May 29, 2012

વસ્ત્રો યોગ્યતાની પહેલી કસોટી

માણસ સજ્જન, કર્મઠ, સેવાભાવી. પંચાયતી રાજમાં ઉચ્ચ સ્થાને હતા ત્યારે ઘણાને મદદ કરેલી. સાદગી એમનો સ્વભાવ અને લોકહિતના કામમાં પ્રાણ પાથરે એવી પ્રકૃતિ. નિવૃત્તિ પછી પણ સેવાકાર્ય ચાલુ. એકવાર કોઈ કામ માટે મંત્રીજીને મળવા સચિવાયલ ગયા. કચેરી ઊઘડી ત્યારથી પટાવાળાને ચિઠ્ઠી આપીને બેઠા, પણ વારો ન આવે. મંત્રીશ્રી એમના પરિચિત અને એમના કામના પ્રશંસક.


વાત જાણે એમ હતી કે ઇસ્ત્રી વિનાનો લેંઘો-ઝભ્ભો અને વધેલી દાઢીથી કોઈ ગરીબ ફરિયાદી જેવા લાગે. સુંદર વસ્ત્રોમાં સજ્જ લોકો બેરોકટોક અંદર ઘૂસી જાય.


સાદાઈ એક ગુણ છે, પણ અતિરેક હાનિકારક છે એવું સમજાવતું એક સુભાષિત છે :


किं वाससा तत्र विचारणीयम्

वासः प्रधानं खलु योग्यतायाः।

पीताम्बरं वीक्ष्य ददौ स्वकन्याम्

चर्माम्बरं वीक्ष्य विषं समुद्रः॥


સુઘડ પહેરવેશ જ યોગ્યતાની પહેલી કસોટી છે, એમાં શંકા નથી. પીતાંબરધારી વિષ્ણુને, સમુદ્રે પોતાની કન્યા લક્ષ્મી આપી, પણ ચર્માંબરધારી શિવને હળાહળ વિષ આપ્યું એવી સમુદ્રમંથનની ઘટના તેનું એક ઉદાહરણ છે.

May 21, 2012

સત્ત્વશીલ માણસ આડંબર ન કરે


હળવદના ભૂદેવોનાં પરાક્રમોની ઘણી લોકકથાઓ છે. એકવાર એક પહેલવાને પડકાર ફેંક્યો કે મારી સાથે કુસ્તી કરનાર આપો, નહિ તો એક સોનાની નાની મૂર્તિ અને અજેય હોવાનું પ્રમાણપત્ર આપો. મહાકાય શરીર, જીતેલી સોનાની મૂર્તિઓનો હારડો પહેરેલો, ડરામણા હાવભાવ કરે. નગર સામે પ્રતિષ્ઠાનો સવાલ ખડો થયો. કુસ્તીબાજો તો હતા, પણ કોઈ હિંમત ન કરે.
એક જવાને ખેતરેથી આવતાં વાત સાંભલી. ખભે હળ સાથે જ નગરચોકમાં પહોંચ્યો, અને હુંકાર કર્યો કે હું લડીશ. સૌ પેલા પ્રચંડ દેહવાળા પહેલવાન સામે જુએ, આ કસાએલા પણ બેઠી દડીના જવાનને જુએ... વિચારે કે આ કઈ રીતે જીતશે? પેલો પહેલવાન બાવડાં ઉછાળે, દેખાડો કરે, આ યુવાન શાંત - છેવટે બે જણ બાથડ્યા અને પેલા જવાને એક જ મુક્કે એ પહેલવાનને ભોં ભેગો કરી દીધો. આડંબર સામે ધીરજ  જીતી  ગઈ.
આડંબર વિશે ‘રામચરિતમ્’ -  માં એક સુભાષિત છે :
तेजस्विनो वितन्वन्ति
प्रारम्भेषु नाऽडंबरम् ।
स्फुरत् प्रतापाश्चरमं
क्रममाणश्चकासति॥
તેજસ્વી વ્યક્તિ, સત્ત્વશીલ માણસ આડંબરનો આશરો નથી લેતા. આજના નેતાઓની જેમ આગમન સાથે જ ‘રોડ શો’ જેવા તમાશા નથી કરતા. સાચા સત્ત્વશીલ લોકો તો પોતાની શક્તિ, સામર્થ્ય પ્રગટ કરીને જ સફળ બનીને જ પ્રતિભા મેળવે છે.

May 12, 2012

અતિલોભ તે પાપ નું મૂળ


એક લોભી માણસ નાળિયેર ખરીદવા ગયો, ભાવ ઘટાડવા દલીલ કરી. દુકાનદારે કહ્યું કે સસ્તું જોઈએ તો આ જગ્યાએ જાઓ. ત્યાં સસ્તું હતું, પણ એમાંય ખેંચતાણ કરી, કંટાળીને વેપારીએ કહ્યું કે સમુદ્રના કાંઠે જાઓ, મફત મળશે. નાળિયેરી ઉપરથી જાતે તોડી લેજો. એ ભાઈ તો ગયા, નાળિયેરી ઉપર ચડ્યા, પણ નાળિયેર તોડતાં પગ છટક્યો ને લટકી પડ્યા. એક ઊંટવાળો આવ્યો તેને લાલચ આપતાં ઊંટ ઉપર ઊભા રહીને બચાવવા મથ્યો, પણ ઊંટ ખસી ગયું. બેય લટક્યા. પછી હાથી આવ્યો, એના મહાવત અને છેલ્લે એક ઘોડેસ્વારનું પણ આમ થયું. બધા એકબીજાના પગ પકડીને લટક્યા. પેલા ભાઈ વજન ખમી ન શક્યા અને પકડ છૂટી ગઈ. બાકીના તો ઘવાયા, પણ એમનો જાન ગયો.
આ બોધવાર્તા સમજાવતું એક સુભાષિત પંચતંત્રમાં છે :
जीर्यन्ते जीर्णतः केशाः
दन्ता जीर्यन्ते जीर्यतः ।
चक्षुः श्रोत्रौ च जीर्यन्ते
तृष्णैरेका तरुणायते ॥
અવસ્થા થતાં વાળ ખરી પડે છે કે ધોળા થાય છે - ર્જીણ થાય છે; દાંત, આંખ, કાન બધાં ર્જીણ થાય છે, ઘરડાં થાય છે. એકમાત્ર તૃષ્ણા - લોભ, લાલચ સદાબહાર - ચિરયૌવના રહે છે. તેથી જ કહેવાયું : અતિલોભ તે પાપ્નું મૂળ.

May 6, 2012

બાહ્ય રૂપ નહિ, આંતરિક સૌંદર્ય મહત્ત્વનું


અષ્ટાવક્ર જનક રાજાના દરબારમાં ગયા, ત્યારે એમનું કદરૂપું શરીર અને વાંકાંચૂંકાં અંગ જોઈને પંડિતો સહિતના દરબારીઓ હસી પડ્યા. જનક રાજા પોતે વિદેહી તરીકે ઓળખાતા વિદ્વાન. તેમની સભામાં પણ વિદ્વાનોનો સત્કાર થાય, શાસ્ત્રાર્થો થાય, પણ અષ્ટાવક્રની અવહેલના થઈ. તેમણે પાછા ફરીને ચાલવા માંડ્યું. જનક રાજાએ કારણ પૂછ્યું. તેમણે જવાબ આપ્યો કે : ‘હું તો પંડિતસભા માનીને શાસ્ત્રાર્થની આશાએ, જ્ઞાનપ્રાપ્તિની આશાએ આવ્યો હતો, પણ અહીં તો ચમારો જ છે, એમને માત્ર ચામડી દેખાય છે, અંદરનું વિત્ત પારખી શકતા નથી.’
આ ભાવના દર્શાવતું એક સુભાષિત છે :
हंसो श्र्वेतः बकः श्र्वेतः
को भेदः बकहंसयोः।
नीरक्षीर विवेके तु
हंसो हंसः बको बकः।।
અર્થાત્ હંસ અને બગલો બંને રંગે તો સફેદ જ હોય છે, એ બેમાં ફરક શો છે ? તેનો જવાબ છે : દૂધ અને પાણી જુદું પાડવાનો - નીરક્ષીર વિવેક કરવાનો વખત આવે ત્યારે હંસ અને બગલો પરખાઈ જાય છે. બાહ્ય રૂપ નહિ, આંતરિક સૌંદર્ય મહત્ત્વનું છે.