Jan 15, 2014

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નિર્ભિકતા

વંદેમાતરમ્ ગીત તથા ‘આનંદમઠ’ નવલકથાના રચનાકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાય એ દિવસોમાં ખુલના (પશ્ર્ચિમ બંગાળ)માં ન્યાયાધીશ હતા. એકવાર એક અંગ્રેજ અધિકારીએ દારૂના નશામાં ચૂર થઈને હાથીની સૂંઢમાં મશાલ બાંધીને એક ગામડાની ઝૂંપડીઓને બાળી મૂકી. મેજિસ્ટ્રેટે પોલીસને હુકમ કર્યો કે તે ગોરા અંગ્રેજ અધિકારીને પકડીને હાજર કરવામાં આવે. તે અધિકારી પોતાની પાસે હંમેશા પિસ્તોલ રાખતો હતો, તેથી પોલીસ જમાદાર તેની સામે ઊભેલો છતાં તેને પકડવાની હિંમત કરી શક્યો નહીં. બંકિમચંદ્ર અદાલતમાંથી બહાર આવ્યા અને તે અત્યાચારીને પકડીને મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યો. નિયમ પ્રમાણે અંગ્રેજનો કેસ ભારતીય ન્યાયાધીશની અદાલતની જગ્યાએ ઉચ્ચ ન્યાયાલયમાં અંગ્રેજ ન્યાયાધીશની અદાલતમાં રજૂ કર્યો. બંકિમચંદ્રે ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચીને તે ગોરા અધિકારીની વિરોધમાં જુબાની આપી અને ત્યાં સુધી શાંતિથી બેઠા નહીં જ્યાં સુધી તેને સજા મળી નહીં. આગળ જતાં આ જ બંકિમચંદ્રબાબુનું રચેલું વંદેમાતરમ્ ગીત ક્રાંતિકારીઓ અને સૌ ભારતવાસીઓની પ્રેરણાનો સ્રોત બનીને અમર થઈ રહ્યું.