Aug 24, 2015

કાર્ય પ્રત્યેની સમર્પણભાવના

દેશમાં સાયકલના જનક શ્રી ઓમપ્રકાશ મુંજાલનું ગત ૧૩ ઑગસ્ટના રોજ નિધન થયું. સાયકલ ઉત્પાદન માટેની હીરો કંપની પ્રસ્થાપિત કરી, ‘હીરો’ ગરીબ અને મધ્યમવર્ગના હીરો બની ગયેલા ઓમપ્રકાશની નેતૃત્વક્ષમતા અને કાર્ય પ્રત્યેની સમર્પણભાવનાને ઉજાગર કરતો એક સુંદર અને પ્રેરણાદાયી પ્રસંગ તેમની આત્મકથામાંથી મળી આવે છે. એક દિવસ તેમના કારખાનામાં કામદારોએ હડતાળ પાડી, કામકાજ ઠપ્પ થઈ ગયું; ત્યારે ઓમપ્રકાશજી ખૂબ જ શાંતિથી પોતાના કાર્યાલયમાંથી બહાર આવ્યા અને કામદારોને કહ્યું, ‘જો તમારે આજે કામ ન જ કરવું હોય અને ઘરે જ જવું હોય તો જાઓ, પરંતુ કારખાનું તો ચાલુ જ રહેશે; તમે નહીં તો હું ખુદ કામે ચડીશ.’ કેટલાક ઉપરીઓ-સિનિયરોએ તેઓને રોક્યા અને કહ્યું, ‘સાહેબ તમે રહેવા દો, અમે વેપારીઓને સમજાવી દઈશું’. ત્યારે તેઓએ કહ્યું, ‘મોટા વેપારીઓ તો સમજી જશે કે, હડતાળને કારણે કામ નથી થયું, પરંતુ એ બાળકોનું શું? જેમનાં માતા-પિતાએ તેમના જન્મ-દિવસે તેમને સાયકલ લાવી આપવાનું વચન આપ્યું છે! કામદારો અને કારખાનાની લડાઈમાં તે નિર્દોષ ભૂલકાંનો શો વાંક...? તેથી હું જેટલી સાયકલો બનાવી શકીશ, તેટલી બનાવીશ અને વ્યાપરીઓને જે વચન આપ્યાં છે, તે બને તેટલાં પૂરાં કરવાનો પ્રયત્ન કરીશ.’ આટલું કહી તેઓએ જાતે જ સાયકલ ઉત્પાદનનું ઠપ્પ થઈ ગયેલું કાર્ય પુન: શરૂ કરી દીધું. તેમની કામ સ્વકર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણભાવનાની વાત કામદારો સુધી પહોંચતાં જ તેઓ દોડતાં આવ્યાં અને ઉપ્દાન કાર્ય પુન: શરૂ કરી દીધું અને તે દિવસે જેટલા ઑર્ડર હતા તે બધું કામ પૂરું કરી દેવામાં આવ્યું. આવી હતી ઓ. પી. મુંજાલજીની કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણભાવના અને કર્મચારીઓ પાસે કામ લેવાનું કૌશલ્ય! આવા દૃષ્ટિવંત, સંનિષ્ઠ, કર્તવ્યપરાયણ અને વ્યવહારુ સુઝબુઝ ધરાવતા ઉદ્યોગશ્રેષ્ઠીને ચિર-વિદાય વેળાએ આદરાંજલિ રૂપે શ્રદ્ધા સુમન...!