Jan 24, 2012

સોનાનું આવરણ સત્યનું મોઢું બંધ કરે


ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા હતા. ત્યારે પાંડવો એમની પાસે રાજનીતિ શીખવા ગયા. ભીષ્મે રાજનીતિનાં ઉત્તમોત્તમ તત્ત્વો વિશે વાત કરી. અન્યાયી વર્તન પાપ છે એવું કહ્યું.
દ્રૌપદી હસી પડી. ધર્મરાજે એને ધમકાવી. પણ, પિતામહે કહ્યું કે દ્રૌપદી વિના કારણ હસે નહિ, એ સૌજન્યશીલ છે, તેને બોલવા દો. દ્રૌપદીએ કહ્યું કે ‘મને વિચાર આવ્યો કે પાંડવો સાથે આટલો બધો અન્યાય થયો, ભર સભામાં મારું અપમાન થયું ત્યારે આ નીતિમત્તા ક્યાં ગઈ હતી? તેથી હસી પડી.’
ભીષ્મે આપેલો જવાબ આજના યુગમાં, ખાસ કરીને ભારતની વર્તમાન સ્થિતિમાં સૌએ યાદ રાખવા જેવો છે. એમણે કહ્યું, "सुवर्णमयेन पात्रेण सत्यस्य निहितं मुखम्" સોનાના આવરણથી સત્યનું મોઢું બંધ થઈ જાય છે. મેં અનાચારીઓનું અન્ન ખાધું તેની અસરથી સત્ય બોલી ન શક્યો, આચરી ન શક્યો. આજે એ દૂષિત લોહી વહી ગયું છે, તેથી...
એક જૂનું સૂત્ર છે : ‘परान्नं विषभोजनम्। કદાચ આ કારણે જ આમ કહેવાયું હશે. પારકાનું ખાવાની ટેવમાંથી સ્વમાન, સત્ય પ્રત્યેની નિષ્ઠા કદાચ નબળાં પડતાં હશે. એ સંજોગોમાં અન્યોના હક્કનું ખાઈ જવું એ તો ઘાતક બને, પતન વહોરે. આ સંદેશ જ ભીષ્મ પિતામહનો છે. ભ્રષ્ટ કામગીરી અને ભ્રષ્ટ વ્યક્તિથી દૂર રહેવામાં જ કલ્યાણ છે.

No comments:

Post a Comment