Jun 23, 2015

પ્રમુખસ્વામીનો પ્રભાવ મારા જીવન માં આધ્યાત્મિક ઉન્નતિનું સર્વોચ્ચ સોપાન - ડો એ પી જે અબ્દુલ કલામ

પ્રમુખસ્વામીનો પ્રભાવ મારા જીવન માં આધ્યાત્મિક ઉન્નતિનું સર્વોચ્ચ સોપાન - ડો એ પી જે અબ્દુલ કલામ

સાચો યોગી

એક યુવકના મનમાં યોગ-સાધનાને લઈને જિજ્ઞાસા ઉત્પન્ન થતાં એ એક તેજસ્વી યોગી-મહાત્મા પાસે ગયો અને કહ્યું, ‘સ્વામીજી મારે યોગ વિદ્યા થકી મારામાં છુપાયેલ રહસ્યમયી શક્તિઓને જાણવી છે, મને તમારાં શિષ્ય તરીકે દિક્ષા આપો!’

યોગીએ કહ્યું, ‘યોગ-સાધનામાં દિક્ષા આપવાનો અધિકાર માત્ર સદ્ગુરુનો છે. હું તને એ સદ્ગુરુની કેટલાક નિશાનીઓ આપું છું, તારે તેમની શોધ કરવી પડશે.’

યોગીએ આપેલી નિશાનીઓ પ્રમાણે પેલા યુવાને વર્ષો સુધી શોધ આદરી, આખરે એક દિવસ તેણે એક વૃક્ષ નીચે બેઠેલા દિવ્ય વ્યક્તિત્વધારી યોગી જોયા, ચારે તરફ દિવ્ય પ્રકાશ અને એવો જ તેજસ્વી ચહેરો. તેમને જોતાં જ એમનો એ ચહેરો જોતા આશ્ર્ચર્યમાં પડી ગયો. એ તેજપૂંજ ધરાવનારા યોગી એ જ સાધુ હતા જેમને તે વરસો પહેલાં મળ્યો હતો. આશ્ર્ચર્ય સાથે એણે યોગીને પૂછ્યું, ‘બાબા તમે મને આટલો ભટકાવ્યો શું કામ?’

યોગીએ જવાબ આપ્યો બેટા, ‘પહેલાં તારામાં યોગ વિશે માત્ર કૌતુક હતું અને આજે શિષ્યભાવ છે, અને યોગ માટે માત્ર કૌતુક હોવાથી જ કોઈ યોગી ના બની શકે, તેના માટે ધીરજ હોવી જોઈએ અને યોગને ગુરુ માની પોતાનામાં તેના પ્રત્યે શિષ્યભાવ પ્રગટ કરે તે વ્યક્તિ જ સાચો યોગી બની શકે.

Jun 3, 2015

તો ગંગાજળ માનવને મુક્તિ કેવી રીતે અપાવી શકવાનું...?

યુવા કબીર એક વખત પોતાના દૈનિક ક્રમ મુજબ ગંગાસ્નાન માટે જઈ રહ્યા હતા. વારાણસીની તંગ ગલીઓમાં તેમની નજર જીવનની અંતિમ ઘડીઓ ગણી રહેલા એક વિદ્વાન બ્રાહ્મણ પર પડી. કબીરે તેઓની પાસે જઈ ખૂબ જ આદરપૂર્વક કહ્યું, મહારાજ, મારા લાયક કાંઈ કામ...? બ્રાહ્મણે કહ્યું, બેટા, મારો અંતિમ સમય આવી ગયો લાગે છે અને હું આ દુનિયામાં એકલો છું અને મૃત્યુ પહેલાં ગંગાજળ પીવાની ઇચ્છા છે, તું લાવી આપીશ...? કબીર તત્કાળ ગંગાઘાટે જઈ પોતાની પાસેના પાત્રમાં ગંગાજળ ભરી લાવ્યા અને બ્રાહ્મણને પીવાનો આગ્રહ કરવા લાગ્યા. ત્યાં જ બ્રાહ્મણે તેઓને રોકતાં કહ્યું... પણ અરે... તું તો ગંગાજળ તારા આ પાત્રમાં લઈ આવ્યો. અને તું તો અમારાથી નીચી જાતિનો છે. તારે મને અપવિત્ર કરવો છે...? આ સાંભળી કબીરે ખૂબ જ શાલીનતાપૂર્વક કહ્યું... મહારાજ, શું તમને આ ગંગાજળ પર એટલી પણ શ્રદ્ધા નથી કે તે મારા આ પાત્રને પવિત્ર કરી શકે...? તો પછી આ ગંગાજળ તમને પવિત્ર કરી મુક્તિ ક્યાંથી આપી શકવાનું? કબીરની આ વાણીથી પેલા બ્રાહ્મણની આંખો ખૂલી ગઈ અને કહ્યું, બેટા, તેં મને સાચો ધર્મ શીખવ્યો છે. હવે તું જ તારા હાથે ગંગાજળ પીવડાવી મને મુક્તિ આપ. ગંગાજળ પીધાની થોડીક જ ક્ષણોમાં બ્રાહ્મણે પોતાના પ્રાણ ત્યજી દીધા.