Jun 10, 2013

તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!

નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુ
હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!
આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ.
આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે..!!

લક્ષ્મીને પણ સૂંઘીને લેતાં શીખીએ

આપણે બજારમાં ઘી કે તેલ લેવા જઈએ છીએ ત્યારે લેતાં પહેલાં સૂંઘીએ છીએ. કેરી કે અગરબત્તીની પણ સોડમ લઈએ છીએ; માટલાં લેવા જઈએ તો પણ ટકોરા મારી મારીને ખરીદીએ છીએ. આમ, આપણે જે કંઈ ટકોરા મારીને ખરીદીએ છીએ તેને જ ઘરમાં લાવીએ છીએ. પણ, આપણે આપણા ઘરમાં જે કંઈ લક્ષ્મી લાવીએ છીએ, તેને નથી સૂંઘતા, નથી ચકાસતા કે નથી ટકોરા મારતા ! એ તો ગમે તેટલી, ગમે ત્યાંથી, ગમે તે રીતે આવી હોય તોય કશો વાંધો જ નહીં !

વસ્તુત: એક એક કણની જેમ એક એક પૈસો જે કમાઈએ તેને પૂછતાં શીખો કે તે ક્યાંથી, કેવી રીતે આવ્યો ? નીતિથી, પ્રામાણિકતાથી, ધર્મથી આવેલો છે કે કેમ એ સૂંઘતાં શીખો. આપણને એ તો ટેવ જ નથી. જે કમાયા તે ચપ દઈને ઘરમાં ન ઘાલીએ. ને લક્ષ્મીને પણ સૂંઘીને લેતાં શીખીએ તો, સુખ જ સુખ થઈ જશે.

Jun 7, 2013

પાત્રતા

મંદિરમાં પ્રભુની સુંદર પ્રતિમા હતી. હજારો લોકો આરસના શ્ર્વેત પગથિયાંની છાતી પર પગ મૂકીને મૂર્તિનાં દર્શન કરવા જતાં. આથી પગથિયાંનું મન ભરાઈ આવ્યું. ત્યાં એક કવિએ એના ઉપર પગ મૂક્યો અને એને ડૂસકું સંભળાયું. સહાનુભૂતિપૂર્વક કવિએ પૂછ્યું તો પગથિયાએ કહ્યું : ‘એક જ ખાણમાં હું અને આ પ્રતિમા જન્મ્યાં. અમે બંને એક જ શિલાના બે ટુકડા છીએ. છતાં દુનિયા આજે એના પગમાં પડે છે અને મને ઠેબે ચઢાવે છે. મારી છાતી ઉપર લોકો મેલા અને ગંદા પગ મૂકે છે અને એને ફૂલથી શણગારે છે. આ તેજોવધથી ઈર્ષા અને અદેખાઈ ન થાય ?’

કવિએ હસીને કહ્યું : ‘તમે એક જ શિલાનાં બે સંતાન, પણ જ્યાં બારીક કારીગરીનો પ્રસંગ આવ્યો ત્યાં તું બટકી ગયું, પણ પેલાએ તો ટાંકણાં સહીને પણ અંદરનું સૌંદર્ય જ પ્રગટાવ્યું.

‘જે જીવનમાં સહન કરીને કસોટીમાંથી પાર ઊતરી જાય છે, તે પ્રભુ બની જાય છે. જે સહન કરી શકતો નથી તે પગથિયાનો પથ્થર બની પછડાય છે. ‘તારે રડવું જ હોય તો જગતના અન્યાય સામે નહિ, તારી અપાત્રતા સામે રડ, પાત્રતા હશે તો જ પ્રેમ-પુષ્પોની વૃષ્ટિ થશે.

Jun 1, 2013

આજથી મનોમન આ વાત નક્કી કરી લો

આજથી મનોમન આ વાત નક્કી કરી લો

1. એટલા મક્કમ બનજો કે કોઇ પણ ઘટના તમારી માનસિક શાંતિ હણી ના શકે

2. જેને-જેને મળો એ બધા સાથે વાતોનો વિષય સુખ,સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ હોય

3. તમારા મિત્રોને એવી અનુભૂતિ કરાવો કે એમની અંદર કૈંક છે.

4. દરેક બાબતની સારી બાજુ નિહાળજો અને તમારા આશાવાદને સાચો પાડવા કોશિશ કરજો

5. ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિશે વિચારજો, ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ કરજો, અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા રાખજો.

6. બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી રહેજો જેટલા તમે તમારી સફળતા માટે હો.

7. ભુતકાળની ભૂલો ભુલી જઇને ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી લજો.

8. તમારા સ્વ-વિકાસમાં એટલા રચ્યા-પચ્યા રહો કે બીજાની કુથલી કરવા માટે તમારી પાસે સમય જ ના હોય

9. ચિંતા હણી ના શકે એટલા વિશાળ બની જજો, ક્રોધ સવાર ના થઇ શકે એટલા ઉમદા બની જજો

10. ભય સતાવી ના શકે એટલા શક્તિશાળી બની જજો અને વિપદાઓ નજીક ફરકી ના શકે એટલા પ્રસન્ન રહેજો!