Sep 22, 2017

સાથી હાથ બઢાના

અમેરિકામાં એક વખત મોટા યુદ્ધ માટે સૈન્ય ક્યાંક જઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં એક ખૂબ મોટી શિલા (પથ્થર)ને કારણે સૈન્યને આગળ વધવામાં તકલીફ પડી રહી હતી. સૈનિક અધિકારીએ મોટા પથ્થરને દૂર કરવાનો આદેશ આપ્યો. સૈનિકો કામે લાગ્યા, પરંતુ પથ્થર ખૂબ ભારે હોવાથી કેમ કરીનેય હટતો ન હતો. પેલો સૈન્ય અધિકારી જવાનોનો ઉત્સાહ વધારવાને બદલે તેમને ગાળો આપી નકામા કહી રાડો પાડી રહ્યો હતો. તેટલામાં એક સામાન્ય દેખાતો લઘરવઘર માણસ આવ્યો અને સૈન્ય અધિકારીને કહ્યું, ‘જો તમે આ સૈનિકોની સાથે કામમાં જોડાવ તો તેમનો ઉત્સાહ વધશે અને કામ સરળ થઈ પડશે.’ પેલા અધિકારીએ તેને ધમકાવતાં કહ્યું, ‘મૂર્ખ, તું જોતો નથી ? હું કમાંડર છું. મારું કામ માત્ર હુકમ આપવાનું છે. કુલીનું નહીં.’ પેલાએ ક્ષમા માગી, ખુદ સૈનિકો સાથે જોડાઈ ગયો. છેવટે અનેક પ્રયત્નો બાદ પથ્થરને ત્યાંથી હટાવી દેવામાં સફળતા મળી. સામાન્ય દેખાતા એ વ્યક્તિએ સૈનિક અધિકારી પાસે જઈ તેનું અભિવાદન કર્યંુ અને કહ્યું, ‘હવે પછી કોઈ તકલીફ આવે તો મને યાદ કરજો. હું ખુદ મદદ કરી તે કામને સરળ બનાવી દઈશ.’ કમાન્ડરે પોતાનાં ભવાં ચડાવતાં કહ્યું, ‘ઠીક છે.... ઠીક છે.. હવે બોલાવી લઈશ. તારું નામ અને ઠેકાણું કહે.’ પેલા વ્યક્તિએ ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, ‘શ્રીમાન, મારું નામ જ્યોર્જ વોશિંગ્ટન છે અને આ દેશના રાષ્ટ્રપતિનું સરનામું જ મારું ઠેકાણું છે.’ પોતાના દેશના રાષ્ટ્રપતિને પોતાની સામે જોતાં જ કમાન્ડર પોતાના હોશ ખોઈ બેઠો અને ગળગળો થઈ પોતાની ભૂલની ક્ષમા માંગવા લાગ્યો અને ભવિષ્યમાં ખુદ પણ સિપાહીઓ સાથે ખભેખભા મિલાવી કામ કરવાની પ્રતિજ્ઞા લીધી.

સેવાભાવ

એક સંત સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માગતા હતા. તેઓએ એક વિદ્યાલય ખોલ્યું. આ પાછળ તેમનો આશય હતો કે તે વિદ્યાલયમાંથી જે પણ વિદ્યાર્થી બહાર નીકળે તે સમાજના વિકાસમાં સહાયક બને. એક દિવસ તેઓએ પોતાના વિદ્યાલયમાં વાદ-વિવાદનું આયોજન કર્યું. સ્પર્ધાનો વિષય હતો ‘સેવાની સાચી ભાવના’. સ્પર્ધાના દિવસે નક્કી થયેલા સમયે તમામ વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. સ્પર્ધા શરૂ થઈ. તમામ સ્પર્ધકોએ સેવા પર શાનદાર ભાષણ કર્યાં. એક વિદ્યાર્થીએ સેવા માટે સંસાધનોને મહત્ત્વનાં ગણાવ્યાં અને કહ્યું કે કોઈ સેવા ત્યારે જ કરી શકે જ્યારે તેની પાસે જરૂરી સંસાધનો હોય. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું સેવા માટે સંસાધન નહીં સાચી ભાવના હોવી જરી છે, પરંતુ જ્યારે પરિણામનો સમય આવ્યો ત્યારે સંતે એવા વિદ્યાર્થીની પસંદગી કરી જે વિદ્યાર્થી મંચ પર આવ્યો જ ન હતો. પરિણામે અન્ય વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવતાં કહ્યું કે તમે એવા વિદ્યાર્થીને વિજેતા જાહેર કેવી રીતે કરી શકો જે સ્પર્ધામાં આવ્યો જ નથી ? સંતે જવાબ આપ્યો, ‘સ્પર્ધા તો એક બહાનું માત્ર હતું. હકીકતમાં હું એ જાણવા માંગતો હતો કે, તમારામાંથી સેવાભાવને કોણે સૌથી વધુ આત્મસાત્ કર્યો છે. માટે જ મેં સ્પર્ધાના સ્થળના દરવાજે એક ઘાયલ બિલાડી રાખી દીધી હતી, પરંતુ તમારામાંથી કોઈએ તેના તરફ ધ્યાન ન આપ્યું. આ એક માત્ર વિદ્યાર્થી હતો, જેણે ત્યાં રોકાઈને એ બિલાડીનો ઉપચાર કર્યો અને તેને સુરક્ષિત સ્થાને મૂકી પણ આવ્યો અને તેના કારણે જ તે યોગ્ય સમયે મંચ પર આવી શક્યો નહીં. માટે સેવાભાવ આચરણ અને વર્તનમાં હોવો જોઈએ.’

જીવન કોઈનુંય પૂર્ણ નથી હોતું, તેને પરિપૂર્ણ માની જીવવાનું શીખવું પડે છે

એક ગરીબ પરિવારમાં જન્મેલ બાળક હતો, જેનાં માતા-પિતા મજદૂરી કરી પેટિયું રળતાં હતાં. માતા-પિતા જ્યારે મજૂરી કરવા જતાં ત્યારે, તે નિર્માણ પામતી નવી ઇમારતોની આજુબાજુ રમ્યા કરતો. એક વખતની વાત છે. એક મોટી ઇમારતનું કામ ચાલી રહ્યું હતું. અહીં મજદૂરી કરતા શ્રમજીવીઓનાં બાળકો એકબીજાનાં શર્ટ પકડી દરરોજ રેલગાડી-રેલગાડી રમતા. ક્યારેક કોઈ એન્જિન બનતું કે ક્યારેક કોઈ ડબ્બો... દરરોજ બાળકો બદલાતા પરંતુ રેલગાડી-રેલગાડીની રમત ચાલુ રહેતી, પરંતુ માત્ર એક ચડ્ડી પહેરેલ પેલો નાનો બાળક હાથમાં કપડું લઈ રોજ ગાર્ડ બનતો. એક દિવસ તેને કોન્ટ્રાક્ટરે કુતૂહલવશ પૂછી લીધું. તું રોજ ગાર્ડ બને છે. તને ક્યારેય ડબ્બો કે એન્જિન બનવાની ઇચ્છા નથી થતી ? પેલા બાળકે જે જવાબ આપ્યો તે કોઈપણ સંવેદનશીલ માણસને હચમચાવી મૂકે તેવો છે. સાહેબ, મારી પાસે પહેરવા માટે શર્ટ જ નથી. તો મારી પાછળવાળો છોકરો શું પકડે ? માટે હું રોજ ગાર્ડ બનીને જ આ રમતનો ભાગ બનું છું અને તેનો આનંદ લઉં છું.
એ ગરીબ બાળકનો આ જવાબ આપણને જીવનને માણવાનો સૌથી મોટો ઉપદેશ શીખવી જાય છે કે જીવન કોઈનુંય પૂર્ણ નથી હોતું. તેમાં કોઈ ને કોઈ કમી તો રહેવાની જ. પરંતુ આપણે દરેક પરિસ્થિતિનો સામનો પેલા બાળકની જેમ ખુશી-ખુશી કરવાનો છે. તે બાળક પોતાના નસીબ અને મા-બાપ પર ગુસ્સે થઈ રડીને બેસી જાત તો તે અન્ય બાળકોની જેમ રમતનો આનંદ ક્યારેય ઉઠાવી શકત નહીં, પરંતુ એણે એવું કરવાને બદલે પરિસ્થિતિનું સમાધાન શોધી કાઢ્યું અને જીવનનો આનંદ ઉઠાવ્યો.