શાંતિ અને તૃપ્તિ મળે છે તે કદાચ લાલચ સાથે કરવામાં આવતી સેવામાં નથી મળતું. જો કોઈપણ શરત વગર સામેવાળાના દર્દ, તકલીફને ઓછું કરવા માટે ભાવ સંવેદનથી જે કાર્ય કરવામાં આવે છે તેને જે સેવા કહેવામાં આવે છે અને તે જ સાચો સેવક છે. ભાવથી કરવામાં આવતી સેવાથી પરમ સુખ મળે છે અને કશું જ માંગ્યા વગર આવી બિનશરતી સેવાનું ફળ પણ શુભ જ મળે છે.

Nov 24, 2012

રાષ્ટ્રશરીરનો આધાર

મનુષ્યદેહ પાંચ ઇન્દ્રિયોનો બનેલો છે. આ પાંચેય ઇન્દ્રિયોનો સુભગ સંયોગ થાય તો માણસ સારો બને છે અને ખરાબ સંયોગ થાય તો ખરાબ બને છે. એકાદ ઇન્દ્રિય પણ છિદ્રવાળી (ખરાબ) હોય તો માણસ પતીત થાય છે. કુટુંબ અને સમાજ તેને તિરસ્કારે છે અને તે બધાં માટે ભારરૂપ બને છે. સમાજ અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે માત્ર સુદ્ઢ શરીર નહિ પણ સંસ્કારી દેહની જરૂર છે.


पंचेन्द्रियस्य मर्त्यस्यच्छिदं,


चेदेकम् इन्द्रियम्।


ततोस्य सुव्रति प्रज्ञा,


ईतेः प्राज्ञादिवोदकम्।


પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યની એક પણ ઇન્દ્રિય છિદ્રવાળી (ખરાબ) હોય તો કાણી પખાલમાંથી ટપકતા પાણીની જેમ તેની સારપ અને બુદ્ધિ પણ ધીરે ધીરે ટપકી જાય છે.


મહાભારત વિદુરનીતિ (ઉદ્યોગપર્વ)


જેમ પંચેન્દ્રિયોની સારપ શરીરને સુદ્ઢ અને સંસ્કારી રાખે છે તે જ રીતે સમાજ-પુરુષ અને રાષ્ટ્રપુરુષને પણ આવા સંસ્કારી પંચેન્દ્રિયધારી નાગરિકો જ ઉન્નત બનાવે છે.

Oct 9, 2012

ધર્મની ભૂમિકા

માણસનું જીવન સમાજનાં વ્યાપક હિતોની સાથે સૂર મેળવે તેવું હોવું જોઈએ. આ બંને પાસાં પરસ્પરનાં પૂરક છે.


यतोऽभ्युदय निःश्रेयससिद्धिः सधर्मः


અર્થાત્ ધર્મ એવી વ્યવસ્થા છે. જે મનુષ્યને સુખી ભૌતિક જીવનનો આનંદ માણતાં માણતાં પણ તૃષ્ણાઓ પર નિયંત્રણ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેનામાં દિવ્યતા અને શાશ્ર્વત સત્યની અનુભૂતિ કરવાની ક્ષમતા જગાડે છે.


બીજા પાસાની વ્યાખ્યા છે -


धारणात् धर्ममित्याहुः धर्मोःधारयति प्रजाः।


અર્થાત્ ધર્મ એવી શક્તિ છે, જે વ્યક્તિઓને નજીક લાવે છે અને તેમને સમાજના સ્વરૂપમાં એકત્ર રાખે છે.


આ બંને વ્યાખ્યાઓનું એકત્રીકરણ બતાવે છે કે ધર્મની સંસ્થાપ્ના કરવી એટલે સંગઠિત સમાજજીવનની રચના કરવી. જ્યાં પ્રત્યેક વ્યક્તિ બીજાનું ભૌતિક જીવન વધુ સમૃદ્ધ અને સુખી બને એવી ભાવના સેવે.


સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગમાં લેવા લાયક બનવા - બનાવવાની વ્યવસ્થા આદર્શ ગણાશે. સાથે સાથે તે વ્યક્તિઓને પણ સમૃદ્ધ બનાવશે તથા તેમાં રહેલી સુષુપ્ત દિવ્યતાને પાંગરવાની તક આપશે. ધર્મની આ જ બેવડી ભૂમિકા છે, જે માનવજાતને તેના અંતિમ લક્ષ્ય એટલે કે ઈશ્ર્વરનો સાક્ષાત્કાર અર્થાત્ મોક્ષ તરફ દોરી જશે.

Sep 25, 2012

શ્રેષ્ઠ વ્યક્તિના આઠ ગુણ

સરદાર વલ્લભભાઈ પટેલને લોકો આઝાદીના સાડા છ દાયકા પછી પણ ભૂલી શક્યા નથી. તેનું કારણ શું ? શ્રી મનુભાઈ પંચોલીએ મહાભારતનું ઉદાહરણ આપીને તેમની નીતિ પણ એ પ્રકારની જ હોવાનું કહ્યું છે.


ત્યારે, વિદૂરનીતિનો એક શ્ર્લોક તેમને બંધ બેસતો લાગે છે.


अष्टौ गुणाः पुरुषं दीपयन्ति

प्रज्ञा च कौल्यं दमः श्रुतं च |

पराक्रमश्चाबहुभाषिता च

दानं यथाशक्ति कृतज्ञता च ॥


માણસને દીપાવતાં - ગૌરવ અપાવનારાં આઠ લક્ષણ છે : બુદ્ધિ, શરાફત (કુલીનતા), ઈન્દ્રિય નિગ્રહ (દમ), શાસ્ત્રો - જે ક્ષેત્રમાં હોઈએ તેનો ઊંડો અભ્યાસ અર્થાત્ શાસ્ત્રજ્ઞાન, ઓછાબોલાપણું (અબહુભાષિતા), દાન અને કૃતજ્ઞતા અર્થાત્ કદરદાની.


આ ગુણોએ સરદારને મહાન બનાવ્યા.

અધર્મથી કમાયેલું ધન

એક વ્યાપારી લોકોને છેતરીને ખૂબ કમાયો. એણે ધીરધારનો ધંધો પણ કર્યો અને અભણ લોકોને મૂર્ખ બનાવીને, એમણે નાણાં લેતી વખતે અવેજમાં આપેલાં ઘરેણાં, જમીન, મકાન વગેરે પણ ચાઉં કરી ગયો હતો. એની પાસે મબલખ કાળું નાણું હતું, પણ એની સલામતીની ચિંતા હતી.


એણે એક પટારામાં ભરીને આ ધન, સોનું વગેરે ઘરની પાછળના વાડામાં દાટી દીધું. પણ ત્યાંથી કોઈ ચોરી જાય તો? રાતમાં વારંવાર ઊઠીને એ જોવા જાય. એક ચોરે આ જોયું, એને શંકા પડી અને એક અંધારી રાતે બધું લૂંટી ગયો. વેપારી માથે હાથ મૂકીને રોયો.


ખોટી રીતે મેળવેલા ધનથી બચવાની સલાહ આપતો શ્ર્લોક વિદુર નીતિમાં છે.


धनेन अधर्मलब्धेनयद् छिद्रमपि धीयते।असंवृतं तद् भवतिततः अन्यदवदीर्यते॥


અધર્મથી મેળવેલા ધન દ્વારા માનવી પોતાના દોષ (છિદ્ર) છુપાવવા ચાહે તો પણ તે છાનાં રહેતાં નથી. ઊલટા નવા દોષ-દુર્ગુણ પેદા થાય છે.


કાળું ધન સાચું સુખ ન આપી શકે.

Sep 9, 2012

એ કરતાં શાળાને તાળું મારી દેવું સારું

થોડું ભણેલા એક વૃદ્ધે પોતાના ગામમાં જ શાળા શરૂ કરી. ગામનાં છોકરાં ભણે, ગણે અને સંસ્કારી થાય એ તેમની ભાવના હતી.


ધીરે ધીરે શાળા સારી ચાલવા લાગી. ઘણા વિદ્યાર્થીઓ ભણીગણીને નોકરી ધંધે લાગી ગયા.


વૃદ્ધની ઉંમર વધી ગઈ હતી. છતાંય તે સક્રિય હતા. એકવાર શાળાના એક અગત્યના કામે શિક્ષણ વિભાગની તાલુકા સ્તરની આફિસે ગયા.


ત્યાંના સિનિયર કારકૂનને મળી પોતાની શાળાની મુશ્કેલી રજૂ કરી. કારકૂને તે અંગેનું દફતર તપાસ્યું અને કહ્યું, ‘કાકા કંઈક સમજો તો કામ થઈ જાય.’ પેલા વૃદ્ધ કારકુનનો ભાવ સમજી શક્યા નહિ. તેમણે કહ્યું ‘આપ જે સૂચવશો એ સુધારો વધારો અમે જરૂર કરીશું.’


પેલા કારકૂને વૃદ્ધ કાકાને 2-3 વાર કંઈક સમજવાની વાત કરી. પડખેના ટેબલ પર બેઠેલા એક ભાઈ કાકાને જરા દૂર લઈ જઈ ‘કંઈક સમજવા’નો અર્થ સમજાવ્યો.


‘અરે ભાઈ ભુવો ય એક ઘર મૂકતો હોય છે. આ બધા એમાંથી યે ગયા?’ વૃદ્ધ બોલ્યા અને જવા લાગ્યા. તેવામાં એક ઓળખીતા મળ્યા તેમણે વાત જાણી કહ્યું, ‘મારી સાથે ચાલો એ સાહેબ આપણી શાળાના જ વિદ્યાર્થી હતા. એટલે કામ થઈ જશે.’ ‘ભાઈ અમારી શાળાનો વિદ્યાર્થી જ આવો પાકતો હોય તો તેને સમજાવવાને બદલે શાળાને તાળું મારી દઈશ. શાળામાંથી આવા કુપાત્રો પેદા થતા હોય તો તો તેના કરતાં શાળા બંધ કરી દેવી સારી.’ એમ બોલતાં બોલતાં તે રડી પડ્યા.

Aug 28, 2012

માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ

એક રાજાને બે રાણી. એક માનીતી, બીજી અણમાનીતી. અણમાનીતી રાણીનો પુત્ર તેજસ્વી. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં પાવરધો. બીજી રાણીનો પુત્ર આળસુ, લાડપ્યારથી બગડેલો. પણ રાજાએ તેને જ યુવરાજ જાહેર કર્યો. બીજા પુત્રને અન્યાય થયો. એ રાજ્ય છોડીને જતો રહ્યો. સ્વ-પરાક્રમે રાજ્ય ખડું કર્યું.


એકવાર શત્રુ રાજાએ તેના પિતાના રાજ્ય પર હુમલો કર્યો. માનીતીનો રાજકુમાર સત્તા સંભાળતો હતો, પણ આવડત શૂન્ય. પ્રજા પણ નારાજ. એ શત્રુના આક્રમણને ખાળી શકતો નહોતો. પણ અચાનક શત્રુસૈન્યમાં ભંગાણ પડ્યું. પછી, ખબર પડી કે બીજો રાજકુમાર વહારે આવ્યો હતો. શત્રુ રાજા પરાસ્ત થયો. એટલે તે પાછો ફર્યો. પણ રાજાએ તેને રોકીને પૂછ્યું કે જતા જ રહેવું હતું તો મદદે કેમ આવ્યો?


તેનો જવાબ હતો : માતૃભૂમિનું ઋણ ચૂકવવા. આ ભૂમિ મારી માતા છે. એની સામે કોઈ નજર નાખે તે કેમ સહન થાય?


શ્રીરામે આ જ વાત સમજાવી છે. લંકાવિજય પછી ત્યાંનું રાજ્ય સંભાળવાનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું :


अपि स्वर्णमयी लंका
न मे लक्ष्मण रोचते।
जननी जन्मभूमिश्च
स्वर्गादपि गरियसी॥


હે લક્ષ્મણ, લંકા ભલે સોનાની હોય પણ મને અહીં ગોઠતું નથી. જનની - જન્મદાત્રી માતા અને જન્મભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે.


જે ભૂમિ પર જન્મ્યા તેને માતૃવત્ પ્રેમ કરનાર ક્યારેય પરકીયોનું, સીધું કે આડકતરું આક્રમણ સહન ન કરી શકે. જરૂર છે માતૃભૂમિની માટી માટેનો અનન્ય પ્રેમ.

Jul 20, 2012

ભાગ્ય પુરુષાર્થીને જ ફળે

એક ખેડૂતના બે દીકરા. ખેડૂત ઘરડો થયો એટલે બંનેને એક એક ખેતર આપીને ખેડવા કહ્યું. એક ભાઈ ભાગ્યવાદી હતો. બીજો પુરુષાર્થમાં માને.


હળોતરાનો સમય થયો. એક ભાઈએ હળ જોડ્યું, જમીન ખેડી, દાણા નાખ્યા. બીજાએ ખેતરમાં જઈને માત્ર પ્રાર્થના કરી, ભાગ્યની દેવી વિધાતાને વિનંતીઓ કરતો રહ્યો.


બન્યું એવું કે બંનેના ખેતરમાં કંઈ ન પાક્યું. ખેડ કરનારે એક વડીલને કારણ પૂછ્યું. એમણે સામે પૂછ્યું કે ખેડ કરી, દાણા નાખ્યા પણ ખાતર-પાણી આપ્યું હતું? એને ભૂલ સમજાઈ. બીજી વખત સુધારી લીધી. ખૂબ પાક થયો. પણ બીજા ભાગ્યાધીન ભાઈની સ્થિતિ એવી જ રહી.


પુરુષાર્થ અને પરિશ્રમનું મહત્ત્વ સમજાવતું એક સુભાષિત પંચતંત્રમાં છે :


उद्योगिनं पुरुषसिंहम् उपैति लक्ष्मीः।


देवेन देयमिति कापुरुषा वदन्ति॥


दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या ।


यत्ने कृते यदि न सिद्धयति कोऽत्र दोषः॥


પ્રયત્ન કરનારને જ લક્ષ્મી મળે, ભાગ્યમાં હશે તો મળશે એવું કહેનાર તો કાયર છે. નસીબને છોડીને જાતે પુરુષાર્થ કરો, અને તેમ છતાં ફળ ન મળે તો વિચારો કે ક્યાં ભૂલ થઈ છે.


નિષ્ફળતાનું કારણ જાણીને ફરી પુરુષાર્થ કરનાર જીતે જ છે.

Jun 20, 2012

જેનેરિક દવા - સાવ સસ્તી છતાં અસરકારક અને ધૂમ વેચાતી અનબ્રાન્ડેડ....



  • ૨ રૂપિયાની ટેબ્લેટ ૨૦૦ રૂપિયામાં મળે ત્યારે
  • ૫૦૦ રૂપિયાની દવા માત્ર પાંચ રૂપિયામાં મળે તો કેવું?
  • દવાઓ બે પ્રકારની હોય છે (૧) બ્રાન્ડેડ અને (૨) જેનેરિક
  • બંનેની કિંમતમાં આકાશ-પાતાળ જેટલું અંતર હોવા છતાં દવાની અસર એક જેટલી જ!
  • જો કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિ હોય તો ૫૦૦ રૂપિયાની દવા પાંચ રૂપિયામાં મળી શકે છે.
  • દર વર્ષે ભારત ૪૫ હજાર કરોડ રૂપિયાની જેનેરિક દવાની નિકાસ કરે છે પણ ભારતના લોકોને તે મળતી નથી.
ભારતમાં જે વસ્તુની કિંમતોમાં આગ લાગી છે તેવી બે વસ્તુનું નામ લેવું હોય તો તે ‘પેટ્રોલ’ અને ‘દવા’ (મેડિસિન્સ) છે. બંને વસ્તુ સરકારી નિયંત્રણથી મુક્ત છે એટલે તેની કિંમતો પણ હદથી વધારે છે. પણ, સરકારમાં ઇચ્છાશક્તિ હોય તો આ બંને વસ્તુની કિંમત હદથી પણ વધારે ઓછી કરી શકે છે. પેટ્રોલમાં ટેક્સ ઘટાડીને અને દવાઓમાં જેનેરિક દવાઓનો ઉપયોગ કરી, કરાવીને આ બંને વસ્તુઓની કિંમત ઘટાડી શકાય છે. પેટ્રોલ વિશે તમે ઘણું જાણો છો, માટે અહીં જેનેરિક દવા વિશે થોડું જાણીશું. તમને ખ્યાલ હોય તો તાજેતરમાં જ ‘સત્યમેવ જયતે’ના ત્રીજા એપિસોડમાં જેનેરિક દવાઓનો મુદ્દો ઉઠાવાયો હતો. જરા વિચારો... કેન્સર માટેની જે દવા ૪૦૦૦ રૂપિયામાં મળતી હોય તે જ દવા, તેટલી જ અસરકારક, તે જ તત્ત્વો (સૉલ્ટ)વાળી દવા તમને માત્ર ૨૦૦ રૂપિયામાં મળી જાય તો...? આ એકદમ શક્ય છે. માત્ર દવાઓમાંથી  ‘બ્રાન્ડ’ કાઢી નાખવાની છે. કેવી રીતે? આવો સમજીએ....
generic_drugs.jpgપહેલાં એક સાદું ઉદાહરણ જુઓ. તમને શરદી થઈ છે. એનો ઇલાજ તમને ખબર જ છે ! રાત્રે સૂતા પહેલાં હળદરને દૂધમાં નાખી પીવાથી શરદી મટી જાય છે, તેમ છતાં શરદીના દર્દથી ઝડપથી છૂટવા તમે ડૉક્ટર પાસે જાઓ છો. ડૉક્ટરને પણ ખબર છે કે શરદીને મટાડનારું તત્ત્વ, ઔષધિ હળદર છે. એટલે ડૉક્ટર તરત જ શરદી મટાડનારી હળદરમાંથી બનેલી એક બ્રાન્ડેડ કંપ્નીની દવા તમને લખી આપશે. આ બ્રાન્ડેડ કંપ્નીની એક ગોળી (ટીકડી - ટેબ્લેટ) મેડિકલ સ્ટોરમાંથી તમે ૨૫ રૂપિયાની ખરીદો છો, જ્યાં ખર્ચ કરવાની જરૂર ન હતી ત્યાં તમે ડૉક્ટરની સલાહ લઈ ૨૫ રૂપિયા ખર્ચ્યા. રસોડામાં વપરાતી હળદરને સામાન્ય રીતે અંગ્રેજીમાં ટર્મરિક કહેવાય છે. પણ ઔષધીય નામ મોટે ભાગે લેટિન હોય છે. હળદર કુરુકુમા લોંગ (Curcuma Longa) કહેવાય છે. એક કંપ્ની ડૉક્ટરની મદદથી હળદરની ટેબ્લેટ બનાવી, તે ટેબ્લેટનું પેકિંગ, માર્કેટિંગ કરી તમને જ બે રૂપિયાની હળદર ૨૫ રૂપિયામાં વેચે છે.
દવાઓની દુનિયામાં કંઈક આવું જ ચાલે છે. શરદી, તાવ, ઉધરસ અથવા અન્ય રોગોને મટાડવા માટે એકાદ-બે તત્ત્વો (સૉલ્ટ)માંથી બનેલી ટેબ્લેટ દર્દીને આપવાની હોય છે, જેમ કે ડાયાબિટીઝના દર્દીને ‘ગ્લાઈમપીરાઈડ’ નામનું સૉલ્ટ આપવાનું હોય છે. હવે બજારમાં ગ્લાઈમપીરાઈડ તત્ત્વની સામાન્ય ટેબ્લેટ પણ મળે છે અને આ જ તત્ત્વનો ઉપયોગ કરી બનાવેલી અનેક બ્રાન્ડેડ કંપ્નીઓની ટેબ્લેટ પણ મળે છે. બંનેની કિંમતમાં આકાશ પાતાળનો ફરક છે. ગ્લાઈમપીરાઈડની સામાન્ય દવા માત્ર બે રૂપિયામાં દસ ટેબ્લેટ મળી જાય છે અને એ જ ગ્લાઈમપીરાઈડવાળી બ્રાન્ડેડ કંપ્નીની દસ ટેબ્લેટ મેડિકલ સ્ટોરમાંથી ૧૨૫ રૂપિયામાં મળે છે. બે રૂપિયામાં મળતી અને ૧૨૫ રૂપિયામાં મળતી આ ટેબ્લેટમાં ફરક માત્ર ‘બ્રાન્ડ’નો જ છે. આ ટેબ્લેટ એક જ તત્ત્વોની બનેલી છે, તેની અસર પણ એકસરખી છે, ફરક છે તો માત્ર કિંમત અને બ્રાન્ડનો !
- - -
ઉપર્યુક્ત બે ઉદાહરણો માત્ર સમજવા માટેનાં છે. એક આપણી સાદી ભાષામાં છે અને બીજું ઉદાહરણ ડૉક્ટરની ભાષામાં છે. તત્ત્વને સમજવા ‘હળદર’નો ઉલ્લેખ કર્યો છે, બાકી હળદરની ટેબ્લેટ ડૉક્ટરો લખતા નથી ! રોગને મટાડવાનું મુખ્ય તત્ત્વ (સૉલ્ટ) કયું તે સમજવા આ ઉદાહરણ અપાયું છે. ‘હળદર’ અને ‘ગ્લાઈમપીરાઈડ’ મુખ્ય તત્ત્વો છે. આવી જ એક જડીબુટ્ટી છે સર્પગંધા. તેનું લેટિન નામ સર્પિના છે. સર્પગંધા બ્લડપ્રેશરની દવા છે. સર્પિના નામથી બ્રાન્ડ ટેબ્લેટ પણ મળે છે.
- - -
જેનેરિક દવા એટલે શું ?
દવાઓનાં બે નામ હોય છે એક ‘જેનેરિક’ નામ અને બીજું ‘બ્રાન્ડેડ’ નામ, જેમ કે ‘પેરાસીટામોલ’ જેનરિક નામ છે અને પેરાસીટોમોલ તત્ત્વમાંથી બનેલી ‘ક્રોસીન’, ‘મેટાસીન’ વગેરે બ્રાન્ડ નેમ છે. એક જ જેનેરિક નામવાળી દવા બજારમાં અનેક બ્રાન્ડ નેમથી વેચાય છે. જેનેરિક નામથી પણ દવા મળે છે, પણ તે ડૉક્ટરે લખવી પડે. બ્રાન્ડેડ દવાઓ કરતાં જેનેરિક દવાઓ એકદમ સસ્તી હોય છે.
દવા કંપ્નીઓ હંમેશાં રોગને મટાડનારા તત્ત્વની શોધ કરતી હોય છે. કંપ્નીઓ તેની શોધ કરી દવા બનાવી તેની પેટન્ટ કરાવી લે છે. આ પેટન્ટ દસ-બાર વર્ષ સુધી જ હોય છે. ત્યાં સુધી દવા કંપ્ની આ દવા પર મનમાની કિંમત વસૂલ કરે છે, પણ મહત્ત્વની વાત એ છે કે કંપ્ની જે દવા બનાવે છે તેની રીત (ફોર્મ્યુલેશન)ની પેટન્ટ હોય છે. દવા બનાવવામાં જે તત્ત્વોનો કંપ્ની ઉપયોગ કરે છે તેના પર તે કંપ્નીને પેટન્ટ ન મળે, તેથી તે તત્ત્વોનો ઉપયોગ કરી કોઈ પણ તે જ દવા જાતે બનાવી શકે છે. આ જાતે બનાવેલી, બ્રાન્ડ કે પેટન્ટ વગરની દવા એટલે જ જેનેરિક દવા. જેનેરિક દવા બનાવતી કંપ્નીઓ અઢળક છે, જે ખૂબ સસ્તી દવાઓ બનાવે છે, જેમ કે "Lbuprofen' ખૂબ જૂની અને બ્રાન્ડ ધરાવતી દવા છે, પણ તે જ તત્ત્વોમાંથી બનેલી Nurofen, Brufen જેવી જેનેરિક દવા બજારમાં મળે છે. જેનેરિક એટલે કે મૂળભૂત તત્ત્વ (ઔષધ) અને એ જ તત્ત્વ, એટલા પ્રમાણમાં જ વાપરીને બનતી બ્રાન્ડ મેડિસીનના ભાવમાં જ આસમાન જમીનનો ફરક હોય છે, અસર એકસરખી હોય છે. દા.ત., પાંચ રૂપિયાની સાદી દવા પાંચસો રૂપિયામાં ખરીદવી પડે. બ્રાન્ડમાં પણ જેમ કંપનીનું નામ મોટું તેમ ભાવ વધારે હોય એવું પણ બને છે. એક કંપની અગાઉ એબ્રોમા ઑગસ્ટા લિક્વીડ નામની દવા સ્ત્રીઓના પ્રદર(લોહીવા - સફેદ પાણી જવું) માટે બનાવતી હતી. એબ્રોમા ઑગસ્ટા આપણી જડીબુટ્ટી ઊલટકમલનું લેટિન નામ છે. ઊલટકમલનો ઉકાળો વૈદ્યો આપતા, અને તે ખૂબ સસ્તો પડતો. એક અહેવાલ મુજબ અમેરિકા અને યુરોપના દેશોમાં એઈડ્ઝના દરદીને વર્ષે ૩૦ હજાર ડૉલર ચૂકવવા પડે છે. ભારતમાં એવી જ દવા માટે ‘સિપ્લા’ રોજનો માત્ર એક ડૉલર લે છે. રોજના ૨૫૦૦ સામે માત્ર એક ડૉલર !
વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો જેનેરિક દવા એટલે "મૂળ લેટિન ‘જીનસ’ ઉપરથી ‘જેનેરેરિન’ શબ્દ બન્યો છે, તેના ઉપરથી ‘જેનેરિક’ થયું, તેનો અર્થ થાય છે જેની કોઈ બ્રાન્ડ ન હોય તેવી, કોઈ કુળનામ (ગોત્ર) કરતાં અલગ સર્વસામાન્ય તત્ત્વ...
થોડાંક તત્ત્વોનાં ઉદાહરણ...
માત્ર ને માત્ર બ્રાન્ડ નેમના કારણે આપણને દવાઓની રિયલ કિંમત કરતાં દસગણા, ચારસો ગણા પૈસા વધારે ચૂકવવા પડે છે. જેમ કે, તાવ આવ્યો છે તો તેના ઉપચાર માટે જે દવા બનાવાય છે, તેમાં સૉલ્ટ તરીકે સેટરીઝાઈન સૉલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાનું ઉત્પાદન કરી યોગ્ય પેકેજિંગ કરી વેચતાં તેની દસ ગોળીની કિંમત માત્ર થોડા પૈસા જેટલી જ છે, પરંતુ સેટરીઝાઈન સૉલ્ટનો ઉપયોગ કરી તાવ મટાડવાની ટેબ્લેટ બનાવતી બજારમાં અઢળક બ્રાન્ડેડ દવા કંપ્નીઓ છે, જેની દસ ગોળી આપણને ૩૫ રૂપિયામાં પડે છે.
એ જ રીતે મલેરિયાના દર્દીને જે ત્રણ ઇન્જેક્શન આપવામાં આવે છે, તેની જેનેરિક કિંમત માત્ર ૨૫ રૂપિયા જ છે, પરંતુ તે જ તત્ત્વમાંથી બનેલા બ્રાન્ડેડ ઇન્જેક્શનની કિંમત બજારમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયા છે. એ જ રીતે મરડા માટેની દવા જે તત્ત્વમાંથી બને છે, તેનું નામ ડૉમપેરિડૉન સૉલ્ટ છે. તેની દસ ગોળીની કિંમત માત્ર ૧.૨૫ પૈસા છે. જ્યારે ડૉમપેરિડૉનમાંથી બનેલી બ્રાન્ડેડ દવા ૩૩ રૂપિયામાં બજારમાં વેચાય છે.
જે દવા આપણને પાંચ પૈસામાં મળી શકે તેમ હોય તે દવા આપણે ૫૦૦ રૂપિયામાં ખરીદી રહ્યા છીએ. આવું  કેમ ? એક તો આપણને ખબર નથી અને બીજું આપણા ડૉક્ટરો જેનેરિક દવા લખી આપતા નથી. ડૉક્ટરો જેનેરિક દવા કેમ લખી આપતા નથી તેનાં પણ અનેક કારણો છે, અને ત્રીજું આપણી કેન્દ્ર સરકારની જરા પણ ઇચ્છાશક્તિ નથી કે આપણા ગરીબ દર્દીઓને મફતમાં દવા મળે અથવા દવા કંપ્નીઓની ઉઘાડી લૂંટ કેન્દ્ર સરકારને દેખાતી નથી.
ડૉક્ટરો શા માટે જેનેરિક દવાનું નામ લખતા નથી?
જ્યારે એક એમ. બી. બી. એસ.નો વિદ્યાર્થી પરીક્ષા આપવા બેસે છે અને તેને પ્રશ્ર્નપત્રમાં પુછાય છે કે ડાયાબિટીઝના દર્દીને અપાતી દવાનું નામ શું ? વિદ્યાર્થી તરત જ ‘ગ્લાઈમપીરાઈડ’ લખે છે. ડાયાબિટીઝનું આ પાયાનું ઔષધ છે. પણ એ જ વિદ્યાર્થી ડૉક્ટર બની જાય ત્યારે જેનેરિક દવાને બદલે મોંઘી બ્રાન્ડેડ દવા લખે છે. એણે દવા તો સાચી લખી પણ આ ડૉક્ટરે જે કંપની કમિશન આપે તેની બ્રાન્ડ લખે છે. આ અપવાદ હોઈ શકે, કારણ ઘણા ડૉક્ટરો દરદીના ખિસ્સાનું પણ ધ્યાન રાખે છે અને એને નુકસાન નથી થવા દેતા. ઘણા ડૉક્ટરો દર્દીની દિલથી સેવા કરે છે, પણ ઘણા એવા ડૉક્ટરો પણ છે જે દર્દીના દિલ પરના ખિસ્સાને ધ્યાનમાં રાખી દર્દીની સેવા કરે છે. 'Cut System’ તો તમને ખબર જ હશે ! હેલ્થ ક્ષેત્રે વર્ષોથી કામ કરતા ડૉ. ગુલાટીનું તો કહેવું છે કે આ કમિશનનું પ્રમાણ ૩૦ ટકાનું છે. જો કે બધા ડૉક્ટરો આવા નથી હોતા.
જોકે ડૉક્ટરોની જેનેરિક દવાઓ પર પોતાની એક અલગ જ ટિપ્પણી છે. ડૉક્ટરોનું કહેવું છે કે જેનેરિક દવાનું નામ લખવામાં અમને કોઈ વાંધો નથી, પણ તે દવા બજારમાં દર્દીને મળશે કે કેમ તે એક પ્રશ્ર્ન છે? પણ કોઈ ડૉક્ટર લખે નહિ, માગ ન હોય તો દવાવાળા શા માટે રાખે ? બ્રાન્ડેડ કંપ્નીઓનું કહેવું છે કે અમે ડૉક્ટરોને કોઈ કમિશન આપતા નથી. અમારા એમ. આર. ડૉક્ટરો પાસે જાય છે. દવા વિશે જાણકારી આપે છે, બસ.
કોણ સાચું કોણ ખોટું તે સૌ જાણે છે. એક રિપોર્ટ પ્રમાણે દવા કંપ્નીઓ એક ડૉક્ટર પાછળ સરેરાશ ૧,૩૦,૦૦૦નો વાર્ષિક ખર્ચ કરે છે. ડૉક્ટરોને ગિફ્ટ આપવી, મોંઘી હોટલોમાં પાર્ટી આપવી, અન્ય નાની-મોટી ફેવર કરવી, ફેમિલી સાથેની વિદેશ ટ્રિપ આ બધું આમાં આવી જાય છે. ડૉક્ટરોને આડકતરી રીતે બધું જ આ કંપ્નીઓ પ્રોવાઈડ કરે છે. બદલામાં આ ડૉક્ટરોએ માત્ર તેની બનાવેલી દવાનું નામ લખી આપવાનું હોય છે.
વિદેશી દવા કંપ્નીઓ માટેનું વિશાળ માર્કેટ એટલે ભારત
વિદેશી દવા કંપ્નીઓને ભારતમાં દવાનું વિશાળ માર્કેટ દેખાય છે. આટલી બધી વસ્તી અને એમાંય વળી સરકાર અને ડૉક્ટરોની દોસ્તી... તેમની બનાવેલી દરેક દવા બજારમાં ખપાવી જ દેશે. તમને ખબર છે ? વિદેશી કંપ્નીઓ ભારતીય દવા બનાવતી કંપ્નીઓને અનેકગણા પૈસા આપીને ખરીદી રહી છે. ૨૦૦૧માં દવાક્ષેત્રે ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણને માન્યતા મળી ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક ભારતીય દવા કંપ્નીઓ વિદેશી કંપ્નીઓના હાથમાં આવી ગઈ છે. ૨૦૦૬માં નાની ભારતીય કંપ્ની મેટ્રિક્સ લૅબને અમેરિકાની માયલાન કંપ્નીએ ખરીદી લીધી. ૨૦૦૮માં ડાબર ફાર્માને ફ્રેસિયસ કેવીએ, રેનબૅક્સીને જાપાનની દવા કંપ્ની દાયચી સેક્યોએ, શાંતા બાયોટેક કંપ્નીને સનોફી અવન્તિએ તથા ૨૦૦૯માં આર્કિડ કેમિકલ્સને હોસ્પીરાએ ખરીદી લીધી. તાજેતરમાં જ એબટ લેબોરેટરીઝે ભારતની સૌથી અગ્રીમ સ્થાનની પીરામલ હેલ્થકેરને ૩.૭૨ અબજ ડૉલરમાં (લગભગ ૧૭,૫૦૦ કરોડ રૂપિયા) ખરીદી લીધી છે.
દુર્ભાગ્યની વાત તો એ છે કે દવાક્ષેત્રે વિદેશી કંપનીઓનું જોર ભારતમાં વધી રહ્યું છે. ભારતીય કંપનીઓને દસ ગણા પૈસા આપી આ વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ ખરીદી રહી છે. મતલબ સ્પષ્ટ છે. આ વિદેશી કંપનીઓને ભારતના દવા બજારમાં એકહથ્થુ શાસન ચલાવવું છે. એક જાણકારી માટે ભારત આજે પણ વર્ષે ૪૫ હજાર કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત જેનેરિક દવા નિકાસ કરે છે. વિકસિત દેશોમાં દવાઓનું બજાર ૨થી ૩ ટકાના દરે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતનું દવા બજાર ૧૫થી ૨૦ ટકાના દરે આગળ ધપી રહ્યું છે. વિકસિત દેશોમાં વધતી હરીફાઈના કારણે બહુરાષ્ટ્રીય દવા કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. તેથી આ કંપનીઓ ભારત અને ચીન તરફ વળી છે.
કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિ જ નથી!
ગરીબોને સસ્તામાં સસ્તી દવા મળે તે માટેની કામગીરી કરવાની કેન્દ્ર સરકારની જરા પણ ઇચ્છાશક્તિ જણાતી નથી. રાજસ્થાનની સરકારે આ માટે પહેલ કરી છે. ત્યાં અનેક જગ્યાએ જેનેરિક દવાના સ્ટોલ ખોલી રહી છે. પણ આપણી કેન્દ્ર સરકારને દવાઓની વધતી કિંમત જરા પણ દેખાતી નથી. દવાક્ષેત્રે સેવાકીય કાર્ય કરતા ડૉ. ગુલાટીએ તો એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ૨૦૦૬માં સંસદીય સમિતિનો એક રિપોર્ટ હતો, જે હાલ આયોજન પંચ પાસે છે. તેમાં જણાવ્યું હતું કે જેલેસિલ, ડાયજિન જેવી અનેક દવાઓ ભારતમાં વેચાઈ રહી છે જેની કોઈ જરૂર જ નથી. તેમ છતાં આ દવાઓનું વાર્ષિક ટર્નઓવર ૫૦ કરોડ કરતાં પણ વધારે છે. આ દવાઓ પર પ્રતિબંધ લાદવાને બદલે ચૂપચાપ  જોઈ રહી છે.  આવું માત્ર ભારતમાં જ બની શકે. અનેક પ્રતિબંધિત દવાઓનું બજાર ભારત હાલ બની રહ્યું છે. વિદેશમાં જે દવા નથી વેચાતી તે ભારતના દર્દીઓને ખવડાવી દેવાય છે. સરકારને આ બધી જ ખબર હોવા છતાં આંખ-કાન બંધ રાખી વિદેશી હૂંડિયામણ મેળવવા ચૂપ રહે છે.
એવું કહેવાય છે કે આપણને આર્થિક સમૃદ્ધિ ત્યારે જ મળશે જ્યારે દરેક ભારતીય સ્વસ્થ હશે. આપણો જીડીપી (કાચી ગૃહપેદાશ)નો માત્ર દોઢ ટકા ખર્ચ જ સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા ઉપર કરવામાં આવે છે. દર વર્ષે જ્યાં હજારો બાળકો પ્રાથમિક ઉપચાર ન મળવાથી મૃત્યુ પામતાં હોય ત્યાં સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા પર માત્ર દોઢ ટકા જ ખર્ચ? સંરક્ષણ કરતાં સ્વાસ્થ્ય સેવામાં આજે રૂપિયા ખર્ચવાની વધુ જરૂર છે.
આજે દેશને જરૂર છે વધુ ને વધુ સરકારી મેડિકલ કૉલેજોની. આજે આપણા યુવાનો ૫૦થી ૬૦ લાખ રૂપિયાનું ડોનેશન આપીને મેડિકલ કૉલેજમાં ભણી રહ્યા છે. આવી કૉલેજોમાં યોગ્ય સુવિધાઓ પણ હોતી નથી. હવે આવી રીતે તૈયાર થયેલા ડૉક્ટરો કમિશન નહિ લે તો શું કરશે ! સરકારે વધુ ને વધુ સરકારી મેડિકલ કૉલેજ ખોલી હોંશિયાર વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને ડૉકટર બનવાની તક આપવી જોઈએ, અને આવું ત્યારે જ બને જ્યારે કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિ હોય. આપણી કાચી ગૃહપેદાશના ૮ ટકા સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા પાછળ સરકાર ખર્ચે તો આ બધું શક્ય બની શકે તેમ છે. બાકી ડૉક્ટર, સરકાર અને બહુરાષ્ટ્રીય દવા કંપનીઓની આ લૂંટ ગરીબોને આ દેશમાં જીવવા નહિ દે!
સુપર પાવર, મિસાઇલ પાવર, પરમાણુ પાવર, અંતરિક્ષ પાવર આવા તો અનેક ‘પાવર’ ભારત સાથે જોડાઈ ગયા છે. વિકાસશીલ દેશના આવા અનેક ‘પાવર’ જોઈને દરેક ભારતીયની છાતી ગજ-ગજ ફૂલે છે. પણ એનાથી તદ્દન ઊલટું, કોઈ ગરીબ માણસને રસ્તા વચ્ચે ભૂખ્યો ટળવળતો જોઈને, કુપોષણથી મરતાં અનેક બાળકોને જોઈને, ગરીબોની દયનીય સ્થિતિ જોઈને, માત્ર બે રૂપિયાની દવાના અભાવના કારણે મરતાં બાળકોને જોઈને આપણને જરા પણ શરમ નથી આવતી! ગરીબી અને અમીરી વચ્ચેની ખાઈ વધી રહી છે ત્યારે જરૂર સવાલ થાય છે કે દુનિયાને પોતાની શક્તિ બતાવવા ચંદ્ર પર પહોંચવું જરૂરી છે? આવી વાતોને આજકાલ નેગેટિવ ગણવામાં આવે છે, પણ એક બાળકનું સાવ સાધારણ તાવથી મૃત્યુ થાય, જેનો ઉપચાર એકદમ શક્ય હોય, પણ પૈસાના અભાવે તે બાળક મૃત્યુ પામે તેનાથી વધારે દુ:ખ બીજું શું હોઈ શકે? સરકાર ધારે તો એક મિનિટમાં કાયદો પસાર કરીને ડૉક્ટરોને જેનેરિક દવાનું નામ દર્દીઓને લખી આપવા ફરમાન કરી શકે છે. પણ આ માટે સરકારે પણ અનેક જગ્યાએ જેનેરિક દવાના સ્ટોલ ખોલવા જરૂરી બને છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભેગા મળીને આ પહેલ કરવા જેવી છે. કમસે કમ સરકારી હૉસ્પિટલોમાં તાત્કાલિક જેનેરિક સ્ટોલ ખોલવાની જરૂર છે. આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ જે દેશમાં દવા વિના માણસનું મૃત્યુ થતું હોય તે દેશ ક્યારેય વિકાસ ન જ કરી શકે.
રૂપિયા ૨,૮૦,૪૨૮ની દવા માત્ર ૮૮૦૦ રૂપિયામાં વેચે છે આ માણસ...
૬૬ વર્ષના વી. સી. નન્નાપાણેની પોતાની કૅન્સર વિરોધી દવા સાવ સસ્તા ભાવે વેચવા તૈયાર છે. કિડની અને લિવરના કૅન્સર માટે આ દવા જીવનરક્ષક છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આજે ‘નેક્સાવર’ કંપનીની બ્રાન્ડેડ દવા એક મહિના માટેની ૧૨૦ ટેબ્લેટ રૂપિયા ૨,૮૦,૪૨૮માં બજારમાં મળે છે. આ દવામાં સોરાફેનેટ નામનું તત્ત્વ છે. આજ તત્ત્વમાંથી બનેલી ‘નેક્સાવર’ કંપનીએ બનાવેલી દવા જેટલી જ અસરકરાક જેનેરિક દવા માત્ર  ૮૮૦૦ રૂપિયામાં મળી શકે છે. વી. સી. નન્નાપાણેની ૩૧ વર્ષની જૂની નેટકો ફાર્મા લિમિટેડ કંપની હવે આ સસ્તી દવા બનાવશે. કંપનીને દવા બનાવવા કંટ્રોલર ઑફ પેટન્ટે લાઇસન્સ પણ આપી દીધું છે. ટૂંક સમયમાં નેટકો કંપની કિડની-લિવર માટે જેનેરિક દવા બનાવશે અને માત્ર રૂ. ૮૮૦૦માં વેચશે.
આપણી જડીબુટ્ટીનો ઉપયોગ
આજકાલ ‘એલોવેરા’ નામનું ઘણાને ઘેલું લાગ્યું છે, ખાસ કરીને સૌંદર્યનિખાર માટે ઉત્સુક યુવતીઓમાં. આ એલોવેરા એટલે આપણું કુંવારપાઠું. ઘરના વાડામાં રોપી દો તો ફૂલેફાલે, ઓછા પાણીએ અને ગમે તે જમીનમાં. વિકસિત કુંવરનાં પાન બે અઢી ફૂટ લાંબાં અને અડધો પોણો ઇંચ જાડાં હોય છે, કિનાર ઉપર કાંટા હોય છે. લિવર માટેની એ ઉત્તમ દવા કહેવાય છે. ૨૦-૨૫ ગ્રામ કાચો ગર હળદર મીઠા સાથે લેવાથી ઝડપી ફાયદો થાય છે. પણ ટ્વિલાઈટ ફાર્માએ બનાવેલ પોષક ફૂડ સપ્લીમેન્ટ ૨૫૦ ગ્રામના રૂ. ૮૦૦ના ભાવે વેચાય છે. તેમાં પ્રોટીન માટે સોયાબીન આઈસોલેટ અને પ્રતિરોધક તરીકે એલોવેરા એક્સ્ટ્રેક્ટ (સત્ત્વ) છે.
મેલેરિયાની જાણીતી દવા ક્વિનાઈન, સિંકોના નામના છોડની છાલનું સત્ત્વ છે. સાદી ક્વિનાઈન ગોળી સાવ સસ્તી છે, પણ એની અનેક બ્રાન્ડેડ દવાઓ અને ઇન્જેક્શન મોંઘાંદાટ છે.
આપણી જ ઘણી વનસ્પતિ દવાઓ - જડીબુટ્ટી એલોપેથિયક દવાઓમાં પણ વપરાય છે. માત્ર તેનાં નામ લૅટિન-ગ્રીક હોય છે, અને આપણે ભોળવાઈ જઈએ છીએ. દા.ત., હરિદ્રા (હળદર) કુરુકુમા લોંગ, હરિતકી (હરડે) ટર્મિનાલિયા ચેબુલા, તજ સિન્નામોમ કેસિયા, લવિંગ (ઈહજ્ઞદય)ને ‘કેરિયોફિલ્સ એરોમેટિક્મ’ અથવા ‘સીઝીજીયમ એરોમેટિક્મ’ કહેવાય છે.
વાવડિંગ (વિડંગ)ને ‘એમ્બેલિયા રીબેસ’ અને જેઠીમધને ગિલ્સરીઝા ગાલ્બ્રા કહેવાય છે. ટિંક્ચર ગિલ્સરીઝા એલોપેથિક દવા છે, અને મોંઘી છે. શરદી માટે વપરાય છે, એ જેઠીમધનો અર્ક અથવા આસવ જ છે.
શરદી માટેની દવા અરડૂસી વસાકા નામથી જાણીતી છે, એનું લેટિન નામ અધાતોડા વાસિકા છે. ‘સિરપ વસાકા’ અરડૂસીનો ઉકાળો - શરબત જેવો છે. તાવમાં વપરાતી ગળોને ‘ટીનોસ્પોરા કોડીફોલિયા’ અને તુલસી ‘ઓસીમમ સેન્ક્ટમ’ અથવા ‘ઓસીમમ બેસિલિકમ’ નામથી વપરાય છે. દ્રાક્ષ માટે પણ ગ્રેપને બદલે ‘વિટિસ વિનીફેરા’ જેવું અટપટું નામ લખાય છે. દ્રાક્ષાસવ જાણીતી આયુર્વેદિક દવા છે, ભૂખ ઉઘાડનાર ટોનિક છે. કુમારીઆસવ અને દ્રાક્ષાસવ લિવરના દરદીને અપાય છે. આ મૂળભૂત તત્ત્વો છે. તેને બ્રાન્ડ નેમ આપતાં જ ભાવ આસમાને પહોંચી જાય છે.
એક અનુભવ
એક ભાઈને ઍસિડિટી હતી. ફ્રૂટસૉલ્ટ જેવું પીણું લેતા. ગામડે ગયા અને ઍસિડિટી થઈ. ફ્રૂટસૉલ્ટ હતું નહિ. એક માજીએ અડધા લીંબુના પાણીમાં અડધી ચમચી ખારો (ખાવાનો સોડા) નાખીને આપ્યું. ફ્રૂટસૉલ્ટ જેવો જ ઊભરો આવ્યો અને પિત્ત શાંત થઈ ગયું. ઈનો ફ્રૂટ સૉલ્ટની બોટલ રૂ. ૮૦માં મળે છે. માજીએ બનાવ્યો તે ફ્રૂટસૉલ્ટનો જ પ્રકાર હતો.

- હિતેશ સોંડાગર

May 29, 2012

વસ્ત્રો યોગ્યતાની પહેલી કસોટી

માણસ સજ્જન, કર્મઠ, સેવાભાવી. પંચાયતી રાજમાં ઉચ્ચ સ્થાને હતા ત્યારે ઘણાને મદદ કરેલી. સાદગી એમનો સ્વભાવ અને લોકહિતના કામમાં પ્રાણ પાથરે એવી પ્રકૃતિ. નિવૃત્તિ પછી પણ સેવાકાર્ય ચાલુ. એકવાર કોઈ કામ માટે મંત્રીજીને મળવા સચિવાયલ ગયા. કચેરી ઊઘડી ત્યારથી પટાવાળાને ચિઠ્ઠી આપીને બેઠા, પણ વારો ન આવે. મંત્રીશ્રી એમના પરિચિત અને એમના કામના પ્રશંસક.


વાત જાણે એમ હતી કે ઇસ્ત્રી વિનાનો લેંઘો-ઝભ્ભો અને વધેલી દાઢીથી કોઈ ગરીબ ફરિયાદી જેવા લાગે. સુંદર વસ્ત્રોમાં સજ્જ લોકો બેરોકટોક અંદર ઘૂસી જાય.


સાદાઈ એક ગુણ છે, પણ અતિરેક હાનિકારક છે એવું સમજાવતું એક સુભાષિત છે :


किं वाससा तत्र विचारणीयम्

वासः प्रधानं खलु योग्यतायाः।

पीताम्बरं वीक्ष्य ददौ स्वकन्याम्

चर्माम्बरं वीक्ष्य विषं समुद्रः॥


સુઘડ પહેરવેશ જ યોગ્યતાની પહેલી કસોટી છે, એમાં શંકા નથી. પીતાંબરધારી વિષ્ણુને, સમુદ્રે પોતાની કન્યા લક્ષ્મી આપી, પણ ચર્માંબરધારી શિવને હળાહળ વિષ આપ્યું એવી સમુદ્રમંથનની ઘટના તેનું એક ઉદાહરણ છે.

May 21, 2012

સત્ત્વશીલ માણસ આડંબર ન કરે


હળવદના ભૂદેવોનાં પરાક્રમોની ઘણી લોકકથાઓ છે. એકવાર એક પહેલવાને પડકાર ફેંક્યો કે મારી સાથે કુસ્તી કરનાર આપો, નહિ તો એક સોનાની નાની મૂર્તિ અને અજેય હોવાનું પ્રમાણપત્ર આપો. મહાકાય શરીર, જીતેલી સોનાની મૂર્તિઓનો હારડો પહેરેલો, ડરામણા હાવભાવ કરે. નગર સામે પ્રતિષ્ઠાનો સવાલ ખડો થયો. કુસ્તીબાજો તો હતા, પણ કોઈ હિંમત ન કરે.
એક જવાને ખેતરેથી આવતાં વાત સાંભલી. ખભે હળ સાથે જ નગરચોકમાં પહોંચ્યો, અને હુંકાર કર્યો કે હું લડીશ. સૌ પેલા પ્રચંડ દેહવાળા પહેલવાન સામે જુએ, આ કસાએલા પણ બેઠી દડીના જવાનને જુએ... વિચારે કે આ કઈ રીતે જીતશે? પેલો પહેલવાન બાવડાં ઉછાળે, દેખાડો કરે, આ યુવાન શાંત - છેવટે બે જણ બાથડ્યા અને પેલા જવાને એક જ મુક્કે એ પહેલવાનને ભોં ભેગો કરી દીધો. આડંબર સામે ધીરજ  જીતી  ગઈ.
આડંબર વિશે ‘રામચરિતમ્’ -  માં એક સુભાષિત છે :
तेजस्विनो वितन्वन्ति
प्रारम्भेषु नाऽडंबरम् ।
स्फुरत् प्रतापाश्चरमं
क्रममाणश्चकासति॥
તેજસ્વી વ્યક્તિ, સત્ત્વશીલ માણસ આડંબરનો આશરો નથી લેતા. આજના નેતાઓની જેમ આગમન સાથે જ ‘રોડ શો’ જેવા તમાશા નથી કરતા. સાચા સત્ત્વશીલ લોકો તો પોતાની શક્તિ, સામર્થ્ય પ્રગટ કરીને જ સફળ બનીને જ પ્રતિભા મેળવે છે.

May 12, 2012

અતિલોભ તે પાપ નું મૂળ


એક લોભી માણસ નાળિયેર ખરીદવા ગયો, ભાવ ઘટાડવા દલીલ કરી. દુકાનદારે કહ્યું કે સસ્તું જોઈએ તો આ જગ્યાએ જાઓ. ત્યાં સસ્તું હતું, પણ એમાંય ખેંચતાણ કરી, કંટાળીને વેપારીએ કહ્યું કે સમુદ્રના કાંઠે જાઓ, મફત મળશે. નાળિયેરી ઉપરથી જાતે તોડી લેજો. એ ભાઈ તો ગયા, નાળિયેરી ઉપર ચડ્યા, પણ નાળિયેર તોડતાં પગ છટક્યો ને લટકી પડ્યા. એક ઊંટવાળો આવ્યો તેને લાલચ આપતાં ઊંટ ઉપર ઊભા રહીને બચાવવા મથ્યો, પણ ઊંટ ખસી ગયું. બેય લટક્યા. પછી હાથી આવ્યો, એના મહાવત અને છેલ્લે એક ઘોડેસ્વારનું પણ આમ થયું. બધા એકબીજાના પગ પકડીને લટક્યા. પેલા ભાઈ વજન ખમી ન શક્યા અને પકડ છૂટી ગઈ. બાકીના તો ઘવાયા, પણ એમનો જાન ગયો.
આ બોધવાર્તા સમજાવતું એક સુભાષિત પંચતંત્રમાં છે :
जीर्यन्ते जीर्णतः केशाः
दन्ता जीर्यन्ते जीर्यतः ।
चक्षुः श्रोत्रौ च जीर्यन्ते
तृष्णैरेका तरुणायते ॥
અવસ્થા થતાં વાળ ખરી પડે છે કે ધોળા થાય છે - ર્જીણ થાય છે; દાંત, આંખ, કાન બધાં ર્જીણ થાય છે, ઘરડાં થાય છે. એકમાત્ર તૃષ્ણા - લોભ, લાલચ સદાબહાર - ચિરયૌવના રહે છે. તેથી જ કહેવાયું : અતિલોભ તે પાપ્નું મૂળ.

May 6, 2012

બાહ્ય રૂપ નહિ, આંતરિક સૌંદર્ય મહત્ત્વનું


અષ્ટાવક્ર જનક રાજાના દરબારમાં ગયા, ત્યારે એમનું કદરૂપું શરીર અને વાંકાંચૂંકાં અંગ જોઈને પંડિતો સહિતના દરબારીઓ હસી પડ્યા. જનક રાજા પોતે વિદેહી તરીકે ઓળખાતા વિદ્વાન. તેમની સભામાં પણ વિદ્વાનોનો સત્કાર થાય, શાસ્ત્રાર્થો થાય, પણ અષ્ટાવક્રની અવહેલના થઈ. તેમણે પાછા ફરીને ચાલવા માંડ્યું. જનક રાજાએ કારણ પૂછ્યું. તેમણે જવાબ આપ્યો કે : ‘હું તો પંડિતસભા માનીને શાસ્ત્રાર્થની આશાએ, જ્ઞાનપ્રાપ્તિની આશાએ આવ્યો હતો, પણ અહીં તો ચમારો જ છે, એમને માત્ર ચામડી દેખાય છે, અંદરનું વિત્ત પારખી શકતા નથી.’
આ ભાવના દર્શાવતું એક સુભાષિત છે :
हंसो श्र्वेतः बकः श्र्वेतः
को भेदः बकहंसयोः।
नीरक्षीर विवेके तु
हंसो हंसः बको बकः।।
અર્થાત્ હંસ અને બગલો બંને રંગે તો સફેદ જ હોય છે, એ બેમાં ફરક શો છે ? તેનો જવાબ છે : દૂધ અને પાણી જુદું પાડવાનો - નીરક્ષીર વિવેક કરવાનો વખત આવે ત્યારે હંસ અને બગલો પરખાઈ જાય છે. બાહ્ય રૂપ નહિ, આંતરિક સૌંદર્ય મહત્ત્વનું છે.

Apr 30, 2012

નારીરત્ન જેવું કોઈ રત્ન નથી


અગત્સ્ય મુનિ તપમાં બેઠા હતા. રાક્ષસોએ વન ઉજાડવા માંડ્યું, આક્રમણ કર્યું. ત્યારે ઋષિપત્ની લોપામુદ્રાએ તેમને પડકાર્યા અને ભગાડ્યા એવી કથા છે. લોપામુદ્રા મંત્રદ્રષ્ટા નારીઓમાંની એક છે, માતૃકા કહેવાય છે. ચ્યવન ઋષિએ યજ્ઞમાં અશ્ર્વિનીકુમારોને પણ દેવ તરીકે નિમંત્ર્યા. ઇન્દ્રે યજ્ઞભંગ કરવાનાં તોફાન આદર્યાં. ઋષિપત્ની સુકન્યાએ ધનુષ ઉઠાવ્યું હતું. કલમ, કડછી અને બરછી - ત્રણેમાં સિદ્ધહસ્ત મહિલાઓની એક શ્રૃંખલા આપણા ઇતિહાસમાં છે.
આવી સ્ત્રીઓને ચાણક્યે नास्ति स्त्रीसमं रत्नम् અર્થાત્ સ્ત્રી સમાન કોઈ રત્ન નથી એમ કહીને બિરદાવી છે.
વિદુરનીતિનું એક સુભાષિત છે :
पूजनीयाः महाभागाः
पुण्याश्च गृहदीप्तयः।
स्त्रियः श्रियो गृहस्योक्ता ।
तस्माद् रक्ष्या विशेषतः॥
સ્ત્રીઓ પૂજાપાત્ર છે, પરિવારને પ્રતિષ્ઠા અપાવનારી અને પ્રતિષ્ઠા સાચવનારી કલ્યાણ કરનારી છે, પવિત્ર છે અને પરિવારની શોભા - પ્રતિષ્ઠા છે. તેથી તેમનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ.
ચાણક્ય શતકનો એક શ્ર્લોક કહે છે કે ખેડૂત માટે સુકાળ સુખદાયી અને નીરોગી માણસ સદા સુખી હોય છે, પરંતુ જ્યાં સ્ત્રી ઉપર પ્રેમવર્ષા થતી હોય એ પરિવારમાં તો રોજ આનંદ ઉત્સવ જ હોય છે.

Apr 26, 2012

23 એપ્રિલ વિશ્ર્વ પુસ્તક દિવસ નિમિત્તે


પુસ્તકનો સંગ લાવે જીવનમાં રંગ

23 એપ્રિલ એટલે વિશ્ર્વ પુસ્તક દિવસ. જરા વિચારો પુસ્તકોનું આપણા જીવનમાં શું મહત્ત્વ ? પુસ્તકો વગરની આ દુનિયા કેવી હોત ? શું માનવનો આટલો બધો માનસિક વિકાસ થયો હોત ? આપણી આટલી બધી સભ્યતાઓ વિકસિત થઈ હોત ? શું ગ્લોબલાઈઝેશનની શરૂઆત પુસ્તકો વિના થઈ હોત ? શું માનવી ચંદ્ર સુધી પહોંચી શક્યો હોત ? કદાચ ના ! પુસ્તકો વગર જગત આખું વિચારશૂન્યતાના બવંડરમાં ક્યારનુંય ફંગોળાઈ ગયું હોત... પુસ્તકોમાં એક શક્તિ છે. એક આખા જગતને બદલવાની, સમાજધર્મને કેળવવાની. કદાચ પુસ્તકના આ મહત્ત્વને સમજવા, સમજાવવા અને તેને કાયમ રાખવા જ વિશ્ર્વ આખું 23 એપ્રિલને ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ તરીકે ઊજવે છે. તો આવો 21મી સદીમાં 2012ની 23મી એપ્રિલે આપણે સૌ પુસ્તકોની દુનિયામાં ડૂબકી લગાવીએ....
  • પુસ્તકો વિનાની દુનિયાની કલ્પ્ના તમે કરી શકો ?
  • ગાંધીજી, અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ ની સફળતાનું રાઝ તમને ખબર છે ?
  • પુસ્તકો જ આપણા વિચારશૂન્ય વિચારોમાં સર્જનાત્મકતા લાવે છે.
  • 21મી સદીમાં સફળ થવું હોય તો પુસ્તકો વાંચો.
  • ‘લીડર’  બનવું હોય  તો પહેલાં ‘રીડર’ બનો.
શા માટે ઊજવાય છે 23 એપ્રિલે ‘પુસ્તક દિવસ’
23 એપ્રિલ 1616ના દિવસે એક એવા લેખકે આ દુનિયામાંથી વિદાય લીધી,  જેમનાં પુસ્તકોનો વિશ્ર્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે. એ લેખક એટલે શેક્સપિયર, જેમણે પોતાના જીવનમાં 35 નાટકો અને 200થી વધારે કવિતાઓ લખી છે. સાહિત્યજગતમાં શેક્સપિયરનું નામ ખૂબ ઉચ્ચસ્થાને છે અને તેને ધ્યાનમાં રાખીને જ પુસ્તકોના મહત્ત્વને 21મી સદીમાં પણ જાળવી રાખવા યુનેસ્કો દ્વારા 1995થી શેક્સપિયરની પુણ્યતિથિ, એટલે કે 23 એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જોકે એવું પણ કહેવાય છે કે 1923માં સ્પેનના પુસ્તક વિક્રેતાઓ દ્વારા પ્રસિદ્ધ લેખક મીગુયેલ ડી સરવેન્ટીસને સન્માન આપવા 23 એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ની જાહેરાત કરી હતી. 23 એપ્રિલે આ લેખકનું નિધન થયું હતું. જો કે વિખ્યાત અંગ્રેજ કવિ નાટ્યકાર વિલિયમ શેક્સપિયર સહિત છ જેટલા જગપ્રસિદ્ધ સાહિત્યકારોના જન્મ અને મૃત્યુની તારીખ 23 એપ્રિલ છે. ટૂંકમાં વિશ્ર્વમાં વધુ ને વધુ લોકો વાંચન પ્રત્યે અભિરુચિ કેળવે એવા ઉદ્દેશથી ‘યુનેસ્કો’એ તા. 23મી એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિન’ ઉજવવાનું નક્કી કર્યંુ છે. ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઘડતર કરનારાં પુસ્તકોને સહેલાઈથી સુલભ બનાવી વાંચન પ્રવૃત્તિ કેળવાય એવો આશય આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે.
21મી સદીમાં ચેમ્પિયન બનવા માટે, અદ્ભુત અસાધારણ સફળતા મેળવવા માટે સૌને જરૂર છે ‘ફાઈવ આઈ’ (ઋશીંય ઈં) ની ! ઈમેજીનેશન, ઈન્ફર્મેશન, ઈન્ટેલીજન્સ, ઈનોવેશન અને ઈન્સાઈટ.... અને આ ફાઈવ આઈ મેળવવાનો એક માત્ર માર્ગ છે પુસ્તકો. એવું કહેવાય છે કે એક સાચું પુસ્તક સો મિત્રો બરાબર હોય છે. લેખક અને ચિંતક ગુણવંત શાહ કહે છે કે, ‘જે ઘરમાં બે સારાં પુસ્તકો ન હોય તે ઘરમાં દીકરી ન આપવી.’ પુસ્તક જ્ઞાનનો ખજાનો, જ્ઞાન મેળવવાનું માધ્યમ, એક જ જગ્યાએ જરા પણ હલ્યા વિના સમગ્ર બ્રાંડની સફર ખેડાવનારું જાદુઈ હથિયાર છે. પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે. પુસ્તકો જગતને બદલી શકે છે. પુસ્તકો આપણા જીવનને બદલી શકે છે. પુસ્તકોની પાસે આવી અદ્ભુત તાકાત છે.
‘હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.’
શ્રી લોકમાન્ય ટિળકના આ શબ્દો છે. રિચાર્ડ ડી બરી કહે છે, ‘પુસ્તક એ એક એવો શિક્ષક છે કે જે સોટી માર્યા વગર, કડવાં વચન કે ક્રોધ કર્યા વગર, દાન-દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે.’ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનો મહત્તમ ફાળો છે. ઘણાં પુસ્તકો ઇતિહાસ રચે છે તો ઘણાં વૈચારિક ક્રાંતિના બીજ પણ રોપે છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. પુસ્તકો જ વિશ્ર્વને પ્રેરણા આપીને સામાજિક જાગૃતિનું કામ પણ કરે છે. સ્વામી વિવેકાનંદે સારાં પુસ્તકો વિનાના ઘરને સ્મશાન જેવું ગણ્યું છે....! ઘરને સ્વર્ગ બનાવવામાં પુસ્તકોનો સિંહફાળો છે. પુસ્તકો જ સુસંસ્કારોનું સિંચન કરી વ્યક્તિના વિચારો અને કાર્યોમાં રચનાત્મક પરિવર્તન લાવી વિચાર અને કાર્યમાં રચનાત્મક પરિવર્તન લાવી શકે છે.
પુસ્તક : સફળતાની ચાવી
એક વાત પહેલાં પણ નિશ્ર્ચિત હતી અને આજે પણ એટલી જ નિશ્ર્ચિત છે, કે સફળ થવું હશે તો વાંચવું પડશે. પુસ્તકોની દુનિયામાં ડૂબવું પડશે ! પત્રકાર હોય કે બઁક મેનેજર, બધાએ પુસ્તકો વાંચવાં જ પડશે, સફળ થવું હશે તો. એવું કહેવાય છે કે ‘ન વાંચનાર લોકોએ વાંચનાર લોકોની આંગળી પકડીને ચાલવું પડે છે.’ ‘લીડર’ બનવું હોય તો પહેલાં ‘રીડર’ બનવું જ પડે. ગાંધીજી મહાત્મા કેમ બન્યા? તેમના કર્તૃત્વના કારણે. તેમનામાં એટલાં સુંદર કાર્યો કરવાનું બળ, પ્રેરણા ક્યાંથી આવી ? પુસ્તકોમાંથી ! ગાંધીજી નાતાલથી ડરબન જતા હતા ત્યારે રસ્કિનનું ‘અનટુ ધી લાસ્ટ’ પુસ્તક વાંચ્યું અને ગાંધીજી માટે તે પુસ્તક રાહ ચીંધનારું બની ગયું. જવાહરલાલ નહેરુએ જેલવાસ દરમિયાન પુષ્કળ પુસ્તકો વાંચ્યા હતા. વડદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ પુસ્તક પ્રેમી હતા. પુસ્તકો અને વાંચનનું મહત્ત્વ તે સમજતા હતા. તેમના સમય દરમિયાન તેમના રાજ્યનો એક પણ તાલુકો સમૃદ્ધ લાઈબ્રેરી વિનાનો ન હતો. ભારતના અત્યંત લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડા. એ.પી.જે. અબ્દુલ કલામના ઉત્તમ કામની તો આપણને ખબર જ છે પણ તેમના માનસને ઘડવામાં અગત્યનો ફાળો કોનો છે, ખબર છે ? પુસ્તકોનો જ ! એક વિદ્યાર્થીના પ્રશ્ર્નના જવાબમાં ડા. કલામે કહ્યું હતું કે હું ચાર પુસ્તકોને દિલની નજીક રાખું છું. તેને વાંચીને હું માણું છું. ડા. એલેક્સિસ કેરલેનું ‘મન ધ અનનોન’, તિરુવલ્લુવરનનું ‘તિરુક્કુલ’, આઈશલર વોટ્સનનું ‘લાઈટ્સ ફ્રોમ મેની લેમ્પ્સ’ અને કુરાન આ પુસ્તકો મારા જીવનનાં સાથીદાર છે.
ટૂંકમાં ગાંધીજી હોય કે અબ્દુલ કલામ હોય, સ્વામી વિવેકાનંદ હોય, કે પછી આપણી આઝાદીકાળના વીરલાઓ લોકમાન્ય ટિળક, ટાગોર, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર હોય, મેઘાણી હોય કે મહર્ષિ અરવિંદ હોય, બધાની પાછળ પુસ્તકોનો એક અદ્ભુત ફાળો છે. તેમના મગજમાં સુંદર વિચારોનું સર્જન કરનારું સાધન પુસ્તક જ છે.
ગુલામીકાળ હોય કે 21મી સદીની ઝાકમઝાળ દુનિયા હોય, પુસ્તકો જ દરેક સમસ્યાનો ઉકેલ છે. ઈન્ટરવ્યૂમાં માથું ખંજવાળ્યા કરતાં તર્કબદ્ધ સચોટ જવાબ આપવો છે, મિત્રોની વાતનો દલીલબદ્ધ વિરોધ કરવો છે, અદ્ભુત વાક્છટાથી સૌને પ્રભાવિત કરવા છે ? જો જવાબ હા હોય તો ચિક્કાર વાંચો... પુસ્તકોનો ખજાનો છે. જુદાં જુદાં પુસ્તકો વાંચતા જશો તેમ તેમ તમારી સર્જનાત્મકતા વધતી જશે ! જસ્ટ ટ્રાય.
ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકાલયનો મહિમા
કોમ્પ્યુટર ટી.વી.ના ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકો ટકી શકે ખરાં? એવો પ્રશ્ર્ન જરૂર થાય. પરંતુ ઇલેક્ટ્રોનિક માધ્યમો મોટે ભાગે હિંસા, રોગચાળો, ભૂખમરો, મોત, અશ્ર્લીલતા અને પતન તરફ ધકેલતા ‘પ્રોગ્રામો’ જ વેચે કે વહેંચે છે...! વ્યક્તિના વિચારોના યુદ્ધમાં સારાં પુસ્તક જ સબળ શસ્ત્રો પુરવાર થાય છે. કમનસીબે આજે શિષ્ટ સાહિત્ય વાંચવા કે વસાવવાથી લોકો દૂર ભાગે છે. લોકો બિનજરૂરી અને વાસ્તવિક વસ્તુ માટે ખર્ચ કરે છે, પરંતુ પુસ્તકોની ખરીદીમાં રસ દાખવતા નથી.
પાનના ગલ્લેથી સિગારેટ કે વ્યસન માટે કિંમત ચૂકવવામાં બાંધછોડ ન કરનારો માણસ સારું પુસ્તક ખરીદવામાં પાછો પડે છે...! પણ, અશ્ર્લીલ પુસ્તક પાંચ ગણી કિંમત ચૂકવીને ઉત્તેજનાને જરૂર પોષે છે.. ટાલ્સ્ટાય કહે છે, ‘અશ્ર્લીલ પુસ્તકો વાંચવા એ ઝેર પીવા બરાબર છે.’ ટી.વી.ને કારણે લોકો વાંચનથી વિમુખ થયા છે. આ ઇડિયટ બાક્સે તો વિશ્ર્વના વારસા અને સંસ્કૃતિને માળિયે ચડાવી દીધાં છે...! આપણે એ ન ભૂલવું જોઈએ કે પુસ્તકોનાં મૂળ તો સદીઓ પુરાણાં છે, તેને સહેલાઈથી ઉખેડી શકાય તેમ નથી...!
સફળ થવાનું અને સફળ જીવન જીવવાનું સાચું જ્ઞાન તેને આજે ગ્રંથાલયમાંથી જ મળી શકે તેમ છે. ભલે ઈન્ટરનેટનો યુગ હોય, તેમ છતાં આજે પણ માત્ર પુસ્તકાલયો જ લોકોને સારાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ભૂમિકા ભજવી શકે છે. જૂના જમાનામાં પુસ્તક ઘરની શોભા ગણાતી. લોકો પુસ્તક વાંચતા અને વંચાવતા. આજે પણ પુસ્તક ઘરની શોભા વધારી જ રહ્યું છે. ફરક માત્ર એટલો જ છે તે સમયે પુસ્તકો વંચાતાં, આજે માત્ર શોભાના ગાંઠિયારૂપ સચવાય છે. પુસ્તકોનું મહત્ત્વ આજે ભુલાઈ ગયું છે. કદાચ એટલા માટે જ આપણે ‘દિન’ ઊજવવો પડે છે.
પુસ્તકોનો મહિમા માત્ર આ એક દિવસ પૂરતો જ બની ન રહેવો જોઈએ. પુસ્તકાલયોના માધ્યમથી વધુ ને વધુ લોકો પાસે પુસ્તકો પહોંચે, લોકો પુસ્તકો ખરીદતા થાય, વેકેશનગાળામાં વાંચન શિબિરો અને નવાં પુસ્તકોનાં પ્રદર્શનો યોજાય. તેની સાથે સાથે આપણે પણ સારાં પુસ્તકોનું નાનકડું પુસ્તકાલય ઘરમાં ઊભું કરીએ, સારા-માઠા પ્રસંગોએ સ્નેહીજનોને પુસ્તકોની ભેટ ધરી... ટી.વી. સીડી, રોમ અને ઇન્ટરનેટ તરફ વળેલાં બાળકો-યુવાનોને પુસ્તકોના વાંચનની ટેવ પાડીએ... સૌમાં પુસ્તકપ્રેમ વિકસે એવી શુભ ભાવના-શુભ સંકલ્પ સાથે પુસ્તકદિન ઊજવીએ...!!
મહાનુભાવો અને વાંચન
સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજીનું વાંચન કેટલું વિશાળ હશે એનું એક દ્ષ્ટાંત છે. પાલી અને અર્ધમાગધી જેવી પ્રાકૃત ભાષાઓની હરતીફરતી લાયબ્રેરી ગણાતા એક વિદ્વાન તેમને મળવા આવેલા. ચર્ચા દરમિયાન પોતાનો મુદ્દો પ્રસ્થાપિત કરવા શ્રી ગુરુજીએ ભગવાન બુદ્ધના શબ્દો ટાંક્યા. એનો સંદર્ભ આપ્યો. પેલા વિદ્વાન આશ્ર્ચર્યચકિત હતા, કારણ એમણે આ વાંચ્યું નહોતું. શ્રી ગુરુજીએ પાછળથી એની નકલ તેમને મોકલી આપેલી તેવું યાદ છે.
સ્વામી વિવેકાનંદ પરદેશ યાત્રા દરમિયાન એક પશ્ર્ચિમી વિદ્વાનને મળવા ગયેલા. એ વિદ્વાન સ્નાનગૃહમાં હતા. તેમના ટેબલ પર તેમનું જ એક તાજું પ્રકાશિત પુસ્તક પડ્યું હતું. એ વિદ્વાન આવ્યા ત્યાં સુધીમાં નજર નાખી ગયા અને વાતચીત દરમિયાન એ પુસ્તકના જ સંદર્ભો આપ્યા ત્યારે પેલા વિદ્વાન પણ એમની વાચનક્ષમતા અને ગ્રહણશક્તિ સામે નમી પડ્યા હતા.
પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક ગોષ્ઠિમાં ભાગ લઈ રહ્યા હતા. વિવિધ ક્ષેત્રના વિદ્વાનો અને પીઢ રાજનીતિજ્ઞો પણ તેમાં હતા. એક વક્તાએ ડાબેરી વિચાર આધારિત મુદ્દો ખડો કર્યો, ત્યારે પંડિતજીએ કાર્લ માર્ક્સને ટાંકીને એમને ચૂપ કરી દીધા હતા. વિરોધી વિચારનાં પુસ્તકોનો પણ ગહન અભ્યાસ કરવા તેઓ હંમેશાં આગ્રહ રાખતા.
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને જસવંત ઠાકર જ નહિ જયશંકર સુંદરી પણ અઠંગ વાચક હતા. સુંદરી તો અંગ્રેજી પુસ્તકો બીજા પાસે વંચાવીને પણ સમજતા. ઉપેન્દ્ર ત્રિવેદી આજ પણ તેમના ક્ષેત્રને લગતાં અનેક અવતરણો આપે છે.
એવું કહેવાય છે કે ડા. બાબા સાહેબ આંબેડકરની અડધી જિંદગી લાઈબ્રેરીમાં જ પસાર થઈ હતી. એમને ખૂબ જ વાંચવાનો શોખ હતો. દેવું કરીને પણ વાંચવું જોઈએ એવું તેમનું માનવું હતું. એક જગ્યાએ ખુદ બાબાસાહેબે લખ્યું છે કે, ‘મેં એટલું વાંચન કર્યંુ છે કે કયા પુસ્તકમાં કયા પાને કયો સંદર્ભ છે તે તરત જ મારા ધ્યાનમાં આવી જાય ! ભારત બંધારણ નામના એક પુસ્તકના આધારે ચાલે છે, અને એ બંધારણ ડા. આંબેડકરની દેણ છે. આંબેડકરજી પાસે આ સર્જન કરવાની શક્તિ ક્યાંથી આવી. પુસ્તકો પાસેથી, તેમણે પુષ્કળ વાંચ્યું. આજે મોરારિબાપુની અદ્ભુત વાક્છટા, દ્ષ્ટાંતો અને શાયરી આપણને ગમે છે ને ? મોરારિબાપુ પુષ્કળ વાંચે છે. પુસ્તકો માટે તેમને માન છે.’ સરદાર પટેલ પણ લાઈબ્રેરીમાં કલાકો સુધી વાંચતા.
વિશ્ર્વનો સૌથી જૂનો પુસ્તક મેળો
ફેસ્ટિવલો અને મેળાઓ માટે દુનિયામાં સૌથી પ્રસિદ્ધ દેશ છે, જર્મની. પુસ્તક મેળાની બાબતમાં પણ આ વાત સાચી છે. ફ્રેન્કફર્ટનો પુસ્તક મેળો વિશ્ર્વનો સૌથી જૂનો પુસ્તક મેળો પણ છે. બે વર્ષ પહેલા ભરાયેલા મેળામાં એક ખાસ વિભાગ એવી વિશ્ર્વ પ્રસિદ્ધ કૃતિઓનો હતો, જેના ઉપરથી વિશ્ર્વ પ્રસિદ્ધ ફિલ્મોનું નિર્માણ થયું હોય. ભારતને પણ એની જુદી જુદી ભાષાઓની આવી કૃતિઓ અને એના નામ ઉપરથી બનેલી ફિલ્મો લઈને આવવાનું આમંત્રણ મળ્યું હતું, પણ આપણું સરકારી તંત્ર આ પડકાર ઉઠાવી શક્યું નહોતું. નવી દિલ્હીના વિશ્ર્વ પુસ્તક મેળામાં 38 દેશોએ અને 500 ભારતીય પ્રકાશકોએ ભાગ લીધો. એની સામે ફ્રેન્કફર્ટના મેળામાં 84 દેશોના 7,000 પ્રકાશકો આવે છે અને ગયે વર્ષે તેમાં સાડા ત્રણ લાખ પુસ્તકો મુકાયાં હતા ! ફ્રેન્કફર્ટના મેળાનું રિપાર્ટિંગ કરવા માટે વિશ્ર્વના 6,000 પત્રકારોનો કાફલો ઊતરી પડે છે, ત્યારે આપણા પુસ્તક મેળાની અખબારો કે રેડિયો અને ટી. વી.માં પણ ઉપેક્ષા થાય તો એની જવાબદારી વધુ તો મેળાના આયોજકોની જ ગણાય.
જમાનો છે ઈ-રીડર અને ઈ-બુક્સનો !
ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની ક્રાંતિના કારણે હવે બધું જ આનલાઈન છે. આખે આખી લાઈબ્રેરી તમે તમારા ઘરના ડ્રોઈંગરૂમમાં બેસી ચક કરી શકો છો. અરે, ચક શું હજાર-બે હજાર-પાંચ હજાર પુસ્તકો તમે તમારા હાથની હથેળી જેટલા ઈ-રીડરમાં સાચવી શકો છો, ઈચ્છો ત્યારે, ગમે ત્યાં વાંચી શકો છો. આજે જમાનો છે ઈ-રીડરનો. તમારે પ્રવાસમાં જવું હોય કે ઘરમાં પુસ્તકો રાખવાની જગ્યા ન હોય તો નો પ્રોબ્લેમ ! એક ઈ-રીડર વસાવી લો અને ફટાફટ તેમાં પુસ્તકો અપલોડ કરી દો. એક બસો ગ્રામના ઈ-રીડરમાં તમે હજાર પુસ્તકો અપલોડ કરી શકો. જ્યાં જવું હોય ત્યાં હવે પુસ્તકોના થોથાં નહિ માત્ર મોબાઈલની જેમ ઈ-રીડર સાથે રાખવાનું. ઈ-રીડર એટલે તમારી હથેળીમાં સમાવેલી લાઈબ્રેરી. પુસ્તકોને સાચવવાની, તેને ઉધઈ લાગી જવાની, ફાટી જવાની કોઈ ઝંઝટ નહિ. એક અંદાજ પ્રમાણે લાઈબ્રેરીમાં જનારો વર્ગ આજે ઓછો થઈ રહ્યો છે ત્યારે ઈ-રીડર પુસ્તકોને ઘર-ઘર સુધી પહોંચાડવામાં અગત્યનો ફાળો ભજવશે. બીજી એક અગત્યની વાત છે કે ઈ-રીડર રાખવાથી તમારે પુસ્તકો ખરીદવા પણ નહીં જવું પડે. અમુક પુસ્તકો તો આનલાઈન ડાઉનલોડ કરવા મળે છે અને અમુક પુસ્તકોની કિંમત હોય તો આનલાઈન ઘરે બેઠા ક્રેડિટ કાર્ડ દ્વારા તમે પૈસા ચૂકવી પુસ્તક મેળવી શકો છો. ઈ-રીડર અને ઈ-બુક્સનું વર્ચસ્વ 21મી સદીમાં વધી રહ્યું છે. ટાઈમ(સમય)નો અભાવ ધરાવતા આજના માનવી માટે પુસ્તકો વાંચવા માટે આ એક અદ્ભુત સુવિધા છે.
ટૂંકું ને ટચ
આજે સૌ કોઈ એક વાક્ય તો જરૂર કહેશે કે લોકોની ‘વાચન ભૂખ’ ઘટી રહી છે. વાત પણ સાચી લાગે ! પહેલાના જમાનામાં અને આજના જમાનામાં થોડું તો પરિવર્તન આવે જ ને ! એ જમાનામાં પુસ્તકનું એક આગવું સ્થાન હતું. મનોરંજનનાં સાધનો ઓછાં હતાં માટે લોકો સમયનો ઉપયોગ કરવા થોથાંને થોથાં વાંચી જતા, પણ આજે લોકો પાસે સમય નથી. વાચકો ટૂંકું ને ટચ વાંચવાનું પસંદ કરે છે. કાફી ટેબલ બુક્સનું ચલણ કંઈ એમને એમ નથી વધ્યું ! માત્ર પાંચ મિનિટમાં કાફી પીતાં પીતાં આખા પુસ્તકનો મર્મ સમજાઈ જાય અને મજા પણ આવે તેવી આકર્ષક બુકનું ચલણ વધી રહ્યું છે. પ્રકાશકો પણ આજે નાની નાની પુસ્તિકાઓ અને ટૂંકા લખાણની અપેક્ષા લેખકો પાસેથી વધારે રાખે છે. ફોટોજેનિક અને આકર્ષક લે-આઉટવાળાં પુસ્તકોનું પ્રમાણ આજે વધી રહ્યું છે. છાપાં હોય કે સામયિક, બધાં જ ટૂંકું ને ટચ અને આકર્ષક કરવા કામે લાગી ગયાં છે. આવનારી સદી ‘ટૂંકું ને ટચ’ લખનારા લેખકોની જ હશે ! એ વાત નિશ્ર્ચિત છે.
પ્રકાશન બન્યો વ્યવસાય
આજે પુસ્તક પ્રકાશનનો ધંધો આપણા દેશમાં સંપૂર્ણ રીતે ખીલ્યો છે, પણ દુ:ખની વાત એ છે કે ઉત્તમ પુસ્તકો અને સારા લખાણનું મહત્ત્વ ઘટ્યું છે. આજે વૈચારિક પુસ્તકોનું વેચાણ ઘટ્યું છે અને માહિતીપ્રદ પુસ્તકોનું વેચાણ વધ્યું છે. એક અંદાજ મુજબ આપણે ત્યાં આજે દર વર્ષે 80,000 જેટલા પુસ્તકો પ્રકાશિત થાય છે. જેમાંથી 21,000 જેટલા હિન્દી ભાષામાં, 18000 જેટલા અંગ્રેજી ભાષામાં અને બાકીના પ્રાદેશિક ભાષામાં પુસ્તકો છપાય છે. પુસ્તક પ્રકાશનમાં અમેરિકા, લંડન આપણાથી આગળ છે. એક અંદાજ મુજબ અમેરિકામાં દર વર્ષે 3,00,000 અને લંડનમાં 2,00,000 પુસ્તકો છપાય છે. વિશ્ર્વમાં પુસ્તકોની દ્ષ્ટિએ અમેરિકા, લંડન, ચીન, રશિયા, જર્મની, સ્પેન પછી આપણું સ્થાન સાતમું છે, પણ અંગ્રેજી પુસ્તકોમાં એ સ્થાન ત્રીજું છે... વિશ્ર્વની વસ્તીનો 16 ટકા ભાગ આપણા દેશમાં વસે છે, પણ વિશ્ર્વનાં પુસ્તકોનો માત્ર 3 ટકા ભાગ જ આપણે ત્યાં છપાય છે. એક અંદાજ મુજબ વિશ્ર્વનો સરેરાશ માથાદીઠ પુસ્તક વપરાશ 200 પાનાનો છે, પણ ભારતનો માત્ર 30 પાનાંનો જ છે. આઝાદી બાદ ભારતમાં પુસ્તકોનું મહત્ત્વ વધ્યું છે, પણ તેનો મોટો ભાગ પાઠ્યપુસ્તકોનો છે. આપણી વસ્તીનો માત્ર બે ટકા ભાગ વિદ્યાર્થીઓનો છે અને તેમ છતાં આજે 50 ટકા પુસ્તકો તેમના માટે છપાય છે. પુસ્તક પ્રકાશન આજે વ્યવસાય બની ગયો છે. નફો રળવા નિમ્નકક્ષાનું સાહિત્ય વધુ વેચાઈ રહ્યું છે. પુસ્તકોની કક્ષા હવે ઉતરતી જાય છે... આજે સારાં પુસ્તકો છપાય છે, પણ તેમની સંખ્યા ખૂબ ઓછી છે, જે આજે ચિંતાનો વિષય છે.

- હિતેશ સોંડાગર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વ્યાપ્તિ, શક્તિ અને રીતિ


  • સંઘની રચનામાં ‘પાવર હાઉસ’ સમાન શાખાઓનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાંથી પ્રવાહિત થતી ઊર્જાથી હાલ સમાજ-જીવનનાં અનેકાનેક ક્ષેત્રો ઝળહળી રહ્યાં છે. એક મૂળભૂત સંકલ્પ્ના હંમેશા યાદ રાખવી જોઈએ કે સંઘ સંપૂર્ણપણે સામાજિક સંગઠન છે. કોઈપણ સમાજ ક્યારેય પણ એકસૂરી હોઈ શકે જ નહિ, એટલે કે સમાજજીવનમાં વિવિધ ક્ષેત્રો હોય છે અને રાજનીતિ પણ તેમાંનું એક ક્ષેત્ર છે.
  • 27 ડિસેમ્બર, 2011થી 2012 સુધી પુણેમાં ‘વનવાસી રમતોત્સવ’નું આયોજન વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું,
  • કોઈપણ સંસ્થા રમત મહોત્સવનું આયોજન કરી શકે છે, પરંતુ આ રમત મહોત્સવમાં સંઘની એક ખાસ વિશેષતા પ્રગટ થાય છે. આ મહોત્સવ દરમિયાન પુણેના 1300 પરિવારોએ આ ખેલાડીઓને પોતાના ઘરેથી ભોજન લાવી જમાડી આત્મીય ભાઈચારાનો પરિચય કરાવ્યો હતો.
  • 32 દેશોમાં હિન્દુ સ્વયંસેવક સંઘની 528 શાખાઓ ચાલે છે. અમેરિકામાં 140 અને ઇંગ્લન્ડમાં 70 શાખાઓ છે.
  • આપણો દેશ, આપણું રાષ્ટ્ર અને આપણો સમાજ મજબૂત બને, પરસ્પર સામંજસ્ય અને સહયોગ થકી સંવાદ કરતો થાય, રાષ્ટ્રીયતાનું વાતાવરણ બધાની વચ્ચે સર્જાય તેવો પ્રયાસ જ સંઘના કાર્યકર્તાનો એકમાત્ર આશય છે.
  • આ સંઘના કાર્યકર્તાઓનો સ્વભાવ જ બની ગયો છે. ‘હું નહીં તું’’ એ જ બાબત સંઘકાર્યકર્તાઓ માટે આદર્શ છે .
  • સમગ્ર સમાજને પ્રેમપૂર્વક પોતાની ભુજાઓમાં ભરી સંઘે તેની વ્યાપ્તિ વધારી છે અને એ જ સંઘની શક્તિનું સુદ્ઢ અધિષ્ઠાન છે, માત્ર બુદ્ધિગ્રાહ્ય તત્ત્વજ્ઞાન નહિ.
સંઘ, એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. મહાકવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો આ એક  અસામાન્ય સંસ્થા છે, કારણ કે આજે આપણા દેશમાં સંઘ સિવાય પણ અનેક સંગઠનો કામ કરી રહ્યાં છે, પરંતુ સંઘ એ તમામ સંગઠનોથી સાવ અલગ જ તરી આવે છે. કાવ્યાલંકારોમાં આવતાં ‘અનન્વય’ અલંકારની જેમ સંઘની સરખામણી માત્ર તેની પોતાની સાથે જ થઈ શકે છે, અન્ય કોઈની સાથે નહિ. આ પ્રકારનું અનન્યત્વ મતલબ અદ્વિતીયત્વને સૂચિત કરનાર આ અલંકાર છે. ઉ.દા.
ગગનંગગનાકારં સાગર: સાગરોપમ:
રામરાવણયોર્યુદ્ધં રામરાવણયોરિવ॥
એટલે કે આકાશ આકાશ જ છે. સમુદ્ર સમુદ્ર જ છે અને રામ-રાવણ યુદ્ધ એ રામ-રાવણ યુદ્ધ છે - અનન્ય અદ્વિતીય.
અનન્યત્વ
સંઘનો વિસ્તાર કેટલો વ્યાપક છે તે બતાવતાં કોઈ પણ સંઘની શાખાઓ કેટલી અને એ શાખાઓ ભારતનાં કેટલાં સ્થાનો પર લાગે છે એ જ કહેશે, અને એ બરાબર પણ છે. તાજેતરમાં જ સંઘની જે અખિલ ભારતીય પ્રતિનિધિસભાનું સમાપ્ન થયું તેમાં પ્રાપ્ત આંકડા મુજબ 27997 સ્થાનો પર સંઘની 40891 શાખાઓ લાગે છે એટલે કે આ શાખાઓ દૈનિક રીતે ચાલે છે. આમાં અઠવાડિયામાં એક વાર કે મહિનામાં એક વાર મળનારી શાખાઓની વાત કરીએ તો આવી 15,000 શાખાઓ ચાલી રહી છે. 55891 સ્થાનો પર સંઘના સ્વયંસેવકો નિત્ય ધોરણે એકત્રિત થાય છે. હિન્દુસ્થાન અને વિશ્ર્વભરમાં સંઘ જ  એકમાત્ર એવી સંસ્થા છે જેના છ લાખ કાર્યકર્તા દૈનિક ધોરણે એકત્રિત થાય છે.
મૌલિક સંકલ્પ્ના
પરંતુ આ શાખા, સંઘની સંપૂર્ણ વ્યાપ્તિ નથી, પાવર હાઉસ એટલે કે ઊર્જા પેદા કરવાનું યંત્ર માત્ર છે અને આ ઊર્જાનું વિતરણ કરવા માટે પાવર હાઉસને સક્ષમ, સમર્થ અને નિત્ય સિદ્ધ થવું પણ એટલું જ જરૂરી છે, ત્યારે જ તો આપણાં ઘરોમાં આ ઊર્જા સંચાલિત ટ્યૂબ-ગોળા પ્રકાશિત થઈ શકશે. માટે જ સંઘની રચનામાં ‘પાવર હાઉસ’ સમાન આ શાખાઓનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાંથી પ્રવાહિત થતી ઊર્જાથી હાલ સમાજ-જીવનનાં અનેકાનેક ક્ષેત્ર ઝળહળી રહ્યાં છે. અહીં એક મૂળભૂત સંકલ્પ્ના હંમેશા યાદ રાખવી જોઈએ કે સંઘ સંપૂર્ણપણે સામાજિક સંગઠન છે. કોઈપણ સમાજ ક્યારેય પણ એકસૂરી હોઈ શકે જ નહિ. એટલે કે સમાજજીવનમાં વિવિધ ક્ષેત્રો હોય છે અને રાજનીતિ પણ તેમાંનું એક ક્ષેત્ર છે. ધર્મ, શિક્ષણ, ઉદ્યોગ, ખેતી, કારખાનાં વગેરે દરેક ક્ષેત્રમાં પણ અનેક પેટાવિભાગો હોય છે, આમાં શિક્ષણક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ આવી જાય છે અને સંસ્થાઓ પણ આવી જાય છે અને શિક્ષકો પણ આવી જાય છે, સંચાલકો પણ આવી જાય છે. ઉદ્યોગક્ષેત્રમાં ઉદ્યોગપતિઓ સાથે મજદૂર પણ આવી જાય છે. સંઘના પાવર હાઉસમાંથી ઊર્જા લઈ સંઘના સ્વયંસેવકોએ આ તમામ ક્ષેત્રે પોતપોતાની યોગ્યતા ભરપૂર પ્રમાણમાં પ્રકાશિત કરી છે. કોઈ એને આનુષંગિક સંગઠન કહે છે, કોઈ વિવિધ ગતિવિધિ માત્ર માને છે, તો કોઈ સંઘ પરિવાર કહે છે. આ તમામ શબ્દોમાંથી કોઈપણ શબ્દોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેના મૂળ ઊર્જાસ્રોતનુંં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
સંઘની વ્યાપ્તિ
અ.ભા. પ્રતિનિધિ સભામાં જેમણે પોતાનું વૃત-નિવેદન કર્યંુ હોય એવી સંસ્થાઓની સંખ્યા 35 હતી. લોકોને માત્ર ભાજપ અને વિહિપ જ દેખાય છે, પરંતુ તેઓ પોતાની દ્ષ્ટિને જરા વિસ્તારશે તો તેઓને વનવાસી કલ્યાણ આશ્રમ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ પણ નજર સમક્ષ આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય શીખસંગત, સેવાભારતી, વિદ્યાભારતી, સીમાજાગરણ, પૂર્વ સૈનિક પરિષદ, ઇતિહાસ સંકલન સમિતિ, પ્રજ્ઞાપ્રવાહ અને જેના નામના અંતમાં ભારતી શબ્દ આવે છે તે સંસ્કૃત ભારતી, સહકાર ભારતી, આરોગ્ય ભારતી, લઘુઉદ્યોગ ભારતી, ક્રીડાભારતી તો લોકોને યાદ જ હશે ને! જેમને આ સંસ્થાઓ વિશે ખબર નથી તેવા નેત્રહીનોને નેત્રપૂર્તિ કરવા સક્ષમ, સ્વદેશી વિજ્ઞાન, સાહિત્ય પરિષદ, સામાજિક સમરસતા મંચ અને વિશેષ રીતે આઈસીસીએસ તો યાદ હોવી જ જોઈએ.
આઈસીસીએસ
શું છે આ આઈસીસીએસ? આઈસીસીએસ એટલે કે ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફાર કલ્ચરલ સ્ટડીઝ.’ તાજેતરમાં જ 4થી 7 માર્ચ, 2012 દરમિયાન આ સંસ્થાનું હરિદ્વાર ખાતે સંમેલન થયું હતું. જેમણે ઈસાઈમતના પ્રસાર પહેલાંની પોતાની સંસ્કૃતિ આજે પણ સાચવી રાખી છે એવી 50 સાંસ્કૃતિક પરંપરાઓના 400 જેટલા પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. તેમાં ન્યુઝીલેન્ડના માઓરી હતા, અમેરિકાના ‘કેમાપ્ન’ અને ‘નવ્જો’ હતા. યુરોપમાં જેઓને ‘પેગન’ એટલે કે નક્લી દેવતાઓની પૂજા કરનારા કહીને ધુત્કારવામાં આવે છે તેઓ પણ હતા. 2002માં દિલ્હીમાં આવા સમૂહના એક લેખક ફ્રેડરિક લેમન્ડને મળવાનું થયું હતું. તેઓએ મને તેમનું ‘રિલીજિયન વિધાઉટ બીલીફ’ નામનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. ઓસ્ટ્રિયા નિવાસી એવા ફ્રેડરિક, વિશ્ર્વભરમાં પથરાયેલી આવી સાંસ્કૃતિક - પરંપરાઓનું રક્ષણ અને સંવર્ધન કરવાના સંઘના કામથી ખૂબ જ પ્રભાવિત છે. તેઓ આ તમામ સંસ્કૃતિઓ અને હિન્દુ સંસ્કૃતિમાં સામ્ય હોવાનું પણ કહે છે. આ પણ સંઘનો એક વિશ્ર્વવિક્રમ જ છે.
સંઘની રીત
અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના નામથી તો લોકો પરિચિત છે જ. દેશના વનવાસી વિસ્તારોમાં આ સંસ્થા દ્વારા અનેક એકલ વિદ્યાલય ચલાવવામાં આવી રહ્યાં છે, વિહિપ અને વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ એકલ વિદ્યાલયો ચલાવવામાં આવી રહ્યાં છે, પરંતુ આ તમામમાં વનવાસી કલ્યાણ આશ્રમનું કામ સૌથી વધુ છે. આજે વનવાસી કલ્યાણ આશ્રમના પ્રયાસો થકી ઈસાઈ મિશનરીઓના ધર્માંતર પર જોરદાર લગામ લાગી છે.
ઈશાન ભારતનાં અરુણાચલ, મેઘાલય, અસમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યોની અનેક જનજાતિઓ વસવાટ કરે છે. તેઓની પોતાની કેટલીક આગવી વિશેષતાઓ પણ છે, તો કેટલુંક સામ્ય પણ છે. આ સમાનતાઓને આધારે તેમણે માત્ર પોતાની પરંપરાઓને બચાવી રાખવા માટે જ પોતાની આગવી સંસ્થા બનાવી છે અને વિક્રમસિંહ જમાતિયા આ સંસ્થાના નેતા છે. આ બધું વનવાસી કલ્યાણ આશ્રમના માધ્યમથી શક્ય બન્યું છે. 1 ડિસેમ્બર, 2011ના રોજ અરુણાચલના બ્રપુત્રા નદીના કિનારા પરના પાસીઘાટ પર ‘દોન્પીપોલો’ એટલે કે (ચંદ્ર અને સૂર્ય) ‘એલામ કેબાંગ’ એટલે કે પારંપરિક ધર્મ સંસ્કૃતિ સંગઠન સંસ્થાના રજતજયંતી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલ્યાણ આશ્રમના અધ્યક્ષ જગદેવરાય ઉરાંવ અને અરુણાચલના મુખ્યમંત્રી નાબમ તુકિ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ છે વનવાસી કલ્યાણ આશ્રમની વ્યાપ્તિ.
27 ડિસેમ્બર, 2011થી 2012 સુધી પુણેમાં ‘વનવાસી રમતોત્સવ’નું આયોજન પણ વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 2038 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં 725 મહિલા ખેલાડીઓ પણ હતી.  દેશનાં 24 રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા હતા. કેટલાક લોકો કહેશે કે એમાં શી નવાઈ? કોઈપણ સંસ્થા રમત મહોત્સવનું આયોજન કરી શકે છે, પરંતુ આ રમત મહોત્સવમાં સંઘની એક ખાસ વિશેષતા પ્રગટ થાય છે. આ મહોત્સવ દરમિયાન પુણેના 1300 પરિવારોએ આ ખેલાડીઓને પોતાના ઘરેથી ભોજન લાવી, જમાડી આત્મીય ભાઈચારાનો પરિચય કરાવ્યો હતો.
વિશ્ર્વવિભાગ
આ લેખમાં આગળ વિશ્ર્વવિભાગનો ઉલ્લેખ આવે જ છે. 32 દેશોમાં હિન્દુ સ્વયંસેવક સંઘની 528 શાખાઓ ચાલે છે. અમેરિકામાં 140 અને ઇંગ્લન્ડમાં 70 શાખાઓ ચાલે છે. ગત જાન્યુઆરી માસ દરમિયાન અમેરિકામાં રા.સ્વ. સંઘ દ્વારા સામૂહિક સૂર્યનમસ્કાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13191 લોકોએ ભાગ લીધો હતો અને 10 લાખ 78 હજાર 842 સૂર્યનમસ્કાર કર્યા હતા. અમેરિકાના એક રાજ્યના ગવર્નર, બે સાંસદ સહિત 20 શહેરોના મેયરો દ્વારા અધિકૃત પરિપત્ર દ્વારા આ યજ્ઞને પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. સંઘના નામમાં રાષ્ટ્રીય શબ્દ છે, પરંતુ તેનો વિચાર અને સંગઠન આંતર્રાષ્ટ્રીય બની ગયું છે.
સીમા જાગરણ
સીમા જાગરણ નામના સંગઠનનો પણ આગળ ઉલ્લેખ કર્યો છે. આપણા દેશની સીમા દુશ્મન દેશોના કારણે ખતરામાં છે. તેની રક્ષા માટે આપણું સૈન્ય અને સૈનિકો સજ્જ છે જ, પરંતુ સાથે સાથે તે પ્રદેશોની જનતા પણ સજ્જ છે. સૈનિકો સાથે સ્નેહબંધન અને જનતામાં ધૈર્યબંધનનું કામ સીમા જાગરણ મંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગતવર્ષે 500 સરહદી ચોકીઓમાં 13 હજાર જવાનોને રાખડીઓ બાંધવામાં આવી હતી. આ સ્નેહબંધન સમારોહમાં 2500 પુરુષ અને 1800 મહિલાઓએ ભાગ લીધો હતો. દેશના સૈન્યમાં ભરતી થવા માટે આ મંચ દ્વારા યુવકોને પ્રેરિત કરવાની સાથે પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન સીમા પર દર વર્ષે સેના ભરતી કોચિંગ કેમ્પ્નું આયોજન કરવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવે અને એ જાગૃતિ કાયમ રહે એટલા માટે સીમા સુરક્ષા ચેતના યાત્રા પણ કાઢવામાં આવે છે. ગયા નવેમ્બર મહિનાની 15થી 25 તારીખ દરમિયાન આવી બે યાત્રાઓ નીકળી હતી. એક જમ્મુ-કાશ્મીરના પૂંચ પ્રદેશથી નીકળી તો બીજી કચ્છના નારાયણ સરોવર ખાતેથી અને 25 નવેમ્બરના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ‘ખાજવાલા’માં બંને યાત્રાનો સંગમ થયો હતો. આ યાત્રાઓએ ત્રણ હજાર કિ.મી.નું અંતર ખેડ્યું હતું. તે દરમિયાન 61 સીમા સુરક્ષા સંમેલનોનું આયોજન થયું હતું. બે હજાર ગામોમાં ગ્રામસભાનું આયોજન થયું હતું અને ત્રણસોથી વધુ શાળાઓમાં પ્રદર્શની દ્વારા બાળકોમાં સીમા સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં ક્યારેય પણ આપણી સીમાઓને સંકોચાવા નહિ જ દઈએ એવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. દેશની સાગરસીમા પર પણ નક્કર કામ ચાલી રહ્યું છે. પશ્ર્ચિમ અને પૂર્વ સાગરકિનારાના 62 જિલ્લામાંથી કુલ 46 જિલ્લાઓમાં સીમા જાગરણનું કામ ચાલી રહ્યું છે.
માત્ર દેશને ખાતર
સંઘના કાર્યકર્તાઓએ શાખાના પાવર હાઉસમાંથી ઊર્જા મેળવી સમાજજીવનનાં જે અનેકાનેક ક્ષેત્રોને પ્રકાશમાન કર્યાં છે તે તમામનો સમગ્ર પરચિય આપવો હોય તો એક મોટો ગ્રંથ બને. પરંતુ સંઘપ્રેરિત કાર્યો પ્રચારના ભરોસે  ચાલતાં નથી. પ્રસિદ્ધિની વાત તો જવા દો, પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર સંઘના કાર્યકર્તા પોતાના સેવાના ક્ષેત્રમાં અડગ બનીને ઊભા છે. શું કામ? અને કોને માટે, મંત્રીપદ મેળવવા માટે કે પછી મીડિયામાં છવાઈ જવા માટે? ના... તેઓની આવી કોઈ  પણ વ્યક્તિગત આકાંક્ષાઓ નથી. આપણો દેશ, આપણું રાષ્ટ્ર અને આપણો સમાજ મજબૂત બને, પરસ્પર સામંજસ્ય અને સહયોગ થકી સંવાદ કરતો થાય, રાષ્ટ્રીયતાનું વાતાવરણ બધાની વચ્ચે સર્જાય તેવો પ્રયાસ જ સંઘના કાર્યકર્તાનો એકમાત્ર આશય છે. આ નિ:સ્વાર્થ સેવામાં ઈશ્ર્વરનો સાથ અને આશીર્વાદ મળે  છે, તેથી, તેને માત્ર ને માત્ર સફળતા જ મળે છે. આ બધું સંઘશક્તિના પરિણામે છે. ઘોર સંઘવિરોધી કાઁગ્રેસી નેતા દિગ્વિજયસિંહ પણ કહે છે કે સંઘ પર પ્રતિબંધ લગાવવો શક્ય નથી. આવું કહેવા પાછળનો તેઓનો ઉદેશ્ય શો હોઈ શકે તેની ખબર નથી, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. શું સંપૂર્ણ હિન્દુસમાજ પર પ્રતિબંધ લગાવવો શક્ય છે? જો ના, તો સંઘ પર પણ પ્રતિબંધ લગાવવો અશક્ય છે.
અનુશાસનનું રહસ્ય
સંઘની એક આગવી રીત પણ છે. અનુશાસન સંઘની મુખ્ય વિશેષતા છે અને સંઘમાં સર્વવ્યાપ્ત છે, પરંતુ તેના માટે સંઘમાં સજાની જોગવાઈ નથી. હું જ્યારે સંઘનો પ્રવક્તા હતો ત્યારે એક વિદેશી પત્રકારે મને સંઘના અનુશાસનના રહસ્ય અંગે પ્રશ્ર્ન કર્યો હતો. ત્યારે મેં જવાબ આપ્યો હતો કે અમારે ત્યાં અનુશાસનનો ભંગ કરવા બદલ દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ જ નથી, કદાચ એ પણ આનું કારણ હોઈ શકે. તે પત્રકાર મારા એ જવાબને કેટલો સમજી શક્યો હશે એની તો મને ખબર નથી, પરંતુ હું એક જૂની વાત જણાવું. 1952-53 દરમિયાન સંઘે ગૌહત્યા બંધી માટે હસ્તાક્ષર એકત્રિત કર્યા હતા. તે સમયે અનેક ગૌભક્તો તત્કાલીન સરસંઘચાલક શ્રી ગુરુજીને મળવા માટે આવતા હતા. એક દિવસ લાલા હરદેવ સહાય સાથે એક સાધુ પણ આવ્યા હતા. તેઓએ ગુરુજીને કહ્યું કે એક એવો આદેશ આપો કે સંઘનો કોઈપણ સ્વયંસેવક પોતાના ઘરે ડાલડા ઘી નહિ રાખે. તે સમયે ડાલડા ઘી બજારમાં નવું નવું જ આવ્યું હતું. ગુરુજીએ કહ્યું, આ રીતે આદેશો આપવા એ સંઘની પદ્ધતિ નથી. તે સાધુએ આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, તમે શું કહી રહ્યા છો. હું તો જ્યાં જાઉં છું ત્યાં મને જવાબ મળે છે કે, સંઘનો આદેશ હશે તો અમે આ કરીશું. ગુરુજીએ કહ્યું, આવી આજ્ઞા કરવા માટે અમારી પાસે કઈ દંડશક્તિ (સત્તા) છે? કોઈ સ્વયંસેવક એ આજ્ઞાનું પાલન ન કરે ત્યારે કઈ કલમને આધારે તેને સજા કરીશું? ત્યારે સાધુએ પૂછ્યું કે તો પછી સંઘમાં આટલું બધું અનુશાસન ક્યાંથી આવે છે? ગુરુજીએ કહ્યું, અમે નિત્ય સંઘસ્થાન પર એકત્રિત થઈએ છીએ. અમારી ઢબે કબ્બડ્ડી જેવી રમતો રમીએ છીએ. તેના થકી જ અનુશાસન નિર્માણ થાય છે. ગુરુજીની આ વાત સાથે જ પેલા સાધુના તમામ પ્રશ્ર્નોનું સમાધાન થઈ ગયું. આની સાથે એક બીજું કારણ પણ જોડવું છે અને તે છે સંઘના શ્રેષ્ઠ અધિકારીઓનું વર્તન. એક સામાન્ય મુખ્ય શિક્ષક ‘દક્ષ’ બોલતાંની સાથે જ સરસંઘચાલકથી માંડી તમામ મોટા શ્રેષ્ઠીઓ અધિકારીઓ પગ જોડી સીધા ઊભા રહી જાય છે. તેઓ શિબિરોમાં તમામની સાથે જ રહે છે, બધા જે ભોજન લે છે તે જ તે પણ લે છે. સૌની જેમ જ ગણવેશ પહેરે છે. આચરણના આ સર્વસાધારણત્વને કારણે અહીં એક અલગ જ વાતાવરણનું નિર્માણ થાય છે, જેને સમતા કહેવામાં આવે છે, તેને કારણે આપોઆપ અનુશાસન આવે છે અને આ અનુશાસન સ્વયંસ્વીકૃત અનુશાસન હોય છે. સંઘના આ અનુશાસનને કારણે સંઘને કેટલાક લોકો ફાસિસ્ટ તરીકે જુએ છે એ હાસ્યાસ્પદ છે, કારણ કે સંઘમાં આ અનુશાસન આવ્યું છે તે દંડને કારણે નહિ આપોઆપ આવ્યું છે. કાર્યક્રમ શરૂ થશે તો તેના નિયત સમયે જ, કેટલાય લોકોને મોડા આવવામાં પોતાની પ્રતિષ્ઠા દેખાય છે, પરંતુ સંઘમાં વાતાવરણ સાવ અલગ જ હોય છે. આટલા મોટા સંગઠનમાં ક્યારેય અનુશાસનનો ભંગ થયો નહિ હોય એવું પણ નહિ હોય, પરંતુ ક્યારેય અનુશાસનના ભંગને લઈને કોઈના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સાંભળ્યું છે ? ના... કારણ કે આ અનુશાસન સ્વયંસ્વીકૃત છે, અને  એ  પદ્ધતિ  સંઘની  રીત છે.
સંઘકાર્યવાહની ચૂંટણી
ગત 17 તારીખે સંઘના સરકાર્યવાહની ચૂંટણી થઈ હતી. સામાન્ય રીતે ચૂંટણીઓ દરમિયાન અન્ય સંગઠનોમાં પદ માટે સંભવિત  ઉમેદવારોના નામની ચર્ચા, કોણ પાછળ-કોણ આગળ એવું ગરમાગરમ વાતાવરણ હોય છે, પરંતુ સંઘમાં વાતાવરણ તદ્દન અલગ જ હોય છે. પોતાનાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં શ્રી ભૈયાજી જોશી એક નાનકડું નિવેદન કરીને બધાનો આભાર માનીને મંચ પરથી નીચે ઊતર્યા. ત્યારબાદ પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને વિખ્યાત ડા. શ્રી અશોકજી કુકડેને નિર્વાચન અધિકારી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. તેમણે બંધારણની જોગવાઈઓનો ઉલ્લેખ કરી સરકાર્યવાહના પદ માટે નામ સૂચવવા કહ્યું. દિલ્હીના ડા. બજરંગલાલ ગુપ્ત દ્વારા શ્રી ભૈયાજી જોશીનું નામ સૂચવવામાં આવ્યું. કેરળના શ્રી મોહન અને બંગાળના શ્રી રણેન્દ્રનાથ બંદોપાધ્યાયે તેમનું સમર્થન કર્યું. ત્યારબાદ નિર્વાચન અધિકારીએ અન્ય નામ આવવાની રાહ જોઈ, પરંતુ અન્ય કોઈનું નામ ન આવ્યું. ત્યારબાદ તેઓએ ભૈયાજી જોશીની અગામી 3 વર્ષ સુધી સરકાર્યવાહક તરીકે નિમણૂક થઈ ગઈ હોવાની ઘોષણા કરી હતી. ભૈયાજી મંચ પર આવ્યા. સરસંઘચાલકજીએ તેમને હાર પહેરાવ્યો અને કાર્યક્રમ  પૂરો  થયો.
ત્યારબાદ ભૂતપૂર્વ સરસંઘચાલક શ્રી સુદર્શનજીએ, તૃતીય સરસંઘચાલક શ્રી બાળાસાહેબ દેવરસજીએ પોતાના વિશે કહેલી એક રસપ્રદ વાત કહી. એક વ્યક્તિ ટ્રેનમાંથી રેલવે સ્ટેશન પર ઊતરતો હતો. પરંતુ તે વિચિત્ર રીતે ડબ્બા તરફ મોં રાખી ઊતરી રહ્યો હતો. સ્ટેશન પર ખૂબ જ ભીડ હતી, અને બધા જ મુસાફરો ટ્રેનમાં ચડી જવા ઉતાવળા હતા. લોકોને લાગ્યું કે એ વ્યક્તિ ઊતરનાર નહીં ચડનાર છે, માટે લોકો તેને અંદરની તરફ ધકેલી રહ્યા હતા. છેવટે ગાડી ઊપડી ગઈ. પેલો અંદર ને અંદર જ રહ્યો. બાળાસાહેબે કહ્યું હતું કે આવી જ કંઈક હાલત મારી પણ છે. દરેક વ્યક્તિ મને અંદરની બાજુ ધકેલી રહ્યો છે જ્યારે મારે બહાર નીકળવું છે. સુદર્શનજીનો આ રમૂજી ટૂચકો સાંભળી તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. ત્યારબાદ સહસરકાર્યવાહ શ્રી સુરેશજી સોનીએ એનાથી પણ વધુ કમાલની વાત કરી. તેમણે કહ્યું કે ટ્રેનમાંથી ઊતરનાર એ માણસ અતિશય જાડો હોવાના કારણે ટ્રેન તરફ મોં રાખીને ઊતરી રહ્યો હતો, જેને કારણે અનિચ્છાએ પણ ટ્રેનમાં પાછો ધકેલાઈ ગયો. પણ ભૈયાજી જોશી તો બિલકુલ જાડા નથી. અમારે તમામને તેઓ સરકાર્યવાહક તરીકે જોઈએ છે, માટે તેમની પસંદગી કરવામાં આવી  છે.
સંઘમાં આવું જ હોય છે. આ સંઘના કાર્યકર્તાઓનો સ્વભાવ બની ગયો છે. ‘હું નહીં તું’’ આ જ બાબત સંઘકાર્યકર્તાઓ માટે આદર્શ છે અને આ આદર્શને અનુકૂળ  સંઘની સીધી, સરળ અને સ્નેહાળ કાર્યપદ્ધતિ બની છે, જે સંઘની સૌથી મોટી તાકાત છે. સમગ્ર સમાજને પ્રેમપૂર્વક પોતાની ભુજાઓમાં ભરી સંઘે તેની વ્યાપ્તિ વધારી છે અને એ જ સંઘની શક્તિનું સુદ્ઢ અધિષ્ઠાન છે, માત્ર બુદ્ધિગ્રાહ્ય  તત્ત્વજ્ઞાન  નહિ.
-  મા. ગો વૈદ્ય

Apr 21, 2012

સાચો હિતૈષી : સ્પષ્ટવક્તા


એક લોકકથાના બે યુવાનો કમાવા માટે પરદેશ જતા હતા. બેમાંથી એક પ્રામાણિક, બીજો શઠ. એક નગરમાં શેઠ લક્ષ્મીદાસની જાહોજલાલી જોઈને જોઈને પેલો શઠ સીધો શેઠાણી પાસે પહોંચી ગયો. એ ભલી બાઈને મીઠી વાણીથી ભરમાવીને, દૂર દૂરનું સગપણ કાઢ્યું અને તેમની ભલામણથી શેઠને ત્યાં રહી પડ્યો.
પ્રામાણિક યુવાને શેઠની રજા માંગી. તારે કામ નથી જોઈતું ? જવાબમાં તેણે કહ્યું કે જુઠ્ઠું બોલીને કંઈ ન જોઈએ. આપે જેને રાખ્યો છે, એ આપ્ના શ્ર્વસુર પક્ષનો નથી, ઠગ છે. એણે બધી વાત કરી, અને ગયો. આખરે શઠનો ભાંડો ફૂટ્યો. એને મારીને કાઢી મૂક્યો, અને મજૂરી કરતા પ્રામાણિક યુવાનને હિસાબનીશ બનાવ્યો, છેવટે જમાઈ બનાવ્યો.
પંચતંત્રનું સુભાષિત એને સમર્થન આપે છે.
प्रियं वा यदि वा द्वेष्यं
शुभं वा यदि वाऽशुभम् ।
अस्पृष्टोऽपि हितं बूयात्
यस्य नेच्छेत पराभवम् ॥ (પંચતંત્ર)
જેનું અહિત ન ઇચ્છતા હોઈએ તે પોતે ન પૂછે તો પણ ગમતી કે અણગમતી, સારી કે ખરાબ વાત સ્પષ્ટ શબ્દોમાં કહેવી જોઈએ. એ જ સાચો હિતૈષી છે.

Apr 14, 2012

સંસ્કારી નિરભિમાની જીવનનો આદર્શ


એક નગરના મોટા શેઠ. બહોળો વેપાર. સજ્જન માણસ. સાવ નિર્ધન અવસ્થામાંથી સ્વ-બુદ્ધિથી જમાવટ કરેલી. નોકરચાકર, ગ્રાહકો, સગાસંબંધી સૌની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર. એમનો દીકરો, લાડકોડમાં ઊછર્યો. પાણી માગે ત્યાં દૂધ મળે. કોઈનું નિયંત્રણ નહિ. તેથી ઉચ્છૃંખલ બની ગયો.
જવાબદારી આવતાં સુધરશે એ આશાથી તેને પેઢીએ બેસાડ્યો. જવાનીનું જોશ, તેમાં માલિકીની સત્તા ભળી, ધનની તો કોઈ ખોટ નહોતી. પરિણામે, જૂના ધંધાની અંદરની વાતો જાણનારા સેવકો-મુનીમ વગેરેનું અપમાન કરે, કેટલાકને કાઢી મૂક્યા, કેટલાક જતા રહ્યા. જુગારના - સટ્ટાના રવાડે ચડીને ભારે ખોટ કરી. યૌવન, સત્તા, ધન અને વિવેકહીન વ્યવહારે પેઢીને ડુબાડી.
આ બાબત સમજાવતું હિતોપદેશનું એક સુભાષિત છે :
यौवनं धनसंपत्तिः
प्रभुत्वं अविवेकिता।
एकैकमपि अनर्थाय
किमु यत्र चतुष्टयम्।
યૌવન, ધનસંપત્તિ, સત્તા અને વિવેકહીનતા પૈકી એકનો અતિરેક પણ અનર્થ સર્જનારો છે, તો, આ ચારે ભેગાં થાય ત્યારે કેટલો અનર્થ સર્જાય?
આવા નબીરાની રંજાડનાં ઉદાહરણો આજે શોધવાં પડે તેમ નથી. બાપ્ના ઊંચા હોદ્દાનો દુરુપયોગ પણ સામાન્ય છે. નિયંત્રિત યૌવન, સંપત્તિનો દુર્વ્યય નહિ,  સત્તાનું અભિમાન નહિ અને વિવેકી વ્યવહારનો કોઈ વિકલ્પ નથી.

Apr 8, 2012

ઊંચું આસન શ્રેષ્ઠત્વ ન આપે


સ્વ. દત્તોપંત ઠેંગડીજીએ એક પ્રવચનમાં ઉદાહરણ આપેલું કે નેપાલિયન સર્વસત્તાધીશ બન્યા પછી બદલાઈ ગયો હતો, અહંકારી બની ગયો હતો. તે કહેતો કે પદના આધારે જ શ્રેષ્ઠતા મપાય. તે 11111નું ઉદાહરણ આપીને કહેતો કે તેમાં છેલ્લે આવેલા એકડાની કિંમત એક છે, પછીનાની દસ અને સૌથી પહેલા એકડાની કિંમત દસ હજાર છે. એના સ્થાનને કારણે એનું ઉચ્ચ મૂલ્ય છે.
આવી જ વાત ભારતના એક સંતને કહેતાં તેમણે કહ્યું કે એ ભ્રમ છે. ભારતની સંકલ્પ્ના જુદી જ છે. તેમણે નીચેનું સુભાષિત કહીને આ સંકલ્પ્ના સમજાવી :
उच्चासन गतो नीचः
नीच एव न चोत्तमः।
प्रासादशिखरस्थोऽपि
काको न गरुडायते॥
ઊંચા આસને બેસવાથી નીચ માણસ ઉત્તમ નથી બનતો. કાગડો મહાલયના સુવર્ણકળશ પર બેસે તો પણ ગરુડ નથી કહેવાતો. આજ આવી અનુભૂતિ થાય છે? કાગડાને ઓળખીએ અને દૂર કરીએ.

Apr 2, 2012

લૂલીને વશ રાખો


કોઈ એક દરદી એક ડાક્ટર પાસે દવા લેવા પહોંચ્યો. તે હાંફતો હતો.
ડાક્ટરે તેની તપાસ કરી અને હાંફવાનું કારણ પૂછ્યું. દરદીએ કહ્યું, હું દવાખાને આવતો હતો ત્યાં રસ્તામાં બે જણ ઝઘડતા હતા. મેં તેમને ન ઝઘડવાની ઘણી સલાહ આપી પણ તે ન માન્યા અને બંને જણ મારી પાછળ પડ્યા. હું રસ્તો બદલી ઝડપથી ચાલતો દવાખાને આવ્યો એટલે હાંફી ગયો.
ડાક્ટરે કહ્યું, ‘તમારે બે દિવસ સાવ એકાંતમાં આરામની જરૂર છે. દવાની નહિ.’
‘પણ ડાક્ટર સાહેબ, દવા વિના આ હાંફ કેવી રીતે મટે?’
‘જુઓ, ડાક્ટર બોલ્યા, ‘તમારે માત્ર આરામની જરૂર છે. આરામ એ જ તમારી દવા છે.’
‘પણ...’
દરદીને બોલતો અટકાવી ડાક્ટર બોલ્યા, ‘તમે એકાંતમાં આરામ કરશો એટલે જીભને પણ આરામ મળશે, પરિણામે તમારી હાંફ મટી જશે.’

Mar 26, 2012

ક્યારેક જૂઠાણું પણ સત્યથી મહાન બની જાય છે


એક વખત એક રાજાએ એક કેદીને મૃત્યુદંડની સજા ફરમાવી.
ઉશ્કેરાયેલા કેદીએ રાજાને ન કહેવાય એવી ગંદી ગાળો દીધી.
આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો.
અન્ય કામમાં પરોવાયેલા રાજાનું ધ્યાન કેદી તરફ ન હતું. તે શું બોલ્યો એ જાણવા તેમણે મહામંત્રી સામે પ્રશ્ર્નસૂચક નજરે જોયું.
મહામંત્રીએ કહ્યું, ‘મહારાજ, કેદી કહે છે કે જે ક્ષમા આપી શકે છે તેની ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે.’
રાજા આ સાંભળી અત્યંત રાજી થયો અને કહ્યું, ‘હું કેદીને ક્ષમા આપું છું. તેને મુક્ત કરી દ્યો.’
પાસે ઊભેલા મંત્રીને આ ન ગમ્યું. તે બોલ્યા, ‘મહારાજ, તે કેદી તો આપ્ને ગંદી ગાળો દેતો હતો. મહામંત્રીએ આપ્ને જૂઠું કહ્યું.’
રાજાએ મંત્રીને કહ્યું, ‘આપ્ની સાચી વાત કરતાં મહામંત્રીની જૂઠી વાત મને વધુ ગમી, કારણ તેમની જૂઠી વાતમાં પણ કેદીની ભલાઈ ડોકાતી હતી અને આપ્ની સાચી વાતમાં પણ મને આપ્ની ઈર્ષ્યા અને દ્વેષની દુર્ગંધ આવી.’
દરબાર શાંત હતો.
મુક્તિ પામેલા કેદીએ રાજાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને હવેથી ક્યારેય ગુનો ન કરવાની  પ્રતિજ્ઞા  લીધી.

Mar 22, 2012

‘હા પસ્તાવો વિપુલ ઝરણું’ - કલાપી


મહાન કવિ કલાપી
ગુજરાતના કવિ કલાપીનું ગુજરાતની પ્રજાને બહુ મોટું પ્રદાન છે. ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે. કલાપી એક સંવેદનશીલ અને કોમળ હૃદય ધરાવનારા કવિ થઈ ગયા... જોકે ખરેખર તો એ જ કવિ કહેવાય. કલાપી કેટલાક અમર ઉદ્ગારોનો વારસો કવિતારૂપે આપણા માટે મૂકતા ગયા છે. અંગ્રેજ કવિ શેલીએ લખ્યું છે, ‘કાવ્ય એ ઉત્તમ મનની ઉત્તમ ક્ષણોની ઉત્તમ નોંધ છે.’ આ વાત કલાપીની પંક્તિઓને પણ સંપૂર્ણપણે લાગુ પડે છે. કવિનું સમાજ પર મોટું ઋણ છે કારણ કે તે માણસને ઢંઢોળે છે, હચમચાવી મૂકે છે, જાગ્રત કરે છે. તેની સંવેદના તેના શબ્દો થકી અનેક હૃદયો સુધી પહોંચે છે. કવિ હંમેશા કાલાતીત હોય છે. તેના શબ્દો શાશ્ર્વત હોય છે. કલાપીની આવી જ બે પંક્તિઓ જોઈએ...
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
પસ્તાવો એ હૃદયના ઊંડાણમાંથી જન્મેલી શ્રેષ્ઠ વૃત્તિ છે. જીવનમાં ભૂલો કોણ નથી કરતું? ભૂલો કરવી એ માનવ હોવાની નિશાની છે. પ્રશ્ર્ન એ છે કે પોતે કરેલી ભૂલનો પસ્તાવો કેટલાને થાય છે? માણસને જ્યારે ભૂલનો પસ્તાવો થાય ત્યારે તે સામાન્ય માણસ મટીને સંત બની જાય છે. ચોર, લૂંટારાને પણ ભૂલ થયા પછી પસ્તાવો થયો અને તે લૂંટારામાંથી સંત બની ગયાનાં ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે.
ભૂલ કરવી ખોટું નથી... તે સહજ છે, પરંતુ તેનો પસ્તાવો ન થવો તે ખોટું છે. માણસનો અહંકાર તેને તેની ભૂલનો સ્વીકાર કરવા દેતો નથી. ભૂલનો સ્વીકાર જ ન હોય ત્યાં પસ્તાવાની તો વાત જ ક્યાં આવી? ભ્રષ્ટાચારમાં ડૂબેલા રાજકારણીઓના ચહેરાઓ જુઓ તો જણાઈ આવશે કે તે ચહેરાઓ પર પસ્તાવાનું કોઈ ચિહ્ન નથી. તેઓ કોઈ પરાક્રમ કર્યું હોય તે રીતે ફરતા હોય છે. પસ્તાવાનો અભાવ માણસને પશુતુલ્ય અવસ્થામાં જ રાખે છે.
પસ્તાવો સાધારણ અને અસાધારણ વચ્ચેનો તફાવત છે. ભૂલ કરનારો સામાન્ય માણસ પસ્તાવા પછી અસાધારણ બની જાય છે. તેથી અહીં પસ્તાવાને ઝરણું કહ્યું છે. ઝરણું શીતલ હોય છે, આહ્લાદક હોય છે અને પ્રસન્ન કરનારું હોય છે. ઝરણા પાસે ઘડીભર બેસવાનું મન થાય છે. ઝરણું આકર્ષક હોવાથી પશુ, પંખી, માનવ... બધાં તેની પાસે ખેંચાઈને આવે છે. આપણને ભૂલ કરનાર પ્રત્યે ભલે નફરત હોય પરંતુ પોતાની ભૂલનો પસ્તાવો કરનાર ગમવા માંડે છે. પસ્તાવો ભૂલની અસરને ધોઈને પુણ્યના માર્ગે લઈ જાય છે. પસ્તાવો ઉપરની ઉડાનનું લોંચિંગ પડ છે. પસ્તાવામાં પડેલી દિવ્ય શક્તિના કારણે કવિ કહે છે કે તે સ્વર્ગથી ઊતરેલુ ઝરણું છે. ઝરણાનો સ્વભાવ પથ્થરને અવગણવાનો અને તોડવાનો છે. દૈવી સંકેતથી પ્રાપ્ત થયેલ પસ્તાવારૂપી ઝરણું ભૂલરૂપી પથ્થરને ભાંગીને આગળ વધે છે. પસ્તાવો એ આંતરિક પરિવર્તનની સૂક્ષ્મ પ્રક્રિયા છે. તે ડંખ, કટુતા, ઘા... ને દૂર કરીને પ્રેમનું મધુર સામ્રાજ્ય સ્થાપે છે. તેથી કવિ કહે છે ‘પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’ પાપ અને પુણ્યનો અર્થ અહીં વ્યાપક રીતે લેવાનો છે. પાપ એટલે અશુદ્ધિ અને પુણ્ય એટલે શુદ્ધિ. પસ્તાવારૂપી રસાયણ અશુદ્ધ મનને શુદ્ધ બનાવે છે.
કશેક વાંચેલ એક વાક્યનું સ્મરણ થાય છે કે ‘પાપ અને પુણ્યનો જાહેરમાં જો એકરાર કરવામાં આવે તો બંને બળી જાય છે’ (મોટાભાગે શ્રી હીરાભાઈ ઠક્કરનું આ વાક્ય છે). માણસ બધાની વચ્ચે પોતાની ભૂલ કબૂલ કરે તો જાણે-અજાણે તે માફ થઈ જાય છે. પસ્તાવારૂપી ન્યાયાધીશ તમને તમારી ભૂલ માટે પણ નિર્દોષ જાહેર કરીને છોડી દે છે, જો તમે કબૂલ કરો તો.
મોટા ભાગે ભૂલનો સ્વીકાર તો નથી જ, વધારામાં તેને છાવરવાના પ્રયાસો કરવામાં આવે છે. એક ભૂલને છુપાવવા બીજી અનેક ભૂલો કરવા માણસ તૈયાર થઈ જાય છે. જેનામાં નૈતિક હિંમત હોય તે જ ભૂલ કબૂલ કરી શકે.
પતિ-પત્ની, શિક્ષક-વિદ્યાર્થી, અધિકારી-કર્મચારી શેઠ-નોકર પ્રમાણિકતાપૂર્વક ભૂલનો સ્વીકાર કરે તો અરસપરસ પ્રેમનો સેતુ બંધાય, સંબંધોની ગુણવત્તા સુધરે.
આજનું મેડિકલ સાયન્સ પણ પ્રેમ, દય, ક્ષમા, પસ્તાવો જેવાં લક્ષણોને ઔષધિ કે ઉપચાર તરીકે સ્વીકારે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ... જેવામાં તેનાથી રાહત મળે છે.
એકવાર એક શાપિંગ મોલ પાસે એક જગ્યાએ હું મારું સ્કૂટર પાર્ક કરવા જતો હતો. તેવામાં સિક્યુરિટીવાળો આવ્યો અને જોરથી બૂમો પાડીને કહેવા લાગ્યો, ‘સા’બ યહાં સ્કૂટર નહીં રખનેકા. જરા તો સમજો!’ મેં તેને હસીને કહ્યું, ‘માફ કરના, આપકી બાત સચ હૈ. દૂસરે લોગોંકો આનેજાનેમેં તકલીફ હોતી હૈ.’ મારા આશ્ર્ચર્યની વચ્ચે પેલો એટલો બધો ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો ‘હાં સા’બ, ઇસલિયે બોલના પડતા હૈ.’ તેણે પોતે મારું સ્કૂટર પાર્ક કરી આપ્યું.
ભૂલ કબૂલ કરવી, પસ્તાવો જાહેર કરવો એક જાદુ છે. ભલભલાને પિગળાવી દેનારુ તે જાદુઈ ઝરણું છે.

- અરુણ યાર્દી

Mar 21, 2012

સંપૂર્ણ સ્વાસ્થ્યની ગુરુચાવી... - હિતેશ સોંડાગર


  • તમારે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવું છે?
  • તમારા મેડિકલ બિલને ઝીરો કરવું છે?
  • તમારા શરીરને તાજગીથી ભરી દેવું છે?
  • તમારે સ્વચ્છ-સુઘડ-તંદુરસ્ત શરીરના માલિક બનવું છે?
  • કંટાળો, આળસ, બગાસાને તેમજ દરરોજ લેવાતી પેઇન કિલર ટેબલેટને તમારે તમારા જીવનમાંથી તીલાંજલિ આપી દેવી છે?
  • તમારે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવું છે?
  • જો જવાબ હા હોય તો અનુસરો આ કેટલીક સામાન્ય બાબતોને!
તંદુરસ્તીનો ગુરુમંત્ર
  • નિયમિત ઊંઘવું અને ઉઠવું...
  • નિયમિત યોગ્ય આહાર
  • નિયમિત માત્ર 30 મિનિટની  હળવી કસરત
  • અને મનની શાંતિ માટે  નિયમિત ધ્યાન
શું તમે તંદુરસ્ત છો?
cover-story.jpgતંદુરસ્ત વ્યક્તિને સવાર-સાંજ કકડીને ભૂખ લાગે છે. તંદુરસ્ત વ્યક્તિને પથારીમાં સૂતાં જ ઊંઘ આવી જાય છે. તંદુરસ્ત વ્યક્તિ સવારે ઊઠતાં જ ભરપૂર તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરે છે. તંદુરસ્ત વ્યક્તિને દરરોજ યોગ્ય સમયે કુદરતી હાજત થાય છે. તંદુરસ્ત વ્યક્તિમાં ગરમી અને ઠંડી સહન કરવાની ક્ષમતા હોય છે. તંદુરસ્ત વ્યક્તિને શારીરિક શ્રમ બદલ વધુ થાકનો અનુભવ થતો નથી.
ઉપર મુજબનો અનુભવ તમને થતો હોય તો તમે સંપૂર્ણ સ્વસ્થ છો નહિ તો...? યાદ રાખો ‘સ્વસ્થ શરીર, તેજ દિમાગ અને શક્તિશાળી મન જ તંદુરસ્તીની વ્યાખ્યા છે. જો આ વ્યાખ્યામાં તમે ફીટ ન બેસતા હો તો ‘ફીટ’ થવા તૈયાર થઈ જાવ...
રાત્રે આઠ કલાકની ઊંઘ પછી સવારે ઊઠતા વેંત આપણી સારવારની સમસ્યા અફઘાન યુદ્ધ, કાશ્મીર હિંસા, બેકારી, મોંઘવારી, લૂંટ-ફાટ-ખૂન છે કે પછી બીપીની ગોળી, અસ્થમાનો પંપ, પેઇન ક્લિર, આળસ, શરીર તૂટવાની સમસ્યા વગેરે છે. આપણી ગંભીર સમસ્યા તો આપણી નાદુરસ્ત તબિયતની છે. આતંકવાદ કરતાં વધારે ચિંતા આપણે આપણા આરોગ્યવાદની કરવાની જરૂર છે. આજે અર્થશાસ્ત્ર નહિ પણ આરોગ્યશાસ્ત્રને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે. આપણા જીવનનો આજે જે રિયલ પ્રશ્ર્ન છે તે આપણી હેલ્થનો છે.
21મી સદી માહિતીની સાથે સાથે ફ્ટિનેસની પણ છે. પણ તેમ છતાં ફિટનેસ, તંદુરસ્તીના વિષયની આપણે અવગણના જ કરી છે. આજે ખરેખર તો શાળામાં માહિતીની સાથે સાથે આરોગ્યશાસ્ત્ર ભણાવવાની જરૂર છે. તંદુરસ્તી હશે તો માહિતી મેળવવાને લાયક રહેશો. પહેલું સુખ તે જાતે નર્યા. આ યુગમાં તમે ગમે તેટલા ઇન્ટેલીજન્સ હશો પણ તમારી પાસે સમયસૂચકતા નહિ હોય, તમે જમાનાથી કદમથી કદમ નહિ મીલાવી શકતા હો તો તમે તરત જગતની આ હરીફાઈમાંથી દૂર ફેંકાઈ જશો. જો તમારે હરીફાઈની આ દુનિયામાં હંમેશાં અવ્વલ રહેવું હશે તો તમારે બુદ્ધિની સાથે સાથે તંદુરસ્તી, ફ્ટિનેસની પણ જરૂર પડશે જ! આજે દુનિયા હેલ્થ પ્રત્યે જાગ્રત થઈ છે પણ તંદુરસ્તીને તે હજુ સમજી શકી નથી. હોલીવૂડ-બોલીવૂડના હીરોએ આપણી સામે જે ફિટનેસ મૂકી છે તેને જ આપણે તંદુરસ્તી સમજીએ છીએ. શું ફિટનેસ એટલે બાવડેબાજ સલમાનખાન, સંજય દત્ત જેવું ગઠ્ઠાદાર શરીર? ના ખરેખર આ ફિટનેસ નથી! ફિટનેસ તંદુરસ્તી એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય. ફ્ટિનેશનો ખરો અર્થ સમજાવતાં લેખક મુકુંદ મહેતા પોતાના એક લેખમાં લખે છે કે ‘અમેરિકન કાઉન્સિલ આફ ફિઝીકલ ફિટનેસ એન્ડ સ્પોટ્ર્સના ચેરમેનના જણાવ્યા પ્રમાણે ‘જ્યારે તમે તમારા આખા દિવસનું કામ - ગૃહિણી હોય કે નોકરિયાત વ્યક્તિ, વેપારી હોય કે કાલેજીયન સંપૂર્ણ શક્તિથી કંટાળા કે થાક્યા વગર કરો અને છતાં તમારી પાસે કોઈ નવું ઓચિંતું કામ આવી પડે ભલે પછી તે શારીરિક કે માનસિક હોય, તે તમે સ્વસ્થ મને કરી શકો, તેને કરવામાં તમને થાક કે કંટાળો ન આવે, તો તેને ખરી તંદુરસ્તી કહી શકાય. સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિની શારીરિક ક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે અને સ્ટ્રેસ લેવલ નહીંવત હોય છે. આ ભાગ-દોડના જમાનામાં આવા તંદુરસ્ત માણસો તમને મળી જ રહેશે! આ લોકો એવું તો શું કરે છે કે તે હંમેશાં તંદુરસ્ત, ચુસ્ત રહે છે. બસ! એમની થોડી સારી આદતો તેમને તંદુરસ્ત બનાવે છે. આ સારી આદતો કઈ છે તે જાણો છો? નિયમિત ઊંઘવું, નિયમિત ઊઠવું, યોગ્ય આહાર, થોડી કસરત અને થોડું ધ્યાન... શું આ સારી આદતોમાંથી તમે બે ચાર પણ ગ્રહણ કરી લેશો તો નક્કી તમારી તંદુરસ્તીમાં ગજબનાક ફેર આવશે. આવો થોડું વધુ જાણીએ.
આજે દરેક વ્યક્તિને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું છે. તંદુરસ્ત જીવન જીવવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ ખબર છે. પણ તેમ છતાં આપણે જાણતા-અજાણ બનીને એ બધું જ કરીએ છીએ જે આપણી આજીવન શારીરિક તંદુરસ્તીની બિલકુલ વિરુદ્ધ હોય. તંદુરસ્તી બગડે એટલે ઝડપથી સ્વસ્થ થવા આપણે તંદુરસ્તી મેળવવાના શોર્ટક્ટ રસ્તાઓ અપ્નાવીએ છીએ. અને સરવાળે આપણને આ શોર્ટક્ટ રસ્તાઓમાંથી પરિણામ ‘શૂન્ય’ જ મળે છે. આપણે એક વાતને હંમેશાં માટે યાદ રાખી લેવી જોઈએ કે તંદુરસ્તી એટલે કે સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે કે આજીવન રોગરહિત જિંદગી અને તે જીવનભર રહે તેવી દુનિયામાં કોઈ દવા બની જ નથી અને બનશે પણ નહિ, જો આવી કોઈ દવા બજારમાં મળતી હોય તો લાખ્ખો રૂપિયા આપીને તે ખરીદવાવાળા આ જગતમાં પડ્યા છે. એક વાત નક્કી છે કે તંદુરસ્તી બજારમાં મળતી નથી. તંદુરસ્તી તમારા વિચાર-આહાર-વ્યવહારમાં તમારી પાસે જ છે. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને તમે તે ઘરે જ મેળવી શકો છો. જો તમારે આજીવન શારીરિક તંદુરસ્તી મેળવવી હોય તો તેના કોઈ શોર્ટક્ટ નથી. માત્ર તમારી દિનચર્યામાં થોડા ફેરફાર કરો નિયમિત સૂવો અને ઊઠો, થોડું આહાર તરફ ધ્યાન આપો. થોડી કસરત અને થોડું ધ્યાન બસ આમાં જ છે સંપૂર્ણ સ્વાસ્થ્યની ગુરુચાવી...
ઊંઘવામાં અને ઊઠવામાં નિયમિતતા કેળવો
રાત્રે વહેલા સૂઈને વહેલા ઉઠે વીર,
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
આ બે લીટીની ઉક્તિમાં આપણા સંપૂર્ણ સ્વસ્થ શારીરિક જીવનનો સાર છુપાયેલો છે. આપણા ઋષિમુનિઓથી લઈને આપણા વડવાઓ સુધી બધા જ આપણને વહેલાં સૂર્યોદય પહેલાં ઊઠવાનું કહે છે. ઇન્ટરનેટ પર ગુગલ સર્ચ એન્જિનમાં તમે ‘સવારે વહેલા ઊઠવાનું કારણ’ શોધી જોજો. ગણતરીની સેકન્ડમાં એક લાખ કરતાં વધારે કારણો તમને મળી જશે. વહેલા ઊઠવાનાં કારણો આપતી, સમજાવતી એમેજેન નામની બુક વિતરણ કરતી સંસ્થા પાસે 6600 પુસ્તકો છે. વહેલા ઊઠવાના ફાયદાઓ વિશે આજે અનેક પુસ્તકો બજારમાં છે. વહેલા ઉઠવાના અને ઊંઘવાના ફાયદા દર્શાવતાં અનેક પુસ્તકો 20,000થી પણ વધુ કારણો આપતી પુસ્તકો આપણને સહેલાઈથી મળી રહેશે. તમે વિચાર કરો કે વહેલા ઊઠવાનું કંઈક તો કારણ, ફાયદો હશે જ ને!
9 - 9 કલાકની ઊંઘ લીધા પછી પણ તમે જ્યારે સવારે નવ વાગે ઊઠો છો ત્યારે તમને જરા પણ તાજગી, સ્ફૂર્તિ અનુભવાય છે? નહિ ને! નાહીને ફ્રેશ થયા પછી પણ તમારી આંખમાં બધાને ઊંઘ જ દેખાય છે ને! શરીર માટે 24 કલાકમાં માત્ર 7થી 8 કલાકની ઊંઘ પૂરતી છે. પણ તેમ છતાં આજે આપણને નવ-નવ કલાકની ઊંઘ અપૂરતી લાગે છે! આવું કેમ? આની પાછળનું કારણ છે આપણી ઊંઘવા અને ઉઠવાની અનિયમિતતા! રાત્રે દસ વાગે સૂઈ જવું અને સવારે સૂર્યોદય પહેલા ઊઠી જવું! આ ટેવ પાળી જુવો. એક વાર તમને ટેવ પડી ગઈ પછી તમારી દરેક સવાર સ્ફૂર્તિવાળી બની રહેશે. સવારે નવ-નવ કલાકની ઊંઘ લીધા પછી આજે તમારું શરીર દર્દથી તૂટતું હશે પણ પછી તમને એવું નહિ લાગે. તમે ક્યારેય નહિ અનુભવી હોય તેવી સ્ફૂર્તિ, તાજગી તમે અનુભવશો. ઊંઘવા અને ઊઠવાની નિયમિતતાના ફાયદા છે.
આહાર ખૂબ ચાવવો
આજે આપણે ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ. આજે આપણે કોઈ ધર્મ કે સરકાર નહિ પણ આપણો ડાયેટ - આહાર બદલવાની જરૂર છે. 21મી સદીના બગડેલા પર્યાવરણ અને શહેરની ભાગદોડની જિંદગીમાં આપણને યોગ્ય આહાર જ તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બનશે. માણસ પ્રાણીમાંથી માણસ બન્યો અને તેની બધી જ કુદરતી શક્તિઓ હણાઈ ગઈ. જંગલમાં રહેતાં પ્રાણીઓ માંદા પડે તો તે શું કરતાં હશે? તે વિચાર્યંુ છે કદી ? આપણી શેરીમાં ફરતા કૂતરાની જ વાત લ્યો. તેને તાવ આવતો હોય અથવા થોડું બીમાર જેવું તમને લાગતું હોય ત્યારે તેને ખાવાનું આપજો. તે નહિ ખાય. પ્રાણીઓ બીમાર પડે એટલે પહેલાં ખાવાનું બંધ કરી દે. થોડા દિવસમાં તે દવા વગર સાજું થઈ જાય છે. અને આપણે માંદા પડીએ તો શું કરીએ છીએ. અશક્તિ, નબળાઈ આવી ગઈ છે એમ કહી કહી માત્ર ખા-ખા જ કરીએ છીએ. આપણે સમજવું જોઈએ કે આપણે કેટલું ખાઈએ છીએ તે મહત્ત્વનું નથી પણ તે ખોરાકમાંથી આપણા શરીરને કેટલું પોષણ મળે છે તે મહત્ત્વનું છે. બાકી ગોટા, સમોસા, ભજિયાં ખાવાથી માત્ર આપણી ભૂખ મટે છે અને મળ વધે છે.
આજે જંકફૂડની બોલબાલા છે. જે માત્ર ને માત્ર આપણું પેટ બગાડે છે, બસ! પણ આપણને અમેરિકાના આ નકામાં જંકફૂડની હવે ટેવ પડી ગઈ છે. અમેરિકનો જાગ્રત થઈને હવે જંકફૂડને સ્વીકારતા નથી પણ આપણે હવે જંકફૂડની પાછળ પડી  ગયા છીએ. હકીકત તો એ છે કે જંકફૂડને પચાવવાની મજબૂત હોજરી જ આપણી પાસે રહી નથી. ચરબીવાળા, તેલવાળા પદાર્થો ખાઈ ખાઈને આપણે આપણી પાચનશક્તિ બગાડી નાખી છે.
તમે ખાવાનું કેટલી મિનિટમાં ખાવ છો? પાંચ-દસ મિનિટમાં નહિ! તમે એક કોળિયાને કેટલી વખત ચાવો છો? પાંચ-દસ વખત નહિ! પણ અહીં આપણે ચેતવાની જરૂર છે. જો તમારે આ ભાગદોડની જિંદગીમાં સ્વસ્થ રહેવું હશે તો ખાવા અને ચાવવા માટે સમય આપવો જ પડશે. આયુર્વેદ કહે છે. અનેક ગ્રંથો, ડાક્ટરો, ઋષિમુનિઓ કહે છે, આરામથી ખાવ અને જ્યાં સુધી તમારા મોંમાંનો કોળિયો પ્રવાહીરૂપ ન બની જાય ત્યાં સુધી ચાવ્યે રાખો. અને પછી જ તે ખોરાકને ગળામાંથી નીચે ઉતારો. આરોગ્યની એક ચાવી કહે છે કે, ઉશિક્ષસ વિંય રજ્ઞજ્ઞમ ફક્ષમ યફિં વિંય ળશહસ. ભગવાને દાંત શેના માટે આપ્યા છે ? તેનો ઉપયોગ કરો. દાંતને દાંતનું કામ કરવા દો. આજે દાંતનું કામ આપણી હોજરી કરી રહી છે. પછી શું થાય, આખા આખા કોળિયા તમે પેટમાં ઉતારો એટલે તે પચે નહિ અને પછી ગસ, અસિડિટી જેવા રોગ થવાના જ, પણ પચેલો ખોરાક ધીમા ઝેર રૂપે શરીરમાં એકઠો થાય છે તે પછી તે ઝેર શરદી, તાવ, ડાયાબિટીસ, કેન્સર, અસિડિટી વગેરે રૂપે બહાર આવે છે.
તમને ખબર છે આપણું શરીર સૌથી વધુ એનર્જી શેમાં વાપરે છે? આપણે ખાધેલા ખોરાકને પચાવવામાં વ્યાયામ કરતાં વધારે એનર્જી ખોરાક પચાવવામાં વપરાય છે.
આહાર માટે ઇન્ટર હાર્ટ સંસ્થાએ પ્રુડન્ટ ડાયેટની ફોર્મ્યુલા આપી છે. તેના મુજબ ડહાપણ ભરેલો ખોરાક એ જ છે જેમાં લીલાં, બાફેલાં અને તેલ વગરનાં શાકભાજી હોય, પાંદડાવાળી ભાજી હોય, કાચાં કચુંબર હોય તેમજ ફળો હોય અને રોટલી કે રોટલાનું પ્રમાણ આહારમાં માત્ર 20 ટકા જ હોય.
ટૂંકમાં આહાર વખતે એટલું જ ધ્યાનમાં રાખો કે ખૂબ ચાવો, ભૂખ કરતાં થોડું ઓછું ખાવો, હેલ્થી ખોરાક ખાઓ, રોટલી, શાક, કચુંબર ખાઓ. ભોજન વખતે પાણી ન પીઓ અને પશ્ર્ચિમની પ્રજાની માફક જમતી વખતે કોકા-પેપ્પસીની બોટલ ન પીઓ. આહારમાં આટલું ધ્યાન રાખશો તો તમારો ખોરાક આરામથી પચી જશે અને તમને ખાધા પછી આળસ, કંટાળો નહિ આવે અને જીવનભરની તંદુરસ્તી ગિફ્ટમાં મળશે.
કસરત માત્ર 30 મિનિટ
શું તમે દરરોજ માત્ર 30 મિનિટ તમારા આજીવન શારીરિક જીવન માટે ન કાઢી શકો. માત્ર 30 મિનિટની સરળ કસરત  તંદુરસ્તી આપી શકે છે. તમે સૂર્યનમસ્કાર, રનીંગ, વાકિંગ, સાદી કસરત કરી શકો. ટૂંકમાં સખત પરિશ્રમવાળી કોઈપણ કસરત કરી શકો. આજે આપણે માત્ર એક્સરસાઇઝ નામના અંગ્રેજી શબ્દને જ જાણીએ છીએ. વજનિયાં ઊંચકીને ગોટલા બનાવવા એટલે એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં આપણું સંપૂર્ણ સ્વાસ્થ્ય છુપાએલું નથી. અમેરિકન લેખક ડા. ચાર્લ્સ કુઝેર કસરતનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે કસરત એટલે સખત પરિશ્રમવાળી કસરત થવી જોઈએ. થાક લાગે એટલો વ્યાયામ કરવો જોઈએ.’ જેમ જીવવા માટે આહારની જરૂર છે તેમ વ્યાયામની પણ એટલી જ જરૂર છે. તમે વ્યાયામ, કસરત કરો છો ત્યારે તમારા લોહીના પ્રવાહમાં પ્રાણવાયુનો સંચાર ધોધની માફક થાય છે. આ પ્રાણવાયુ તમારા શરીરમાંના લાખો કોષોને પુષ્ટિ આપે છે. વ્યાયામની ટેવ નાનપણથી જ હોવી જોઈએ. કસરત કરવાથી આપણી પિત્ત સ્વરૂપ્ની જે પીળી અસ્થિમજ્જા છે એ ઓછી થાય છે અને લાલચટક અસ્થિમજ્જા પેદા થાય છે જે આખરે લોહીને તંદુરસ્તી બનાવે છે. કસરત કરવાથી શરીરના મસલ્સને મસાજ મળે છે અને આપણાં આંતરિક અંગો જેવાં કે આંતરડાં, લિવર, કિડની વગેરેને તેમની કામગીરી કરવાની તાજગી પણ મળે છે. આથી આપણા જ્ઞાનતંતુઓ પણ મજબૂત થાય છે.
આજે આંખ, નાક, કાન, ગળું, મળદ્વાર, મૂત્રદ્વાર, ચામડીનાં છીદ્રો દ્વારા હવામાંના વાયરસ બેકટેરિયા જેવાં તત્ત્વો અને હવામાં રહેલા ઝેરી વાયુઓ તેમજ ખોરાક અને પ્રવાહી રૂપે લીધેલા અનેક પદાર્થો આપણા શરીરને ગમે ત્યારે રોગગ્રસ્ત બનાવી શકે છે. આવા સમયે જો આપણી રોગપ્રતિકારક શક્તિ બરાબર હશે તો આવા બેકટેરિયા, વાઇરસો, ઝેરી પદાર્થો આપણા શરીરનું કંઈ નહીં બગાડી શકે. હવે જો રોગપ્રતિકારક શક્તિ વધારવી હશે તો નિયમિત કસરત કરવી પડશે. નિયમિત કસરત કરવાથી તમારું જરૂર સુડોળ અને સુદ્ઢ બનશે જ. સાથે સાથે તમારી આત્મશક્તિમાં પણ વધારો થશે.
તમે અનેક ઘોંઘાટની વચ્ચે બેસીને પણ માત્ર તમારા જ કામ ઉપર ધ્યાન આપી શકો છો? નહિ ને! આજના દોડધામભર્યા જીવનમાં તમને ધ્યાનની ખૂબ જ જરૂર પડશે. પ્રાણાયામ, કપાલભાતી, યોગ દ્વારા તમે ‘ધ્યાન’ કરી શકો. ધ્યાનથી તમારી એકાગ્રતામાં વધારો થશે. મનની શાંતિ માટે પણ ધ્યાન ખૂબ જરૂરી છે. ધ્યાન એ ઉત્તમ દવા છે.
21મી સદીમાં આજે‘ફ્ટિનેસમેનિયા’  ઊપડ્યો છે. સૌ કોઈને મહેનત વગર ઝડપથી તંદુરસ્તી મેળવી લેવી છે. ફિટનેસ આપવાનો એક આવો ઉદ્યોગ જગતમાં વિકસી રહ્યો છે. આજે દુનિયાના તમામ અખબારો રોજરોજ આરોગ્યની કટારો છાપવા માંડ્યાં છે. લંડન ટાઇમ્સમાં દર શનિવારે આજે પણ 20 પાનાની આરોગ્યપૂર્તિ પ્રગટ થાય છે. ‘બિઝનેસ વીક’ જેવું વ્યાપારને લગતું સાપ્તાહિક પણ આરોગ્યના લેખો છાપતું થયું છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આરોગ્ય મેળવવા આપણે જાગ્રત તો થયા છીએ પણ આરોગ્ય મેળવવા કશું કરતા નથી. આરોગ્ય કઈ રીતે મેળવાય તે ખબર છે પણ તે રસ્તા પર આપણે ચાલવું નથી, માથું દુખે કે ગસ થયો હોય આપણે મૂળમાં પહોંચ્યા વિના એલોપેથીની દવા ખાવા પહોંચી જઈએ છીએ. સવારે ઊઠતાવેંત આપણી સવાર દવાની ટીકડીથી શરૂ થાય છે. ડા. રોબર્ટ મેન્ડેલસોદન કહે છે કે એલોપથીની શોધ માનવજાતને રોગમાંથી ઉગારવા થઈ હતી પણ આજે એલોપથી દોસ્તને બદલે વિલન બની ગઈ છે.
ધ્યાન નિયમિત કરો
અહીં આજીવન તંદુરસ્તી મેળવવાની એક નાનકડી વાત મૂકી છે. બની શકે આજના ભાગદોડના જમાનામાં આમાંથી તમે ઘણું બધું ન પણ કરી શકો. પણ આમાંથી જેટલું પણ કરશો નક્કી તમારી તંદુરસ્તીમાં ફરક જરૂર પડશે. તંદુરસ્તીની સીધી-સાદી વ્યાખ્યા છે નિયમિત ઊંઘવું - ઊઠવું, આહાર, કસરત અને ધ્યાન આજે માનવ શરીર માટે ખૂબ જરૂરી છે. આજે આપણે ‘દવા’માંથી બહાર આવવાનું છે. કુદરતી ઉપચાર, નેચરક્યોર, નેચરલ હાઈજીન જેવા વિકલ્પોનો અભ્યાસ કરીને આપણે આપણું મેડિકલ બીલ ઝીરો કરી શકીએ છીએ. ટૂંકમાં 21મી સદીના નાગરિકે પોતે જ આરોગ્યનો અભ્યાસ કરવો પડશે અને આજીવન તંદુરસ્તી મેળવવી પડશે.
નિસર્ગોપચાર : સ્વાસ્થ્ય મેળવવાની કુદરતી પદ્ધતિ
નિસર્ગોપચાર... નેચરોપથી... 21મી સદીમાં આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યની ગુરુ ચાવી અહીં નિસર્ગોપચાર પાસેથી મળી જશે. ઉપવાસ, રસાહાર, ફળાહાર, કુદરતી ઉપચાર એટલે નેચરોપથી. નેચરોપથીનો સિદ્ધાંત મુખ્યત્વે પ્રાકૃતિક ઘટનાઓ અને અલ્પ આક્રમક પદ્ધતિઓ પર આધારિત છે અને તેનો વિશ્ર્વાસ ‘કુદરતની સ્વસ્થ કરવાની ક્ષમતા’ પર છે. બનાવટી દવાઓ, કિરણોત્સર્ગ અને મોટી શસ્ત્રક્રિયા જેવી સારવાર ટાળવામાં આવે છે.
નેચરોપથીના સિદ્ધાંતો
1.    પહેલું, નુકસાન ન કરો; હંમેશા દર્દીઓને ઓછામાં ઓછા જોખમ સાથે ઉપલબ્ધ સૌથી વધુ અસરકારક સ્વાસ્થ્ય સેવા પૂરી પાડો.
2.    દરેક વ્યક્તિમાં તંદુરસ્તી જાળવવા અને સ્વાસ્થ્ય સંવર્ધન માટે ઉપલબ્ધ સ્વાભાવિક અને કુદરતી ઊર્જાને માન્યતા આપો, સન્માન કરો અને પ્રોત્સાહન આપો.
3.    રોગનાં લક્ષણો દબાવવા કે દૂર કરવાને બદલે તેનાં કારણોને ઓળખી દૂર કરો.
4.    સ્વાસ્થ્ય માટેની જાણકારી મેળવો, તાર્કિક આશાને પ્રેરણા આપો અને સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપો.
5.    દરેક વ્યક્તિનાં તમામ સ્વાસ્થ્ય પરિબળો અને અસરોને ધ્યાનમાં રાખીને સારવાર કરો.
6.    સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા આરોગ્ય જાળવવા ભાર મૂકો અને વ્યક્તિગત, દરેક સમૂહ અને આપણી દુનિયા માટે રોગોને અટકાવો.
રસાહાર દ્વારા રોગમુક્તિ
રોગોથી પીડાતા લોકોને સાજા કરવા માટે ઔષધો અને ઇન્જેક્શન જે કામ ન કરી શકે તે યોગ્ય આહાર અને શાકભાજી તથા ફળોના રસ કરી શકે છે.
શાકભાજી અને ફળોના રસો વડે અપાતી સારવાર નિર્દોષ, સલામત અને કોઈ પણ પ્રકારની આડ-અસરો વિનાની હોય છે. ક્યારેક રસોનું વધુ પ્રમાણે લેવાઈ જાય તો તેનાથી હાઇપર-વિટામિનોસીસ (વિટામિનોની અતિશયતાને લીધે થતી તકલીફ) પેદા થતી નથી. માટે માંદગીમાં અન્ય જોખમી ઉપાયો અજમાવતાં પહેલાં રસચિકિત્સાને તક આપવી એ તર્કસંગત છે.
શરીરમાં રહેલા અસંખ્ય કોષો અને લોહીમાં રહેલા લાખો રક્તકણો રોજ નાશ પામે છે. તેમની ક્ષતિપૂર્તિ કરવા માટે કાચા આહારની જરૂર છે. આ આહાર જો કાચો હોય અને ફળો તથા શાકભાજીના રસો સંયોજનયુક્ત હોય તો ક્ષતિપૂર્તિની પ્રક્રિયા ખૂબ ઝડપી બને છે. માંદગી અને ઘડપણની અવસ્થામાં તો આ ખાસ જરૂરી છે. રક્તકણો અને કોષોના સર્જન અને વિસર્જનની સમતુલા જાળવી રાખવા માટે કાચા આહાર અને શાકભાજી-ફળોના રસમાંથી મળતાં તત્ત્વો અતિશય આવશ્યક છે. તેમાં રહેલી શર્કરા અને અન્ય તત્ત્વો બહુ જ સુપાચ્ય સ્વરૂપ્નાં હોઈ, અતિ ઝડપથી લોહીમાં ભળીને નવસર્જન કરવા માંડે છે.
ફળો અને શાકભાજીનો આહાર લેવામાં પણ કેટલીક ઊણપો રહી જાય છે. તેમાં રહેલા રેસા, કૂચા વગેરે કાષ્ઠતત્ત્વો પાચનતંત્ર માટે બોજારૂપ બને છે. શરીર અને પાચનતંત્ર સ્વસ્થ હોય તો પણ ફળો અને શાકભાજીના કોષોમાંથી જરૂરી તત્ત્વો છૂટાં પાડીને તેમનું અભિશોષણ કરવાની તેમની ક્ષમતા માત્ર 35 ટકા જ હોય છે. માંદગીમાં તો આ શક્તિ ક્ષીણ થઈ જાય છે. આ કારણે આખાં ફળ અને શાકભાજી ખાવાથી જરૂરી તત્ત્વો પર્યાપ્ત માત્રમાં કદાચ મળે નહિ. આ કારણે તેમના રસો લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. રસોમાંથી 95 ટકા તત્ત્વો શોષી લેવામાં શરીર સફળ નીવડે છે. તદુપરાંત સ્વસ્થ શરીર અને મજબૂત દાંત વડે પણ ફળો અને શાકભાજી ચાવીને ખાવામાં સમય પણ ઘણો જાય. શરીર માટે જરૂરી માત્રામાં અતિ આવશ્યક તત્ત્વો મેળવવા તેમનું પ્રમાણ પણ વિશેષ રાખવું પડે. પરિણામે શરીરને જરૂરી તત્ત્વો ઘણી ઓછી માત્રામાં મળે છે. આ બધાં જ કારણોના નિવારણ માટે ફળો તથા શાકભાજીના રસો પીવાની ભલામણ કરવામાં આવે છે.
શાકભાજી અને ફળોના રસો બંને એકસાથે ન લેવાં જોઈએ. બંને પ્રકારના રસો પીવા વચ્ચે ત્રણ-ચાર કલાકનું અંતર રાખવું જરૂરી છે. દિવસના પ્રથમ પહોરમાં ફળોનો રસ લેવો અને બીજા પહોરમાં (સાંજના પણ) શાકભાજીના રસો લઈ શકાય.