Sep 22, 2017

સાથી હાથ બઢાના

અમેરિકામાં એક વખત મોટા યુદ્ધ માટે સૈન્ય ક્યાંક જઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં એક ખૂબ મોટી શિલા (પથ્થર)ને કારણે સૈન્યને આગળ વધવામાં તકલીફ પડી રહી હતી. સૈનિક અધિકારીએ મોટા પથ્થરને દૂર કરવાનો આદેશ આપ્યો. સૈનિકો કામે લાગ્યા, પરંતુ પથ્થર ખૂબ ભારે હોવાથી કેમ કરીનેય હટતો ન હતો. પેલો સૈન્ય અધિકારી જવાનોનો ઉત્સાહ વધારવાને બદલે તેમને ગાળો આપી નકામા કહી રાડો પાડી રહ્યો હતો. તેટલામાં એક સામાન્ય દેખાતો લઘરવઘર માણસ આવ્યો અને સૈન્ય અધિકારીને કહ્યું, ‘જો તમે આ સૈનિકોની સાથે કામમાં જોડાવ તો તેમનો ઉત્સાહ વધશે અને કામ સરળ થઈ પડશે.’ પેલા અધિકારીએ તેને ધમકાવતાં કહ્યું, ‘મૂર્ખ, તું જોતો નથી ? હું કમાંડર છું. મારું કામ માત્ર હુકમ આપવાનું છે. કુલીનું નહીં.’ પેલાએ ક્ષમા માગી, ખુદ સૈનિકો સાથે જોડાઈ ગયો. છેવટે અનેક પ્રયત્નો બાદ પથ્થરને ત્યાંથી હટાવી દેવામાં સફળતા મળી. સામાન્ય દેખાતા એ વ્યક્તિએ સૈનિક અધિકારી પાસે જઈ તેનું અભિવાદન કર્યંુ અને કહ્યું, ‘હવે પછી કોઈ તકલીફ આવે તો મને યાદ કરજો. હું ખુદ મદદ કરી તે કામને સરળ બનાવી દઈશ.’ કમાન્ડરે પોતાનાં ભવાં ચડાવતાં કહ્યું, ‘ઠીક છે.... ઠીક છે.. હવે બોલાવી લઈશ. તારું નામ અને ઠેકાણું કહે.’ પેલા વ્યક્તિએ ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, ‘શ્રીમાન, મારું નામ જ્યોર્જ વોશિંગ્ટન છે અને આ દેશના રાષ્ટ્રપતિનું સરનામું જ મારું ઠેકાણું છે.’ પોતાના દેશના રાષ્ટ્રપતિને પોતાની સામે જોતાં જ કમાન્ડર પોતાના હોશ ખોઈ બેઠો અને ગળગળો થઈ પોતાની ભૂલની ક્ષમા માંગવા લાગ્યો અને ભવિષ્યમાં ખુદ પણ સિપાહીઓ સાથે ખભેખભા મિલાવી કામ કરવાની પ્રતિજ્ઞા લીધી.

સેવાભાવ

એક સંત સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માગતા હતા. તેઓએ એક વિદ્યાલય ખોલ્યું. આ પાછળ તેમનો આશય હતો કે તે વિદ્યાલયમાંથી જે પણ વિદ્યાર્થી બહાર નીકળે તે સમાજના વિકાસમાં સહાયક બને. એક દિવસ તેઓએ પોતાના વિદ્યાલયમાં વાદ-વિવાદનું આયોજન કર્યું. સ્પર્ધાનો વિષય હતો ‘સેવાની સાચી ભાવના’. સ્પર્ધાના દિવસે નક્કી થયેલા સમયે તમામ વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. સ્પર્ધા શરૂ થઈ. તમામ સ્પર્ધકોએ સેવા પર શાનદાર ભાષણ કર્યાં. એક વિદ્યાર્થીએ સેવા માટે સંસાધનોને મહત્ત્વનાં ગણાવ્યાં અને કહ્યું કે કોઈ સેવા ત્યારે જ કરી શકે જ્યારે તેની પાસે જરૂરી સંસાધનો હોય. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું સેવા માટે સંસાધન નહીં સાચી ભાવના હોવી જરી છે, પરંતુ જ્યારે પરિણામનો સમય આવ્યો ત્યારે સંતે એવા વિદ્યાર્થીની પસંદગી કરી જે વિદ્યાર્થી મંચ પર આવ્યો જ ન હતો. પરિણામે અન્ય વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવતાં કહ્યું કે તમે એવા વિદ્યાર્થીને વિજેતા જાહેર કેવી રીતે કરી શકો જે સ્પર્ધામાં આવ્યો જ નથી ? સંતે જવાબ આપ્યો, ‘સ્પર્ધા તો એક બહાનું માત્ર હતું. હકીકતમાં હું એ જાણવા માંગતો હતો કે, તમારામાંથી સેવાભાવને કોણે સૌથી વધુ આત્મસાત્ કર્યો છે. માટે જ મેં સ્પર્ધાના સ્થળના દરવાજે એક ઘાયલ બિલાડી રાખી દીધી હતી, પરંતુ તમારામાંથી કોઈએ તેના તરફ ધ્યાન ન આપ્યું. આ એક માત્ર વિદ્યાર્થી હતો, જેણે ત્યાં રોકાઈને એ બિલાડીનો ઉપચાર કર્યો અને તેને સુરક્ષિત સ્થાને મૂકી પણ આવ્યો અને તેના કારણે જ તે યોગ્ય સમયે મંચ પર આવી શક્યો નહીં. માટે સેવાભાવ આચરણ અને વર્તનમાં હોવો જોઈએ.’

જીવન કોઈનુંય પૂર્ણ નથી હોતું, તેને પરિપૂર્ણ માની જીવવાનું શીખવું પડે છે

એક ગરીબ પરિવારમાં જન્મેલ બાળક હતો, જેનાં માતા-પિતા મજદૂરી કરી પેટિયું રળતાં હતાં. માતા-પિતા જ્યારે મજૂરી કરવા જતાં ત્યારે, તે નિર્માણ પામતી નવી ઇમારતોની આજુબાજુ રમ્યા કરતો. એક વખતની વાત છે. એક મોટી ઇમારતનું કામ ચાલી રહ્યું હતું. અહીં મજદૂરી કરતા શ્રમજીવીઓનાં બાળકો એકબીજાનાં શર્ટ પકડી દરરોજ રેલગાડી-રેલગાડી રમતા. ક્યારેક કોઈ એન્જિન બનતું કે ક્યારેક કોઈ ડબ્બો... દરરોજ બાળકો બદલાતા પરંતુ રેલગાડી-રેલગાડીની રમત ચાલુ રહેતી, પરંતુ માત્ર એક ચડ્ડી પહેરેલ પેલો નાનો બાળક હાથમાં કપડું લઈ રોજ ગાર્ડ બનતો. એક દિવસ તેને કોન્ટ્રાક્ટરે કુતૂહલવશ પૂછી લીધું. તું રોજ ગાર્ડ બને છે. તને ક્યારેય ડબ્બો કે એન્જિન બનવાની ઇચ્છા નથી થતી ? પેલા બાળકે જે જવાબ આપ્યો તે કોઈપણ સંવેદનશીલ માણસને હચમચાવી મૂકે તેવો છે. સાહેબ, મારી પાસે પહેરવા માટે શર્ટ જ નથી. તો મારી પાછળવાળો છોકરો શું પકડે ? માટે હું રોજ ગાર્ડ બનીને જ આ રમતનો ભાગ બનું છું અને તેનો આનંદ લઉં છું.
એ ગરીબ બાળકનો આ જવાબ આપણને જીવનને માણવાનો સૌથી મોટો ઉપદેશ શીખવી જાય છે કે જીવન કોઈનુંય પૂર્ણ નથી હોતું. તેમાં કોઈ ને કોઈ કમી તો રહેવાની જ. પરંતુ આપણે દરેક પરિસ્થિતિનો સામનો પેલા બાળકની જેમ ખુશી-ખુશી કરવાનો છે. તે બાળક પોતાના નસીબ અને મા-બાપ પર ગુસ્સે થઈ રડીને બેસી જાત તો તે અન્ય બાળકોની જેમ રમતનો આનંદ ક્યારેય ઉઠાવી શકત નહીં, પરંતુ એણે એવું કરવાને બદલે પરિસ્થિતિનું સમાધાન શોધી કાઢ્યું અને જીવનનો આનંદ ઉઠાવ્યો.

Aug 29, 2017

એક સારુ કાર્ય....

તાજેતરમાં ગુજરાતમાં આવેલા ભારે પૂર બાદ પૂરપીડિતોની સહાય અર્થે સમગ્ર ગુજરાતમાં રા.સ્વ.સંઘના સ્વયંસેવકો દ્વારા નિધિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. ભાવનગરના કેટલાક સ્વયંસેવકો એક ઉપાશ્રયમાં ગયા અને જૈનાચાર્યને વિનંતી કરી કે નિધિ એકત્રીકરણ માટેનું દાનપાત્ર ઉપાશ્રયમાં મૂકવાની પરવાનગી આપે, જેથી ત્યાં આવતા શ્રાવકો તેમાં દાન નાખી શકે. જૈનાચાર્યએ હસતા મુખે તે પરવાનગી આપી. ત્યાં આવતા શ્રાવકો યથાશક્તિ દ્રવ્યદાન કરતા હતા. એક વખત એક શ્રાવક ત્યાં આવ્યા. પૂરપીડિતો માટે દાન એકઠું કરવાની વાત જાણી રાજી થયા અને કહ્યું ‘આ દાનપાત્રમાં કુલ જેટલા ‚પિયા થશે તેટલા રૂપિયા હું એકલો મારા તરફથી દાન કરીશ.’

અંતિમ દિવસે દાનપાત્ર ખોલતાં તેમાંથી ૩૬ હજાર રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ. શ્રાવકને બોલાવી જાણ કરવામાં આવી. તેઓએ કહ્યું, ‘હું મારા ઘરે જઈ બીજા ૩૬ હજાર રૂપિયા લઈને આવું છું.’ તેઓ ઘરે જઈને આવ્યા ત્યારે ૩૬ હજારના બદલે ૭૨ હજાર રૂપિયા લઈને આવ્યા હતા. જૈનાચાર્યએ ૩૬ હજારના બદલે ૭૨ હજાર રૂપિયા લાવવાનું કારણ પૂછતાં શ્રાવકે કહ્યું, ‘હું મારા ઘરેથી ૩૬ હજાર રૂપિયા લઈને નીકળતો હતો ત્યાં જ મારા એક મિત્ર આવ્યા. તેમણે મને કારણ પૂછ્યું, મેં પૂરપીડિતો માટે દાનની વાત કરતાં તેમણે તેમના તરફથી બીજા ૩૬ હજાર રૂપિયાનું દાન આપ્યું છે.’ શ્રાવકની વાત જાણી સહુને સાનંદાશ્ર્ચર્ય થયું.

આ પ્રસંગ ‘દીપ સે દીપ જલે’ની ભાવના સાર્થક કરે છે. જ્યારે કોઈ માણસ સારું કાર્ય કરવા માટે પ્રેરાય છે ત્યારે તેને ઈશ્ર્વરીય સંકેતથી તેના જેવા અનેક માણસો મળી રહે છે. આમ દાન, સેવા, ધર્મ, સ્નેહ, પ્રેમ, સહાય અને મદદની સરિતાઓ સતત વહેતી રહે છે.

Jul 20, 2017

દાર્શનિક સુકરાત

મહાન દાર્શનિક સુકરાત દરરોજ સવારે ઘરેથી નીકળતાં અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોયા કરતા. એક દિવસ તેમના એક શિષ્યએ તેમને આમ કરતાં જોયા તો તેના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું. સુકરાત સમજી ગયા. તેઓએ શિષ્યને કહ્યું, ‘તું એમ વિચારતો હોઈશ કે, આ કદરૂપો વ્યક્તિ પોતાની જાતને આમ અરીસામાં શું કામ જોતો હશે?’ શિષ્ય ભોંઠો પડ્યો. તે કંઈક કહેવા જાય તે પહેલાં જ સુકરાત બોલ્યા, ‘હું દરરોજ સૌપ્રથમ મારી કુરુપતાને આ અરીસામાં જોઉં છું, કારણ કે તેના પ્રતિ સજાગ રહી શકું અને આમ કરવાથી મને એવું જીવન જીવવાની પ્રેરણા મળે છે કે મારા સદ્ગુણ એટલા નીખરે કે તે મારા કદ‚પાપણા પર ભારે પડી જાય.’ તો શું સુંદર મનુષ્યે અરીસામાં જોવાની જરૂર નથી ? ભોંઠા પડેલા શિષ્યે પૂછ્યું, સુકરાતે જવાબ આપ્યો. અરીસામાં તો તેણે પણ જોવું જોઈએ, પરંતુ તે જ્યારે અરીસામાં ખુદને જુએ, ત્યારે એવો અનુભવ કરે કે તેના ગુણો પણ એટલા જ સુંદર હોય, જેટલું સુંદર પરમાત્માએ તેને શરીર આપ્યું છે.

દેશભક્તિ

અમેરિકામાં વેદાંતનો પ્રચાર કરી ભારત આવતા પહેલાં સ્વામી રામતીર્થ જાપાન ગયા, જ્યાં તેમને એક શાળામાં આમંત્રવામાં આવ્યા. શાળામાં એક વિદ્યાર્થીને સ્વામીજીએ પૂછ્યું, ‘બેટા, તારો ધર્મ કયો ?’ બાળકે જવાબ આપ્યો ‘બૌદ્ધ’. સ્વામીજીએ ફરી પૂછ્યું, ‘બુદ્ધને લઈને તું શું વિચારે છે ?’ તેણે કહ્યું, ‘બુદ્ધ તો ભગવાન છે.’ ‘તું કન્ફ્‌યુશિયસને જાણે છે ?’ સ્વામીજીએ પ્રશ્ર્ન કર્યો. હા, તે અમારા મહાન સંત છે.’ બાળકે જવાબ આપ્યો. સ્વામી રામતીર્થને પેલા બાળકમાં વધારે રસ પડ્યો. તેઓએ તેને પૂછ્યું, ‘જો કોઈ દેશ જાપાનને જીતવા માટે જાપાન પર ચડાઈ કરી દે અને તેના સેનાપતિ ભગવાન બુદ્ધ કે કન્ફ્‌યુશિયસ હોય તો ?’ આ સાંભળતાં જ પેલા બાળકનો ચહેરો તમતમી ઊઠ્યો અને કહ્યું કે હું મારા દેશની રક્ષા માટે ભગવાન બુદ્ધ અને કન્ફ્‌યુશિયસ સામે પણ હથિયાર ઉઠાવતાં નહીં અચકાઉં. વિદ્યાર્થીનો જવાબ સાંભળી સ્વામી રામતીર્થ ગદગદ થઈ ગયા અને તેમના મુખમાંથી આપોઆપ શબ્દો સરી પડ્યા. ‘જે દેશનાં બાળકો આવાં દેશભક્ત હોય એ દેશ ક્યારેય પણ કોઈનો ગુલામ ન બની શકે.’

May 11, 2017

સુંદરતા અંગે ચાણક્યનો વિચાર



સમ્રાટ ચન્દ્રગુપ્ત દેખાવે ખૂબ જ સુંદર અને ગોરા હતા. જ્યારે ચાણક્ય કાળા અને કુરૂ‚પ. એક દિવસ બન્ને વચ્ચે નીતિ સંબંધિત ચર્ચા ચાલી રહી હતી. ચન્દ્રગુપ્ત ચાણક્યના કોઈ જ પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ આપી શકતા ન હતા, માટે તેઓએ અચાનક ચર્ચાનો વિષય બદલતાં કહ્યું, રાજ્યના તમામ લોકો તમારી વિદ્વતાના કાયલ છે. જો ખાલી ભગવાને તમને થોડું ‚રૂપ આપ્યું હોત તો વિશ્ર્વમાં તમારો કોઈ જ વિકલ્પ ન હોત. ચાણક્ય સમજી ગયા કે ચન્દ્રગુપ્તને પોતાની સુંદરતાનું અભિમાન થઈ ગયું છે. તેનો જવાબ ચાણક્યએ વિચારી કાઢ્યો. ચન્દ્રગુપ્ત હંમેશાં સોનાના પ્યલામાં જ પાણી પીતા. ચાણક્યે સેવકને માટીના ગ્લાસ અને સોનાના પ્યાલામાં પાણી લાવવાનું કહ્યું. ચન્દ્રગુપ્તને તરસ લાગતાં તેને માટીના પ્યાલામાં પાણી અપાયું. પાણી પીધા બાદ ચન્દ્રગુપ્તે પુછ્યું આજે પાણીનો સ્વાદ આટલો અલગ કેમ છે ? ચાણક્યે કહ્યું, માફી મહારાજ, ભૂલથી આજે તમને પાણી માટીના પ્યાલામાં આપી દેવાયું છે અને તરત જ સુવર્ણપ્યાલો ધર્યો. ચન્દ્રગુપ્તે તે પણ પીધું. ચાણક્યે પૂછ્યું, રાજન, આ બન્ને પ્યાલામાંથી તમને કયા પ્યાલાનું પાણી વધારે પસંદ આવ્યું ? માટીના પ્યાલાવાળું વધારે ઠંડું અને મીઠું લાગ્યું, હવેથી મારે માટે પાણી માટીના વાસણમાં જ લાવવું, ચન્દ્રગુપ્તે આદેશ આપ્યો.
ચાણક્યે હસીને કહ્યું, રાજન, જે રીતે પ્યાલાની સુંદરતા પાણીને ઠંડું અને મીઠું બનાવી શકતી નથી તેવી જ રીતે શરીરની સુંદરતાથી કોઈ વ્યક્તિ જ્ઞાની અને વિદ્વાન બની જતો નથી. સુંદરતા કે કુ‚રૂપતાથી જ્ઞાનનું માપ કાઢવું યોગ્ય નથી. ચન્દ્રગુપ્ત ચાણક્યનો ઇશારો સમજી ગયા. તેઓએ તત્કાળ ચાણક્યની માફી માંગી

જેવું બોલશો તેવા દેખાશો

એક દિવસ મહારાજ વિક્રમાદિત્ય પોતાના સૈનિકો અને મંત્રી સાથે શિકાર માટે ગયા. શિકારની શોધમાં તમામ એકબીજાથી વિખૂટા પડી ગયા. ત્યારે જંગલમાં એક ઝાડની છાયામાં બેઠેલા અંધ સાધુને વિક્રમાદિત્યે પૂછ્યું, ‘સાધુ મહારાજ ! શું અહીંથી હાલમાં કોઈ માણસ પસાર થયો છે ?’ પેલો સંઘ સાધુએ જવાબ આપ્યો, ‘મહારાજ, સૌપ્રથમ તો અહીંથી તમારો સેવક નીકળ્યો હતો, ત્યાર બાદ તમારો સેનાનાયક અને બાદમાં તમારા મંત્રી હમણાં જ અહીંથી ગયા. અંધ સાધુના જવાબથી વિક્રમાદિત્યે આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, ‘મહારાજ, આપ તો અંધ છો, છતાં તમે એ લોકોને કેવી રીતે કહી શકો કે, પહેલાં મારો સેવક, ત્યાર બાદ નાયક, મંત્રી અને હમણાં જ પસાર થયા છે, અને હું તેમનો રાજા છું ? પેલા સાધુએ કહ્યું, ‘મહારાજ, મેં એ ત્રણેયની વાણી અને તમારી વાણી સાંભળી, સૌ પ્રથમ તમારા સેવકે આવી મને પૂછ્યું, એય આંધળા, અહીંથી કોઈ પસાર થયું છે ખરું ? થોડા સમય બાદ તમારા નાયકે આવી પૂછ્યું, સુરદાસ, અહીંથી કોઈ નીકળ્યું છે ? તેની પાછળ જ આવેલા તમારા મંત્રીએ પૂછ્યું, સુરદાસજી, અહીંથી કોઈ નીકળ્યું છે ખરું ? અને અંતમાં તમે સ્વયં આવીને કહ્યું, ‘સાધુ મહારાજ, અહીંથી હમણાં કોઈ મુસાફર પસાર થયો છે ? મહારાજ, વ્યક્તિની વાણી જ તેના સંસ્કાર, પદ અને પ્રતિષ્ઠાની ઓળખ આપી દેતી હોય છે.’

Mar 15, 2017

Jan 25, 2017

મુક્તિનો મારગ

પોતાનાં કુકર્મોથી ત્રસ્ત એક ડાકુ ગુરુ નાનકજી પાસે ગયો, તેમના કદમોમાં પડી જઈ કહેવા લાગ્યો, ‘મહારાજ, હું મારા લૂંટ-ફાટ અને હિંસાભર્યા જીવનથી ત્રસ્ત થઈ ગયો છું. હવે તમે જ મને કોઈ રસ્તો બતાવો. મારે આ બૂરાઈનો રસ્તો ત્યજવો જ છે.’ નાનકજીએ કહ્યું, ‘એમાં શી મોટી વાત છે ? તુ ખરાબ કર્મો કરવાનું છોડી દે, આપોઆપ તું તે જીવનમાંથી બહાર આવી જઈશ.’ ડાકુ ખુશ થતો ગયો. થોડા દિવસ પછી તે પાછો આવ્યો. ‘ગુરુદેવ, મેં ખૂબ જ કોશિશ કરી પરંતુ મારાથી એ માર્ગ છૂટતો જ નથી. હું મારી આદતથી લાચાર છું. કૃપા કરી મને કોઈ અન્ય માર્ગ બતાવો.’ આ સાંભળી ગુરુ નાનકજીએ કહ્યું, ‘એમ કર.’ તને જે કરવાનું મન થાય એ કહી દે, પરંતુ એ કર્યા બાદ તરત જ સામે તેની કબૂલાત કરી લે.’ ડાકુ ખૂબ જ ખુશ થયો કે, પોતે બેધડક ધાડ, લૂંટ પાડશે અને બીજા સમક્ષ કબૂલ કરી પોતાનું મન હલકું કરી લેશે. થોડા દિવસ બાદ વળી પાછો તે ગુરુ નાનકજી પાસે આવી કરગરી પડ્યો. ગુરુજી, ખરાબ કર્મ કરવું જેટલું મુશ્કેલ છે તેનીથી મુશ્કેલ તો તેનો સ્વીકાર કરવાનું છે. માટે મેં સરળ રસ્તો પસંદ કરી ચોરી અને લૂંટ કરવાનું જ છોડી દીધું છે. પોતાની બૂરાઈઓનો સ્વીકાર કરવા કરતાં તેનો ત્યાગ કરવો એ જ સાચી મહાનતા છે. બૂરાઈઓનો સ્વીકાર કરવાથી મન તો હલકું થઈ શકે છે, પરંતુ અપરાધભાવથી પૂર્ણ રૂ‚પે મુક્તિ મળી શકતી નથી, પૂર્ણ મુક્તિ તો ત્યાગથી શક્ય છે.’

Jan 3, 2017

સફળતાનું સોપાન

જીવવિજ્ઞાનના એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને સાથે રાખીને એક પ્રયોગ કર્યો. પાણીની એક ટાંકીમાં એણે શાર્ક માછલી રાખી અને તેની સાથે બીજી કેટલીક નાની-નાની માછલીઓ પણ ટાંકીમાં મૂકી. બધા વિદ્યાર્થીઓએ પણ જોયું કે થોડી જ વારમાં શાર્કે નાની-નાની બધી જ માછલીઓનો સફાયો કરી દીધો. આ પ્રયોગ જોઈને વિદ્યાર્થીઓએ કહ્યું, ‘સર, આ પરિણામની તો ખબર જ હતી. આમાં નવીનતા શું છે ?’ પ્રોફેસરે કહ્યું, ‘મિત્રો, પ્રયોગની સાચી શરૂ‚આત હવે જ થાય છે. હવે ધ્યાનથી જોજો કે શું થાય છે.’ પ્રોફેસરે હવે પાણીની આ મોટી ટાંકીમાં બરાબર વચ્ચે એક ફાઈબર ગ્લાસ મૂકી દીધો. એક ભાગમાં શાર્ક રાખી અને ફાઈબર ગ્લાસથી જુદા થયેલા બીજા ભાગમાં નાની-નાની માછલીઓ મૂકી. નાની માછલીઓને જોતાં જ શાર્કે એમને પકડવા માટે તરાપ મારી પણ વચ્ચે ફાઈબર ગ્લાસ હોવાથી એ એની સાથે અથડાઈ અને પાછી પડી. ફરીથી હિંમત કરીને એણે નાની માછલીઓ પર હુમલો કર્યો, પણ વચ્ચેની પારદર્શક દીવાલને લીધે એ માછલીઓને પકડી શકતી ન હતી. એકાદ કલાકની મહેનત પછી એ થાકી ગઈ અને ધીમે ધીમે પ્રયાસો ઓછા કરી દીધા.
પ્રોફેસરે થોડા દિવસો સુધી વિદ્યાર્થીઓને બની રહેલી ઘટનાનું નિરીક્ષણ કરવા માટે કહ્યું. વિદ્યાર્થીઓએ જોયું કે જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ નાની માછલીઓને પકડવાના પ્રયાસો શાર્કે ઓછા કરી દીધા અને પછી તો પ્રયાસ સાવ બંધ જ કરી દીધા. થોડા દિવસ એમ જ જવા દઈને પછી બંને માછલીઓ વચ્ચે રહેલા ફાઈબર ગ્લાસને લઈ લેવામાં આવ્યો. હવે શાર્ક ઇચ્છે તો બીજી માછલીઓને આરામથી પકડી શકે તેમ હતી. આમ છતાં એણે નાની માછલીઓને પકડવાનો કોઈ પ્રયાસ જ ન કર્યો. આપણે જોયેલાં સપનાંઓને સાકાર કરવા માટે પૂરી મહેનત સાથેના પ્રયાસો કરીએ છીએ અને આમ છતાંય ઘણી વખત સફળતા મળતી નથી. વારંવારની નિષ્ફળતા બાદ શાર્કની જેમ હાર માનીને બેસી જઈએ છીએ કે હવે આપણાથી આ નહીં થઈ શકે. યાર, કોને ખબર ભગવાને આપણી ધીરજની પરીક્ષા કરવા માટે મૂકેલો ફાઈબર ગ્લાસ લઈ લીધો હોય અને હવે માત્ર એક જ પ્રયાસની જરૂર હોય !