Jan 4, 2012

મધુર સંબંધો એ જ સાચા સ્વાસ્થ્યની જડીબુટ્ટી


સ્વાસ્થ્ય તરફનો અભિગમ :  ભારતમાં સ્વાસ્થ્ય તરફનો અભિગમ જેટલો પરિપૂર્ણ છે અને વૈજ્ઞાનિક છે તેટલો ક્યાંય નથી. સ્વાસ્થ્યને વ્યક્તિત્વની સમગ્રતામાં જોયું છે. શરીર-મન-બુદ્ધિ અને આત્માનું સંતુલન હોય તો જ સ્વાસ્થ્ય સારું રહી શકે. સ્વાસ્થ્યને માત્ર શરીરની યંત્રણાના સંદર્ભમાં જોવું એક મોટી ભૂલ છે. આપણા પૂર્વજોએ જ્યારે સ્વાસ્થ્યનો વિચાર કર્યો ત્યારે શરીરની યંત્રણાનો વિચાર તો કર્યો જ, પરંતુ સાથે સાથે મનની શુદ્ધતા અને સ્વસ્થતા, વિચારોની પવિત્રતા અને અધ્યાત્મ વગેરે બધાનો વિચાર કર્યો. માનવ શરીરને સમજવું એટલે માનવને સમગ્રતામાં સમજવો એવો આપણે ત્યાં આયુર્વેદ સહિત તમામ વૈદ્યકીય શાસ્ત્રોનો અભિગમ રહ્યો.
જીવનશૈલી : આવા અભિગમના પરિણામે ભારતમાં જીવનશૈલી પણ સારા સ્વાસ્થ્યને સુસંગત છે અને તેની પૂરક છે. આપણે ત્યાં મનને શાંત, સ્વસ્થ, સંતુલિત રાખવા પર ભાર મુકાયો. તેથી અધ્યાત્મ, ભજન, પ્રભુનામ, પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, અનાસક્તિ, સંયમ, સાદગી, પ્રેમ, કરુણા, સેવા, સમષ્ટિપ્રેમ... એવી બાબતો પર ભાર મુકાયો.
પરંપરાને લાગેલી બ્રેક : પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પશ્ર્ચિમીકરણ, ઉપભોગવાદ, ઔદ્યોગીકરણ... એ બધાની અસરને લીધે ભારતમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોની જીવનશૈલી બદલાવા લાગી છે. શરીર, મન, બુદ્ધિ અને આત્માનું સંતુલન તૂટવા માંડ્યું છે, જેના પરિણામે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કમરનો દુખાવો, હૃદયરોગ... જેવી બીમારીઓ વધવા માંડી છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડની ટેવો વધતી જાય છે, બહાર ખાવાના પ્રસંગો વધવા માંડ્યા જેના પરિણામે સ્વાસ્થ્યચક્ર બદલાવા લાગ્યું છે.
માનવસંબંધો : સામાન્ય રીતે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કેટલીક જાણીતી વાતોનો સંદર્ભ આવે, જેમ કે વ્યાયામ, ચાલવું, આસનો, ધ્યાન-યોગ, આહાર, ઔષધિ... વગેરે. પરંતુ સ્વાસ્થ્ય પર સીધી પ્રબળ અસર કરનારાં કેટલાંક પરિબળો સ્વાભાવિક રીતે નજરઅંદાજ થઈ જતાં હોય છે.
શરીરનો સીધો સંબંધ પ્રેમ-આત્મીયતા - લાગણી - હૂંફ સાથે છે તે હકીકત વારંવાર ભુલાઈ જતી હોય છે. પ્રેમભૂખ્યો માણસ સારા સ્વાસ્થ્યનો લાભ ગુમાવે છે. ભારતમાં સંયુક્ત કુટુંબો હતાં, ગામના લોકો સાથે સંબંધો હતા, માતા-પિતા તો શું દૂર-દૂરના સંબંધીઓ સાથે સંબંધો હતા, ગામનો જમાઈ પોતાનો જમાઈ કહેવાતો, ગામનો મહેમાન પોતાનો મહેમાન કહેવાતો... આ વાતો બહુ દૂરની નથી. સારા માનવસંબંધો એ સ્વસ્થ માનવજીવનનો પાયો ગણાતો. મધુર માનવસંબંધો લાગણી, ભાવના, હૂંફ અને આત્મીયતા લાવે છે; આ લાગણીઓ મનને તાજગીભર્યું અને સ્વસ્થ રાખે છે અને આખરે સ્વસ્થ મન શરીરને સ્વસ્થ રાખે છે. આ વૈજ્ઞાનિક સત્ય પશ્ર્ચિમની જીવનશૈલીએ ભુલાવી દીધું. કુટુંબો તૂટ્યાં, માણસ પોતાના ગામ, સમાજ, દેશથી દૂર થયો. આવક વધવા લાગી તેથી માણસ પોતાના પૈસાના જોરે કૂદવા લાગ્યો, પરિણામે સંબંધો તેને માટે ગૌણ બની ગયા. તેને માતા-પિતા વગર, ભાઈ-બહેનો વગર, મિત્રો વગર, સ્વજનો વગર રહેવામાં વાંધો નથી આવતો. ઘણાં કુટુંબો એવાં છે જેમના ચાર સભ્યોમાંથી એકાદ બે ભારતમાં હોય અને એકાદ બે અમેરિકા-કેનેડામાં હોય. કોણ, ક્યારે, ક્યાં હોય.. તે પણ કહી શકાય નહીં.
ટાપુ બની ગયેલ માનવી : પરિણામ એ આવ્યું કે માનવ-માનવથી વિખૂટો પડી ગયો છે, ટાપુ બની ગયો છે, એકલવાયો બની ગયો છે. ઘણી બધી બીમારીઓ આજકાલ આ એકલતામાંથી જન્મી છે. કેટલીક વાર તો એવું પણ બને છે કે માણસ પોતે એકલવાયો બની ગયો છે તેની તેને સભાનતા પણ નથી હોતી. જાણીતી ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ વિશે તાજેતરમાં સમાચાર હતા કે તેને એકલતા સતાવી રહી છે, બેચેન બનાવી રહી છે. સફળતા અને ઐશ્ર્વર્યના ટોચ પર બેઠેલી વ્યક્તિ સુખી નથી.
એકલતા શા માટે ઘાતક? : માણસ એકલો હોય તો તેને પર્યાપ્ત ઊંઘ નથી આવતી, પર્યાપ્ત રીતે ખાઈ શકતો નથી (કારણ કે ભાવતું નથી), ગમે તે ખાઈ લે છે, કોઈ તેની ચિંતા કરતું નથી જેને લીધે દવા લેવામાં પણ અનિયમિતતા આવે છે. એકલતા ડીપ્રેશન લાવે છે અને ડીપ્રેશન જાતજાતના રોગો લાવે છે. આ સંપૂર્ણ પણે વૈજ્ઞાનિક બાબત છે.
સારા સ્વાસ્થ્ય માટે વિપુલ પ્રમાણમાં સારા, સ્વસ્થ અને મધુર સંબંધો જ‚રી છે. સંબંધો જ સાચી જડીબુટ્ટી છે, જેટલું આપણે જેટલું વહેલા સમજી લઈએ તેટલો લાભ છે.
એક યુનિવર્સિટીના અભ્યાસનું તારણ જણાવે છે સ્વસ્થ લોકો પણ જો એકલતામાં ફસાઈ જાય તો બ્લડપ્રેશર વધે અને હૃદયની ક્ષમતા ઘટે તેવી સંભાવના છે.
જો કે ભારતના લોકો હજુ પણ મૂળભૂત સંબંધો આધારિત ભારતની સંસ્કૃતિના આધારે એકલતાના શાપમાંથી ધારે ત્યારે બહાર નીકળી શકે છે. સમાજને એક તાંતણે બાંધવો એમાં જ કલ્યાણ રહેલું છે - શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક.

No comments:

Post a Comment