Feb 25, 2012

ભગવાનના અવતારનું પ્રયોજન

ભગવાને અવતાર લેવાનું પ્રયોજન શું? અને અવતાર લીધા પછી શું
કરે છે તેની સ્પષ્ટતા પણ ભગવાને ગીતામાં કરી છે.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
(અ. 4/7)
‘‘હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.’’
ધર્મની ગ્લાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય એટલે શું થાય? સદ્ગુણ અને સદાચાર ઘણા જ પ્રમાણમાં ઘટી જાય, દુર્ગુણ અને દુરાચારની અત્યધિક વૃદ્ધિ થાય અને જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ભગવાન અવતાર લે છે.
અમ + ટૈ ઉપરથી અવતાર શબ્દની વ્યુત્પત્તિ મળે છે. કોઈ ઊંચા સ્થાન પરથી નીચે ઊતરવાની ક્રિયા એવો અર્થ થાય પણ અવતાર શબ્દનો એક વિશિષ્ટ અર્થ છે. કોઈ મહાન શક્તિસંપ્ન્ન પરમતત્ત્વનું - પરમાત્માનું અથવા તો દેવતાનું ઉપરના લોકમાંથી નીચેના લોકમાં ઊતરવું તથા માનવ યા અમાનવરૂપ ધારણ કરવું.
અવતારની બે અવસ્થા અને તેનું પ્રયોજન
અવતાર બે અવસ્થાઓમાં માનવામાં આવ્યો છે. એક, રૂપ્નું પરિવર્તન. પોતાના રૂપ્નો ત્યાગ કરી પરિસ્થિતિ પ્રમાણે કાળની આવશ્યકતા મુજબ નવીન રૂપ ધારણ કરવું જેમ કે, ભગવાન વિષ્ણુનું રૂપ, શંખ, ચક્ર, ગદા, પદ્મધારી છે. તેના બદલે મત્સ્ય, કૂર્મ, વરાહ અથવા નૃસિંહરૂપ ધારણ કરવું એ એક અવસ્થા. બીજી અવસ્થા એટલે માતાના ગર્ભમાં તે તે રૂપમાં જન્મ લેવો, જેમ કે વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ ઇત્યાદિ અવતારો.
અવતારનું વિશેષ પ્રયોજન છે. સમગ્ર વિશ્ર્વને એક સૂત્રમાં પરોવી રાખી, નિયમમાં રાખી સૃષ્ટિનું સંચાલન કરવું. પરમાત્માની આ વિશિષ્ટ શક્તિ છે, તેનો વિલાસ છે. જ્યારે જ્યારે ધર્મ ઉપર આફત આવે છે ! અધર્મનો પ્રભાવ વધે છે ત્યારે અધર્મની પુન:સ્થાપ્ના માટે ગીતામાં કહ્યું છે તે મુજબ ભગવાન અવતાર ધરે ત્યારે નૈસર્ગિક જ તે માતાની કૂખે જન્મ લેવાના.
અધર્મની વૃદ્ધિનું કારણ
અધર્મની વૃદ્ધિ અને ધર્મનો નાશ થવાનું મુખ્ય કારણ મનુષ્યોનું નાશવંત પદાર્થો પ્રત્યે આકર્ષણ - તેની આસક્તિ છે.
માતા તથા પિતા દ્વારા માનવીનું શરીર નિર્માણ થાય છે, તેવી રીતે પ્રકૃતિ અને પરમાત્માથી આ સૃષ્ટિ ઉત્પ્ન્ન થાય છે. એમાં પ્રકૃતિએ તેના કાર્યરૂપ આ જગત નિર્માણ કર્યંુ છે, તે સતત પ્રતિક્ષણ બદલતું રહે છે. હું અને તમે આ વાંચીશું તે દરમ્યાન આપણે પણ બદલાતા રહીએ છીએ પરંતુ તે બદલાવ આપણા ધ્યાનમાં નથી આવતો. આપણે બાળક હતા ને મોટા થયા તે રાતોરાત નથી થયા. પ્રતિક્ષણ આપણામાં બદલ આવતો ગયો છે તેથી મોટા થયા છીએ.
હવે પ્રકૃતિ અને પરમાત્મા - એ બંનેમાં પ્રકૃતિમાં બદલાવ થાય છે, તેથી નાશવંત છે. પરંતુ પરમાત્મા અને દેહમાં રહેતા જીવાત્મામાં કદી બદલાવ આવતો નથી અને તે નાશહીન પણ નથી, પરંતુ અંદર રહેલો જીવ, પ્રકૃતિના નાશવંત પદાર્થો એટલે કે સાંસારિક વિષયોપભોગના પદાર્થો સાથે સુખ મેળવવાની ઇચ્છા કરે છે અને તેમની પ્રાપ્તિમાં સુખ માણવા લાગે છે ત્યારે તેનું પતન થવા લાગે છે.
આપણી પ્રાચીન સમજણ પ્રમાણે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ એમ ચાર યુગ છે. એ ચારેયમાંથી સત્યયુગમાં ધર્મના ચાર પગ હોય છે. ત્રેતાયુગમાં ત્રણ પગ, દ્વાપરમાં બે પગ અને કલિયુગમાં એક જ પગ હોય છે. જ્યારે યુગની મર્યાદા કરતાં પણ વધારે ધર્મનો હ્રાસ થાય છે ત્યારે ભગવાન અવતાર લે છે. (ધર્મ ચાર પગ ઉપર, ત્રણ પગ ઉપર ઇત્યાદિ વિચાર છે તે લક્ષણા છે. તેનો વિચાર પછી કરીશું.)
પતન અટકાવવા ભગવાનનો અવતાર
મનુષ્યનાં કર્મોમાં જ્યારે સકામ ભાવ ઉત્પ્ન્ન થાય છે અને કર્મ તે કામનાપૂર્તિ. માટે કરે છે ત્યારે તે પોતાના સ્વધર્મમાંથી ચ્યુત થાય છે. પરિણામે તે નિષિદ્ધ કર્મોનું આચરણ કરે છે. એટલે જ અધર્મનું ઉત્થાન થાય છે. દા.ત., લાંચ-રુશવત, ભ્રષ્ટાચાર વગેરે માણસ પોતાની કામનાપૂર્તિ માટે જ કરે છે ને? પરિણામે અધર્મનું ઉત્થાન થાય છે. ટૂંકમાં માણસ અધાર્મિક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. તેનું કારણ તેની કામના છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને જણાવ્યું જ છે કે કામના એ તો મહાન પાપ્નું કારણ છે, અને સમાજમાં આ રીતના અધર્મની વૃદ્ધિ થવાથી પ્રાણીમાત્રનું કલ્યાણ જોખમાય છે. તેથી લોકોને પતનમાંથી રોકવા ભગવાન અવતાર લે છે.
અહીં એક સવાલ પાછો ઊભો થાય છે કે વર્તમાન સમયમાં ધર્મનો આટલો બધો હ્રાસ થયો છે. લોકો ત્રસ્ત થઈ ગયા છે, છતાં ભગવાન અવતાર કેમ નથી લેતા? તો તેનું કારણ યુગને જોતાં, આધુનિક પરિસ્થિતિ જોતાં હજુ ભગવાનને અવતાર લેવાનો સમય પાક્યો નથી.
તો ભગવાનનો અવતાર લેવાનો સમય ક્યારે પાકવો ગણાય?

- પરમાનંદ ગાંધી

No comments:

Post a Comment