Jul 21, 2015

કચ્છના સુપ્રસિદ્ધ સંત દાદા મેકરણ

કચ્છના સુપ્રસિદ્ધ સંત દાદા મેકરણ એક વખત તીર્થયાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેકરણથી આ કરુણતા જોવાઈ નહીં, આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટ્યું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘા સાફ કર્યા. આમ કરવાથી ગધેડાને પીડામાં થોડી રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેકરણે જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું, ‘પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?’

અર્થાત્ જો પીપળામાં જે પ્રાણ છે તે બાવળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહીં? આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયા અને દાદાના ચરણે પડી ગયા. આ પછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો, જેનું નામ દાદાએ ‘લાલિયો’ રાખ્યું હતું.

Jul 13, 2015

જામરણજીતસિંહની રાષ્ટ્રભક્તિ અને સ્વદેશાભિમાન

એક સમય હતો જ્યારે મોગલ સલ્તનતના આક્રમણોને કારણે નવાનગર પર ઈસ્લામિક ધ્વજ ફરકતાં હતાં. સામાન્યથી માંડી સરકારી કામકાજમાં પણ ઈસ્લામની અસર અને દખલ વર્તાતી હતી. તે સમયે અહીંના રાજ્યતંત્રની કેટલીક વિધિઓ કાજીઓના હાથમાં હતી. કેટલાક સરકારી કામોમાં ખતપત્રો પર કાજી ચકલામાં વસતાં કાજીઓની ‘મહોર’ ફરજિયાત હતી અને કાજીઓ વહિવટી મહોર મારવા માટે એક કોરી લાગો લેતાં. આ લાગાથી સમગ્ર હિન્દુ અને મુસ્લિમ પ્રજા ત્રાસી ગઈ હતી, પરંતુ કાજીના વર્ચસ્વને પડકારવાની હિંમત કોઈનામાં ન હતી. પણ કાજીઓની આ દૂષીત નીતિને ૧૯૩૬માં એક ગૌરવશાળી વ્યક્તિએ જબરદસ્ત પડકાર ફેંક્યો. એ હતા જામનગરનાં રાજા રણજીતસિંહ. તેમણે કડક શબ્દોમાં હાક મારી, "અમારા રાજમાં કામ કરવા માટે વિધર્મી-વિદેશી સંસ્કૃતિના લોકોની મહોરની કોઈ જરૂર નથી. આમ કહી તેના એક ઝાટકે એ પ્રથા નાબૂદ કરી દીધી હતી. જામનગરનાં જામરણજીતસિંહની રાષ્ટ્રભક્તિ અને સ્વદેશાભિમાન માટે આજે પણ સૌને ગર્વ છે.