Feb 20, 2015

વાણી હંમેશાં સમજી - વિચારી કુનેહથી વાપરવી.

બારડોલી સત્યાગ્રહ પ્રસંગે સુરત સ્ટેશન પર સલૂનમાં ગવર્નર સાથે સુલેહ કરી પછી સરદાર પટેલ સહીઓ કરવાની વિધિ પૂરી થાય તેની રાહ જોતાં પ્લેટફોર્મ પર આંટા મારતા ફરતા હતા.

બીજી તરફ એક સ્થાને જમીનદાર ખેડૂતો પાસે સહી કરાવી રહ્યાં હતા. આવામાં ખેડૂતોની જમીન પાણીના મૂલે વેચાતી રાખનાર એક અક્કડ માણસે આવીને કહ્યું કે, ‘‘વલ્લભભાઈ પટેલે મને બહુ ગાળો આપી છે, તે મારી માફી માગે તો જ હું જમીન પાછી આપવાના પત્ર પર સહી કરીશ.’’

હવે સરદારને માફી માગવાનું કોણ કહી શકે ? હવે આ અક્કડ માણસને કોણ સમજાવે ? કોઈને કંઈ સૂજતું ન હતું. સરદાર રાહ જોઈ રહ્યાં હતા. આખરે ઘણી વાર થતાં સરદારે જ પૂછ્યું. ઘણીવાર થઈ.... ‘‘ગાડું ક્યાં ખોટકાયું છે ?’’

ત્યારે કોઈએ હિંમત રાખી સરદારને પેલા અક્કડ જમીનદારની શરત કહી.

ત્યારે સરદારે કહ્યું, ‘‘તો તમે ક્યારના કહેતા કેમ નથી ?’’

જમીનદાર બેઠેલા હતાં ત્યાં જઈને સરદારે તેને કહ્યું, ‘કેમ ? મેં તમને બહુ ગાળો દીધી છે ?’

પેલાએ કહ્યું, ‘‘હા’’.

સરદારે કહ્યું, ‘‘ચાલો સહી કરી દો. કાલથી હું તમારા વખાણ કરીશ.’’ પેલા અક્કડ જમીનદારે તરત જ કાગળ પર સહી કરી દીધી. માફીની વાત ત્યાં જ રહી. ‘માફી’ના બદલે ‘વખાણ’ શબ્દ વાપરી સરદારે કુનેહથી કામ કઢાવી લીધું.

બોધ એ છે કે ઘણીવાર માણસની વાણી પણ કઠીનમાં કઠીન કાર્ય પાર પાડી દે છે. માટે વાણી હંમેશાં સમજી - વિચારી કુનેહથી વાપરવી.

Feb 10, 2015

પાંજરામાં શેં પુરાય?

કાકાસાહેબ કાલેલકરનું નામ છે, દત્તાત્રય. ઘરમાં એમને દત્તુ કહીને બોલાવતા. નાનપણના એમના કેટલાક પ્રેરણા આપે એવા પ્રસંગ છે. એક પ્રસંગ તેઓ પોતાની મોટી બહેનનો યાદ કરે છે. મહારાષ્ટ્રમાં મોટી બહેનને આક્કા કહે. એક વાર એ સાસરેથી પિયર આવેલી. દત્તાના ઘરમાં તે વખતે એક પોપટ હતો. પાંજરામાં તેને રાખેલો. પણ આક્કા કહે કે, ‘આ પોપટને આપણે ઉડાડી દઈએ.’

દત્તુએ પૂછ્યું કે : ‘કેમ? એ તો બધાનો માનીતો છે.’

ત્યારે આક્કાએ નળ-દમયંતીનું આખ્યાન સંભળાવ્યું. તેમાં રાજાના હાથમાં સપડાયેલો હંસ છૂટી જવા માટે તરફડિયાં મારે છે, પોતાને છોડી દેવા રાજાને અનેક રીતે કરગરીને વીનવે છે, પણ રાજા તેને છોડતા નથી. તેથી નિરાશ થઈને વિલાપ કરે છે. એ પ્રસંગ આવ્યો ત્યારે આક્કા રડી પડી! પછી દરેક કડીનો એણે અર્થ કરી બતાવ્યો. આથી સહુનાં હૈયાં પીગળી ગયાં અને નક્કી થયું કે પોપટને છોડી દઈએ.

એટલે એક ઝાડ પર પાંજરું ટીંગાડ્યું અને ધીમે રહીને તેનું બારણું ખોલ્યું. એક ક્ષણ સુધી તો બહાર ઊડી જવાનું પોપટને સૂઝ્યું પણ નહીં. એ તો હેબતાઈ જ ગયો હશે. બીજી ક્ષણે ફરરર... આકાશમાં ઊડી ગયો. આક્કાની આંખમાં આનંદનાં ઝળઝળિયાં આવ્યાં. આ પ્રસંગ દત્તુના ચિત્ત પર અમીટ છાપ મૂકતો ગયો.

Feb 6, 2015

એ તારો ગુલામ છે!

બાળપણમાં વિનોબાને ભૂતનો બહુ ડર લાગતો. ત્યારે મા તેને સમજાવતી કે ભૂત-બૂત તો નરી કલ્પ્ના છે. ભગવાનના ભક્તોને ભૂત-પ્રેત કદી નથી સતાવી શકતાં. રામનામ લેવું એટલે બધાં ભૂત-પ્રેત ભાગી જશે. દીકરાને મા પર શ્રદ્ધા હતી એટલે એ ડર તો ઘણો ખરો ગયો. પણ એક દિવસ એવું થયું કે રાતે ઓરડામાં એક બાજુ ફાનસ હતું, એટલે સામેની દીવાલ ઉપર વિન્યાનો જ લાંબો-મોટો પડછાયો દેખાતો હતો. વિન્યો એકદમ ગભરાઈ ગયો કે સામે કેવડો મોટો માણસ ઊભો છે! એ તુરત મા પાસે દોડીને એની સોડમાં લપાઈ ગયો. ત્યારે માએ તેને પ્રેમથી સમજાવ્યું કે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એ જે દેખાય છે તે તો તારો ગુલામ છે. તું કરીશ તેમ જ તેણે કરવું પડશે. તું બેસીશ. તું બેસીશ, તો એ પણ બેસશે, તું ઊભો થઈશ, તો એ પણ ઊભો થશે.

વિન્યાએ તો એમ કરી જોયું. એ બેઠો હતો પડછાયો પણ બેઠો. એ ઊભો થયો તો પડછાયો પણ ઊભો થયો, એ ચાલવા લાગ્યો તો પડછાયો પણ ચાલવા લાગ્યો. એટલે એને ખાતરી થઈ ગઈ કે આ તો આપણો ગુલામ છે, તેનાથી ડરવાનું હોય નહીં, આમ માએ બુદ્ધિપૂર્વક બાળકના મનમાંથી પડછાયાનો ડર કાઢ્યો.