Jul 23, 2019

તમારી પ્રતિમા ક્યાં છે ? સિકંદરનો આ જવાબ સાંભળવા જેવો છે

સિકંદરની રાજધાનીમાં એક ખૂબ જ સુંદર બગીચો હતો. તેમાં પ્રાચીન અને પરાક્રમી પુરુષોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. એક દિવસ સિકંદરની રાજધાનીના પ્રવાસે કોઈ વિદેશી મહેમાન આવ્યો. તે સિકંદરનો વિશેષ અતિથિ હોવાથી તેને શાહી અતિથિગૃહમાં રાખવામાં આવ્યો હતો. બીજે દિવસે સિકંદર તેને પોતાનો શાહી બગીચો જોવા લઈ ગયો. ત્યાં રાખેલી એક-એક પ્રતિમાને જોઈ પેલો અતિથિ હેરાન થઈ ગયો. સિકંદર પણ એક પછી એક મહાન પરાક્રમી યોદ્ધા
ઓનો પરિચય આપ્યે જતો હતો. બધી જ પ્રતિમાઓ જોયા બાદ પેલા શાહી અતિથિએ આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, ‘મહારાજ, આ બધી પ્રતિમાઓમાં તમારી પ્રતિમા કેમ ન આવી ?’

સિકંદરનો જે જવાબ હતો તે ખૂબ મોટું પાથેય આપી જાય છે. સિકંદરે કહ્યું, ‘મારી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે અને બાદમાં આવનારી પેઢી એ પ્રશ્ર્ન કરે કે આ પ્રતિમા કોની છે ? તેના કરતાં હું એવું ઇચ્છીશ કે અહીં મારી પ્રતિમા ન સ્થપાય અને લોકો પૂછે કે અહીં સિકંદરની પ્રતિમા કેમ નથી ?’

Apr 4, 2019

ખુશીનો મંત્ર

દિવાળીના દિવસો હતા. કુંભારવાડામાં ચાર દીપ એકબીજા સાથે વાતે વળગ્યા હતા. પ્રથમ દીપ બોલ્યો, હું હંમેશાથી સુંદર આકર્ષક ઘડો બનવા માંગતો હતો. પરંતુ જોને, નસીબે મને નાનુંઅમથું કોડિયું બનાવી દીધો. બીજો દીપક બોલ્યો, મારી ઇચ્છા મોટી સુંદર મૂર્તિ બનીને કોઈ અમીરના ઘરની શાન બનવાની હતી, પરંતુ હાયરે નસીબ, જોને, આ કોડિયાઓના ઢગલામાં પડ્યો છું. ત્રીજાએ નિસાસો નાખતાં કહ્યું, મને તો પહેલેથી જ પૈસાનો ખૂબ જ મોહ હતો. એટલે ઇચ્છતો હતો કે મને ગલ્લો બનાવી દે પણ આ કુંભારડાએ મને નાનુંઅમથું કોડિયું બનાવી દીધો.

ચોથા દીપકે તમામની વાત સાંભળી શાંતિથી કહ્યું, હવે હું તમને રહસ્યની વાત જણાવું છું. જીવનમાં સપનાં જોવાં સારી વાત છે. તેને પૂર્ણ કરવા મહેનત કરીએ એ પણ સારી વાત છે. પરંતુ દુર્ભાગ્યવશ એમાં સફળ ન થવાય તો નસીબને દોષ આપી દુ:ખી રહ્યા કરવું એ મૂર્ખામી છે. જો આપણે એક બાબતમાં અસફળ થઈ ગયા તો જીવનમાં અનેક અવસરો મળવાના જ છે. એક ગયો તો અન્ય અનેક આવવાના પણ છે. હવે જુઓ, આપણું પર્વ દિવાળી આવશે. લોકો આપણને હોંશે હોંશે ખરીદશે. આપણને મંદિરોમાં જગ્યા મળશે. ન જાણે કેટકેટલાંય ઘરોની આપણે શોભા વધારીશું.

માટે મિત્રો, જ્યાં પણ રહો, જેવી પરિસ્થિતિમાં રહો ત્યાં ખુશ રહેવાનું શીખી લો. દ્વેષમુક્ત બનો. ખુદ ઝળહળીને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવો. નાચો-ગાઓ અને ખુશી-ખુશી દિવાળી મનાવો.